આઈપીએલનો પાસ છે ?

April 7, 2017 at 4:36 pm


કટપ્પાએ બાહબલીને શા માટે માર્યો અને મુલાયમસિંઘે નરેન્દ્ર મોદીને કાનમાં શું કહ્યું તેના કરતાં પણ એટલીસ્ટ, રાજકોટમાં સૌથી વધુ પ્રશ્ર્ન આઈપીએલના પાસ છે ? તેવો પુછાઈ રહ્યો છે. પૈસા અને ગ્લેમરથી ભરપૂર એવી આ ટુનર્મિેન્ટની દસમી સિઝનના બે મેચ રમાઈ ચુકયા છે અને આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રાજકોટની હોમ ટીમ ગણાતી ગુજરાત લાયન્સ અને શાહખખાનની માલિકીની કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે મેચ રમાવાનો છે. આઈપીએલની ગત સિઝનમાં રાજકોટમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો તેનાથી થોડો ઓછો ઉત્સાહ આ વખતે જોવા મળ્યો છે અને તેનું કારણ કદાચ માથે તપતા સૂરજદાદા અને શઆતના મેચોમાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી કારણભૂત હોઈ શકે છે. આમ તો રાજકોટવાસીઓની છાપ એવી છે કે તે છેલ્લે છેલ્લે જ જાગે છે. આઠ વાગ્યે કોઈ મોટો ટિકિટ શો હોય તો છ વાગ્યા સુધી બંદો ‘પાસ’ (વિનામૂલ્યે) મેળવવા માટે દોડધામ કરતો રહે છે. પાસ હાથમાં આવે તો મજો મજો અને ન આવે તો દ્રાક્ષ ખાટી છે તેમ કહીને મન મનાવી લેતાં પણ રાજકોટવાસીને આવડે છે. ઘણા લોકો તો ક્રિકેટ મેચના પાસ પણ એવી રીતે માગે છે જેવી રીતે ગરબાના જોવાના પાસ માગતા હોય. એક વખત એક મિત્રએ પાસ માગતા તેને મજાકમાં કહ્યું હતું કે મેચ જોવાનો પાસ નથી રમવાનો પાસ છે તો તેને માઠું પણ લાગી ગયું હતું.

રાજકોટવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના રહેવાસીઓ પૈસે ટકે બીજા શહેરોની સરખામણીમાં સંતોષી ગણાય છે. અમદાવાદ કે બીજા મોટા શહેરમાં રહેનારા લોકો શોખ પુરા કરવા માટે પૈસા ખર્ચતા પહેલા બે વાર વિચાર કરે છે પરંતુ સૌરાષ્ટ્રવાસીઓની દિલેરી જગજાહેર છે. પ્લેનમાં ઉડાઉડ કરતાં કે પછી મોટી મોટી હોટેલમાં બે પાંચ હજાર પિયાનું ભોજન આરોગી જનારા લોકો પણ જયારે મફત પાસ માટે પુછે ત્યારે સાલું લાગી આવે છે. આપણે ત્યાં મફત પાસની વ્યાખ્યા પણ અનોખી છે. લાખોપતિ કે કરોડપતિને પાંચસો કે હજાર પિયાની ટિકિટ મોંઘી પડતી નથી પરંતુ જો કોઈ મફતમાં ટિકિટ આપી જાય તો તેને ‘સ્ટેટસ’ સિમ્બોલ ગણવામાં આવે છે. અહીં ચાર બંગડીવાળી ગાડીમાં આવનારા લોકોને પણ આઈપીએલના મફત પાસ માટે દોડધામ કરતાં જોઈ શકાય છે. એ વાત સાચી છે કે આઈપીએલ ટુનર્મિેન્ટનું રાજકોટમાં આ બીજું વર્ષ છે અને આ ટુનર્મિેન્ટને કારણે ઘણા બધા લોકોને રોજગારી પણ મળી રહી છે. સારી સારી હોટલોની ઓકયુપ્ન્સી ફુલ થઈ ગઈ છે, રેસ્ટોરન્ટવાળાઓને તડાકો પડયો છે અને બલ્કમાં ટિકિટ ખરીદીને 100-200ના ભાવ ફેરે વેંચી નાખનારાઓને પણ કમાણી થઈ રહી છે. આઈપીએલ શ થાય એટલે ઘણા લોકોને એક મહિના સુધી બીજું કોઈ કામ સુઝતું નથી અને સવાર સાંજ ટિકિટની જ માળા જપતા હોય છે. ક્રિકેટ ઉપર સટ્ટો કેવી રીતે રમાય તેની રતીભાર ખબર ન હોય આમ છતાં ‘હમણાં બુકી બજારમાં શું ભાવ ચાલે છે?’ તેવું પુછતાં પણ ઘણા લોકો શરમાતા હોતા નથી. આઈપીએલ આવે એટલે રાજકોટમાં પાંચનું ડબલું અને 10નું બંધ રમનારા લોકો પણ ક્રિકેટરો ઉપર ‘ભાવ’ ખાવા લાગે છે. અત્યારે ‘સેલ્ફીયુગ’ ચાલી રહ્યો છે અને તેથી નાના મોટા કોઈપણ ક્રિકેટર સાથે સેલ્ફી લેવા માટે કલાકો બગાડનારા લોકો પણ રાજકોટમાં ઓછા નથી. કોઈ નવાસવા ખેલાડીની વિકીપીડીયા ખબર ન હોય તો પણ તેની સાથે સેલ્ફી ખેંચાવનારા પણ જોવા મળે છે. ધાર્મિક પ્રકૃતિ ધરાવતો માણસ મંદિર પાસેથી પસાર થાય અને ભાવપૂર્વક માથું નમાવે તેવી રીતે અત્યારે યાજ્ઞીક રોડ પર ઈમ્પીરીયલ હોટલ અને 150 ફુટ રીંગરોડ પરની આઈટીસી ફોર્ચ્યુન હોટલ પાસેથી નીકળનાર ક્રિકેટ ચાહક પોતાનું ડોકું તાણ્યા વગર રહેતો નથી. આવા લોકોને મનમાં ઉંડે ઉંડે એવી આશા હોય છે કે જેમ અમિતાભ બચ્ચન પ્રતિક્ષા બંગલાની ગેલેરીમાં આવીને ચાહકોનું અભિવાદન ઝીલે છે તેવી રીતે આપણા ક્રિકેટરો પણ બહાર આવીને ‘સન્મુખ દર્શન’ આપશે. જો કે આવું કયારેય બનતું હોતું નથી. બે-પાંચ ક્રિકેટરોને બાદ કરતાં મોટાભાગના ક્રિકેટરો પોતાના ચાહકોની સામે જોવાની તસદી પણ લેતાં નથી તે એક કડવી વાસ્તવિકતા છે.

