આંદોલનકારીઓ પાસેથી વસુલી કરો

December 1, 2017 at 8:47 pm


આંદોલનો અને જાહેર વિરોધ પ્રદર્શનો દરમિયાન જીવન અને જાહેર સંપત્તિના નુકસાન મામલે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે તોડફોડની જવાબદારી નક્કી કરવા અને આવા હિંસક વિરોધના પીડિતોને વળતર આપવા માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અદાલતો ઊભી કરવા કેન્દ્રને સૂચના આપી છે.
સુપ્રીમ કોર્ટે જાહેર આંદોલનો વખતે થતી જાનમાલની ખુવારી માટે આંદોલનકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પગલાં ભરવા માટે છેક 2007માં એક ગાઇડલાઇન આપી હતી. પરંતુ, દસ વર્ષ પછી પણ આ ગાઇડલાઇનનો અમલ ના થતાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. આ અરજી સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ જણાવ્યું છે કે કોઇ આંદોલનો વખતે કોઇ વ્યક્તિનો જીવ જાય કે જાહેર અથવા ખાનગી મિલ્કતોને નુકસાન પહોંચાડવામાં આવે કે જાહેર જનતાને અન્ય રીતે હાલાકી પડે તે માટે જવાબદારી નક્કી કરવા વીડિયોગ્રાફી કે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવી જ જોઇએ. વધુમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે આવા સંજોગોમાં આંદોલનકારીઓ સામે કામ ચલાવવા તથા તેમને સજા આપવા માટે જિલ્લાવાર ખાસ અદાલતોની સ્થાપ્ના કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે સાફ સાફ જણાવ્યું છે કે બંધારણે દેશના લોકોને સમૂહમાં એકઠા થઇને શાંતિપૂર્ણ વિરોધ દશર્વિવાનો અધિકાર આપ્યો છે પરંતુ કોઇને પણ હિંસા પર ઉતરી આવી જાનમાલને હાનિ પહોંચાડવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે બહુ યોગ્ય રીતે જ આ નિર્દેશો આપ્યા છે. કોઇપણ પ્રકારના આંદોલન વખતે પબ્લિક પ્રોપર્ટી જ ટોળાંના હુમલાનું નિશાન બને છે. તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં કેટલીય એસટી બસો સળગાવી દેવામાં આવી હતી. રાજસ્થાનમાં તો જ્યારે જ્યારે પણ ગુર્જર અનામત આંદોલન થાય છે ત્યારે સંખ્યાબંધ ટ્રેનો બંધ કરવી પડે છે કાં તો અન્યત્ર વાળી દેવી પડે છે કારણ કે આંદોલનકારીઓએ ટ્રેનના પાટા ઉખાડી નાખ્યા હોય છે. સુપ્રીમે આ નિર્દેશો જે કેસના સંદર્ભમાં આપ્યા તે દાર્જિલિંગમાં તાજેતરના ગોરખા આંદોલનને લગતો છે. તે આંદોલનને કારણે દાર્જિલિંગમાં જાહેર અને ખાનગી મિલ્કતોને નુકસાન પહોંચ્યું અને દિવસોના દિવસો સુધી ત્યાંનું અર્થતંત્ર ઠપ થઇ ગયું હતું. આ દાસ્તાન લગભગ બધે એકસરખી જોવા મળે છે.

print

Comments

comments

VOTING POLL