અમેરિકામાં ‘ગોપીઓ’ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાની જાહેરાત

May 9, 2017 at 1:19 pm


ન્યુયોર્ક

વિજય ઠક્કર

ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન ( ગોપીઓ)ના ચૂંટાયેલા પ્રતિનીધિઓ અને કાઉન્સેલ જનરલ ઓફ ઇન્ડિયાએ સંયુક્ત રીતે ગોપીઓ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાની ઘોષણા કરી છે. ન્યૂયોર્ક ખાતે આવેલી ભારતીય કોન્સ્યુલેટની ઓફીસ ખાતે ગત સપ્તાહે ન્યૂયોર્ક ટ્રાઇ સ્ટેટના ભારતીય ડાયસ્પોરાના લોકો માટે યોજાએલ એક સમારંભમાં આ ઘોષણા કરવામાં આવી હતી. ભારતની વ્યાપારિક રાજધાની મુંબઈ ખાતે પ્રવાસી દિવસના એક દિવસ પૂર્વે એટલેકે ૧૦મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ આ અગાઉ ગોપીઓ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર અને તામીલનાડુના ગવર્નર શ્રી વિદ્યાસાગર રાવના હસ્તે થયું હતું.

ભારતીય કાઉન્સેલ જનરલ શ્રીમતી રીવા ગાંગુલી દાસે ન્યૂયોર્ક ખાતે યોજાએલ સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે “ગોપીઓ” જ એક એવું ઓર્ગેનાઈઝેશન છે જે વિશ્વવ્યાપી ત્રણ કરોડ ભારતીયોના હિતોનું સાચા અર્થમાં પ્રતિનિધિત્વ કરે છે. શ્રીમતી દાસે આ સાહસને બિરદાવતા કહ્યું કે ગોપીઓ દ્વારા ગોપીઓ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાનું આ કદમ અત્યંત સમયસરનું અને સાંપ્રત સમયનું ખુબ જરૂરી સાહસ છે.

ગોપીઓ ઈંટરનેશનલના ચેરમેન ડોક્ટર થોમસ અબ્રાહમે તેમના વક્તવ્યમાં ગોપીઓ ઈંટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની વિગતવાર માહિતી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે ૨૦૧૬મા મળેલું ગોપીઓનું દ્વિવાર્ષિક અધિવેશન ગોપીઓ માટે એક પાયાના પથ્થર સમાન બની રહ્યું હતું કારણકે વ્યાપાર, ટેકનોલોજી, રોકાણો અને અન્ય સામાન્ય ચીજવસ્તુઓનાં વહન માટેનો એ ડાયસ્પોરા શ્રોત બની રહ્યો છે. ગોપીઓની સામાન્ય સભાએ આ બેઠકમાં જી.આઈ.સી.સીને ભારતીય ડાયસ્પોરા માટેનો વ્યાપારિક મંચ બનાવવા માટે આગળ વધારવાનું નક્કી કર્યું હતું. ડોક્ટર અબ્રાહમે ઉમેર્યું કે ગોપીઓ ઈન્ટરનેશનલ એક બ્રાંડ છે જે અન્ય ચેમ્બર્સની જેમ ભારતીય ડાયસ્પોરાના વ્યાપારી અને સાહસિકો માટે સુવિધાયુક્ત વૈશ્વિક નેટવર્ક ધરાવતું આંતરરાષ્ટ્રીય ચેમ્બર્સ ઓફ કોમર્સ છે. ગોપીઓ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ એ ગોપીઓનું બીનભૌગોલીક એકમ તરીકે કાર્યરત રહેશે અને એ ભારતીય મૂળના લોકોના વ્યાપાર અને વ્યવસાયિક સેવાઓ માટે વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક નેટવર્કની તકો ઉપલબ્ધ કરાવશે. સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાનાં ૩ કરોડ લોકોમાંથી ૩ લાખ લોકો વ્યાપારિક એકમોની માલિકી ધરાવે છે.

પ્રારંભમાં ગોપીઓના કો-ચેરમન શ્રી પ્રકાશ શાહે પ્રાસ્તાવિક અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતીય મૂળના વ્યવસાયી લોકોની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતા સંગઠનની એક લાંબા સમયની જરૂરીયાત હતી જે ગોપીઓનાં સ્વરૂપે પૂર્ણ થઇ છે. જી.આઈ.સી.સી નો ઉદ્દેશ્ય ભારતીય ડાયસ્પોરાના વ્યાવસાયિક લોકોને આંતરરાષ્ટ્રીય નેટવર્કની તકો ઉભી કરી આપતો વૈશ્વિક મંચ પૂરો પાડીને સંગઠિત કરવાનો છે. શ્રી પ્રકાશ શાહે વધુમાં જણાવ્યું કે ગોપીઓ હાલમાં વિશ્વના ૩૫ દેશોમાં અને ૧૦૦ ચેપ્ટરમાં કાર્યરત છે અને એજ પેટર્ન માં જી.આઈ.સી.સીનું ધ્યેય પણ નાના નાના તબકાઓ, શહેરો, તાલુકા, જીલ્લાઓ, રાજ્યો અને દેશોમાં પોતાના ચેપ્ટર્સની પ્રસ્થાપના દ્વારા વધારેમાં વધારે ભારતીય સમુદાયના વ્યાપારી એકમો…ધંધા-ઉદ્યોગો સુધી પહોંચવાનું છે.

સમારંભમાં ગોપીઓના સલાહકાર બોર્ડના ચેરમેન અને પદ્મશ્રી એચ. આર. શાહે ડાયસ્પોરા વ્યવસાયોની આંકડાકીય માહિતી રજુ કરીને ગોપીઓ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની જરુરીયાતનું સમર્થન કર્યું હતું. સમારંભના અન્ય વક્તાઓમાં ગોપીઓના આજીવન સભ્ય અને પરીખ મીડિયા વર્લ્ડવાઈડના ચેરમેન તથા ન્યુ જર્સીના એસેમ્બલી મેન શ્રી રાજ મુખર્જીનો સમાવેશ થાય છે.
જી.આઈ.સી.સીની સ્થાપનાના આ ઉદઘાટનના પ્રસંગે ૧૫૦ થી વધુ બિનનિવાસી ભારતીયો અને ભારતીય મૂળના વ્યવસાયિકો અને અન્ય અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL