અમેરિકાને સત્ય સમજાયું

January 4, 2018 at 8:00 pm


અમેરિકાને હવે રહી રહીને સત્ય સમજાયું છે. પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતી સહાય બંધ કરી દેવાની રોષ ભરી રજૂઆત કરીને દક્ષિણ એશિયાના આ દેશને આરોપીના પિંજરામાં ઊભો કરી દીધો છે. વિશ્ર્વના દેશોમાં આમ પણ પાકિસ્તાન ખરડાયેલી પ્રતિભા જ ધરાવે છે. તેમાં અમેરિકાએ સહાય બંધ કરીને જે રીતે અપમાનિત કર્યું છે, પાકિસ્તાનને, તેના કારણે રહીસહી પ્રતિષ્ઠા પર પણ પાણી ફરી ગયું છે.
આગ ઝરતા શબ્દોમાં યુએસ પ્રમુખે કહ્યું કે, પાકિસ્તાન સહાય આપવાને લાયક નથી. અમેરિકાએ અત્યાર સુધી આપેલી 33 અબજ ડોલરની સહાય પાણીમાં ગઈ છે. પાકિસ્તાન અમેરિકન નેતાઓને બુદ્ધુ સમજે છે, અને કપટી સંબંધ રાખે છે! અમેરિકા મૂર્ખ બન્યું છે!
આ મુખર્ઈિ માટે પાકિસ્તાનની સાથે સાથે પોતે પણ એટલું જ જવાબદાર છે. એવાં કયા હિત પાકિસ્તાન સાથે તેમાં સંકળાયેલાં હતાં કે, તેના માટે રાષ્ટ્રીય અંદાજપત્રમાં સહાય માટેનું ભંડોળ અલગ રાખવામાં આવતું હતું? ભારત-પાક યુદ્ધ વખતે હિંદ મહાસાગરમાં ભારતને ડરાવવા માટે અમેરિકાએ તેનો બારમો કાફલો ઉતાર્યો હતો, આ તો રશિયા સાથે ભારતના જે નિસ્વાર્થ સંબંધ હતા અને રશિયા પણ એ યુદ્ધમાં ભારત સાથે જોડાયું ત્યારે અમેરિકાએ પૂછડીઘાલીને પાછા ફરવું પડ્યું! ત્યારે તેને ભારત કરતાં પાકિસ્તાન વધારે વહાલું હતું! શું કારણ હતું? હંમેશાં પાકિસ્તાનનાં અળવિતરાઓ સામે આંખ મિંચામણા કરીને, ભારતને દાબમાં, ડરતું રાખવાનો અમેરિકાનો પણ પાક. જેવો જ નાપાક હેતુ હતો!
ભારતે અગાઉ કેટલીય વાર વિશ્ર્વ આખાનું ધ્યાન દોર્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદીઓને પોષે છે, પણ અમેરિકાના પગ નીચે રેલો આવ્યો ત્યારે ભારતની વાત સાચી લાગી .છે. !
પાકિસ્તાન સરકાર ખરેખર તો પોતાના લશ્કર સામે લાચાર છે અને લશ્કરે ઊભાં કરેલાં અને પાળેલાં પોષેલાં આતંકવાદી જૂથો પાસે પાકિસ્તાન લશ્કર લાચાર છે! હવે સહાય બંધ થતાં ખરા અર્થમાં જોવા જઈએ તો પાકિસ્તાની લશ્કરના હુક્કા-પાણી બંધ થઈ જશે, હવે એ સગવડ આતંકવાદી જૂથો પાસેથી મેળવીને જ ભોગવવી પડશે. પરિણામે પાકિસ્તાનમાં આતંકવાદ કે આતંકવાદીઓનો નાશ નહીં વિકાસ થવાની શક્યતાઓ વધી જશે! સાચી કસોટી અમેરિકાની હવે થવાની છે.

print

Comments

comments

VOTING POLL