હોટલની બહાર કલાકો સુધી ઉભા રહીને તપ કરનારા ક્રિકેટના રસીયાઓને માત્ર પોતાના માનીતા ખેલાડીની પીઠ જોઈને સંતોષ માનવો પડે છે. ઘણા ક્રિકેટરો તો ફોટો પડાવતી વખતે પણ મોઢામાં સુદર્શન ધનવટી આવી ગઈ હોય તેવો ચહેરો રાખીને ઉભા હોય છે. આમ તો રાજકોટવાસીઓ ઘણા સંતોષી છે અને ક્રિકેટરની બસ જોઈને પણ સંતોષ માની લે છે. આઈપીએલ ટુનર્મિેન્ટ શ થઈ છે એટલે રાજકોટના ક્રિકેટપ્રેમી મિડિયાવાળાઓને પણ જલસા થઈ ગયા છે. રોજ 14 કિલોમીટર દૂર ખંઢેરી સ્ટેડિયમે જવું, ત્યાં ભોજન લીધા પછી ક્રિકેટરોને પ્રેકટીસ કરતાં જોવા, તેમની સાથે ફોટા પડાવવા અને પછી આવા ફોટાનો વ્હોટસએપ્ના ગ્રુપમાં અને ફેઈસબુક ઉપર વરસાદ વરસાવવો જાણે કે ટીન થઈ ગયું છે. કોણે કોની સાથે સેલ્ફી લીધી અને કોણે કોનો ઈન્ટરવ્યુ કર્યો તેવી એકસકલુઝીવ જાહેરાતો આવા ગ્રુપમાં સતત થતી રહે છે અને બાકીના લોકો ‘56’ની છાતી રાખીને તેને સહન પણ કરતા રહે છે. ભલુ થજો ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલનું કે જેમણે રાજકોટની ટીમને આઈપીએલમાં ઉતારી છે. જો સટ્ટો અને સ્પોટ ફિક્સિગંના આરોપો બદલ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ જેવી બળુકી ટીમો બે વર્ષ માટે સસ્પેન્ડ ન થઈ હોત તો કદાચ રાજકોટની ટીમનું અસ્તિત્વ જ ન હોત. કાયદેસર રીતે રાજકોટની આ ગુજરાત લાયન્સની ટીમનું આ છેલ્લું વર્ષ છે અને આવતા વર્ષે જો ટુનર્મિેન્ટનું ફોર્મેટ બદલાશે તો (અને કેશવ બંસલને રસ હશે તો) આ ટીમનું અસ્તિત્વ રહેશે અન્યથા નહીં રહે. રાજકોટમાં રમાતા મેચ કોને કેટલું કમાવી આપે છે તેનો કયાસ કાઢવો મુશ્કેલ ભર્યો છે પરંતુ આ ટુનર્મિેન્ટથી બીસીસીઆઈની તિજોરી વધુને વધુ તગડી થતી જાય છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

print

Comments

comments

VOTING POLL