અમેરિકી હુમલાના ભયથી પુટિને સરહદે રશિયન સૈન્ય તૈનાત કર્યું

April 21, 2017 at 10:59 am


નોર્થ કોરિયાએ અમેરિકાની ચેતવણીઓને અવગણીને પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઈલોનું પરીક્ષણ કર્યે રાખ્યું તેને પગલે હવે રશિયાને એવો ડર સતાવી રહ્યો છે કે ગમે ત્યારે અમેરિકા તેની પર હુમલો કરી શકે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનને બીક છે કે અમેરિકા હુમલો કરે તો તેવા સંજોગોમાં ઉત્તર કોરિયામાંથી લાખોની સંખ્યામાં તેમના દેશમાં શરણાર્થીઓનો રાફડો આવી શકે છે અને તેને કારણે તેમના દેશમાં અરાજક સ્થિતિ ઉભી થઈ શકે છે. રશિયાએ આ બીકને કારણે ઉત્તર કોરિયા સાથે અડતી તેની સરહદે લશ્કર તૈનાત કરવા માંડ્યું છે.
પુટિન માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તે સમયે કિમ જોંગ ઉન પર હુમલો કરી શકે છે. પ્યોંગપાંગ પર જો અમેરિકા હુમલો કરે તો તેવા સંજોગોમાં ઉત્તર કોરિયામાંથી ભાગવા માટે લોકો તૈયાર છે અને તેઓ શરણાર્થી બનીને તેમના દેશમાં ઘૂસી શકે છે. ચીને પણ આવી જ બીકને પગલે થોડા દિવસો પહેલાં ઉત્તર કોરિયા સાથેની તેની સરહદ પર દોઢ લાખ જેટલું સૈન્ય ખડકી દીધું છે. ચીનને પણ બીક છે કે ઉત્તર કોરિયામાંથી લાખો લોકો તેના દેશમાં શરણાર્થી બનીની ઘૂસી જવા માટે તત્પર છે. બેઈજિંગ માને છે કે યુદ્ધ ફાટી નીકળે તો તેવા સંજોગોમાં શરણાર્થીઓને કંટ્રોલ કરવા મુશ્કેલ બની શકે છે.
ગઇકાલે સવારે રશિયન મીડિયામાં એવી વિડીયો ફૂટેજ ચાલી રહી છે જેમાં નોર્થ કોરિયા સાથેની તેની 11 માઈલ લાંબી સરહદ પર ટ્રુપ્સની સતત હલનચલન જારી છે. સંખ્યાબંધ મિલીટરી ટ્રકો રશિયન સરહદમાં કોઈ ઘૂસી ન જાય તે માટે ચોકી પહેરો ભરીને ઉભી રાખવામાં આવી છે. બીજી તરફ, પુટિન એમ પણ માને છે કે જો નોર્થ કોરિયામાંથી પરમાણુ લીકેજ થાય તો તેની અસરમાંથી રશિયનો પણ બચી શકે તેમ નથી.
રશિયાના પ્રીમોર્સ્કી પ્રાંતને અડીને નોર્થ કોરિયાની સરહદ આવેલી છે. રશિયન નિષ્ણાંતોએ કહ્યું છે કે જે રીતે લશ્કર અને શસ્ત્ર સરંજામ લઈ જવામાં આવી રહ્યો છે તે જોતાં ભવિષ્યમાં કોઈક ખાનાખરાબી થવાની આશંકા છે અને હુમલાની સામે રક્ષણ મેળવવા માટે આ ઈલાજ અજમાવવો પડે તેમ છે. નોર્થ કોરિયાએ રશિયાના આ પ્રાંતમાં પહેલી વખત શાંતિનો ભંગ કર્યો છે તેથી પુટિન સાબદા થઈ ગયા છે.

print

Comments

comments

VOTING POLL