અમદાવાદમાં 1300 કરોડનાં બાેગસ વ્યવહારો, 77 કરોડની વેટ ચોરી પકડાઈ

April 21, 2017 at 10:08 am


અમદાવાદમાં વેટ ચોરી કરવા માટે ઊભી કરાયેલી બોગસ કંપનીઓનો ખાતમો બોલાવવા માટે વેટ વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે. જેમાં 29 બોગસ પેઢીઓના અંદાજે ~1300 કરોડના બોગસ વ્યવહારો પકડાયા છે. જેના દ્વારા આશરે ~77 કરોડની વેટવેરાની ચોરી થઈ હોવાની શોધી કઢાયું છે અને મોટા પાયે શંકાસ્પદ કાગળો મળી આવ્યા છે, જેની ચકાસણી કરાતા વિક્રમ લાડુલાલ બહેડિયા નામની વ્યક્તિએ અન્યો સાથે મળીને જુદીજુદી પેઢીઓના નામે ખોટા નોંધણી નંબરો મેળવીને માત્ર બિલિંગ પ્રવૃત્તિ જ આચરી હોવાનું પણ પકડી પડાયું છે. જોકે, હાલને તબક્કે વધુ ચાકસણી હાથ ધરાઇ રહી છે. વેટના એન્ફોર્સમેન્ટ વિભાગની પાંચ ટીમો આ તપાસમાં 25 દિવસથી જોડાયેલી હતી અને ઝડપાયેલા દસ્તાવેજોને આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં આસિફ ફારુકી અને જીગ્નેશ મહેતા નામની બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી.
રાજ્યમાં મોટા પાયે બોગસ પેઢીઓ ઊભી કરીને ખોટી વેટ ક્રેડિટ દ્વારા કરાતી કરચોરીનો અંત લાવવા માટે વેટ વિભાગે અભિયાન હાથ ધર્યું છે. વેટ વિભાગે આવી બોગસ પેઢીઓ-કંપનીઓના ઓપરેટર્સ વિરુદ્ધ કાર્યવાહી આરંભી દીધી છે. અભિયાનના ભાગરૂપે તાજેતરમાં દરોડની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા રાહુલ ગુપ્તા નામની વ્યક્તિના વેટ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. જેમાં મોટા પાયે વાંધાજનક કાગળો મળી આવ્યા છે. આ દસ્તાવેજોમાં જુદી જુદી પેઢીઓ-વ્યક્તિઓના નામની પાસબુકો, પેઢીઓના નામની વિવિધ બેંકોની સહી કરેલી કે તે સિવાયની ચેક બુક્સ, બેંકોમાં જમા કરાવેલી કે જમા ન કરાવેલી ચેકબુક્સ, સ્લીપો, જુદીજુદી પેઢીઓના નામના કોરા લેટરપેડ, સિક્કા-રબર સ્ટેમ્પ, વિવિધ વ્યક્તિઓના પાસપોર્ટ સાઈઝના ફોટા, હસ્તલિખિત કાચા હિસાબો દર્શાવતી ચિઠ્ઠી-ચબરખી, કોમ્પ્યૂટર અને કલર પ્રિન્ટર કમ સ્કેનરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઘણી પેઢીઓ-વ્યક્તિઓના નામના દસ્તાવેજો, ઇનવોઈસ, બેંક સ્ટેટમેન્ટ્સ, વેટના ચલણ, સીએસટીના ચલણ, વેટના પત્રકોની નકલો, પત્રક ભર્યાની પાવતીઓ પણ મળી આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL