આજથી નર્મદાનીર મળવાનું બંધઃ કાલથી ધાંધિયાની ભીતિ

September 11, 2018 at 2:42 pm


રાજકોટ શહેરને આજે સવારથી નર્મદાનીર મળવાનું બંધ થઈ ગયું છે જેના અનુસંધાને આજે મવડીના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ નહી થતાં દેકારો બોલી ગયો હતો. દરમિયાન આવતીકાલે પણ ન્યુ રાજકોટમાં રૈયાધાર અને મવડી ઝોનમાં પાણી વિતરણ ડખ્ખે ચડવાની ભીતિ સજાર્ઈ ગઈ છે.

વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા વિભાગ અને જીડબલ્યુઆઈએલ (ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) દ્વારા નર્મદા કેનાલ નં.32, 33 અને 34માં મેઈન્ટેનન્સ અને રિપેરિ»ગની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેના કારણે આજે રાજકોટ મહાપાલિકાને મળતું રોજિંદુ નર્મદાનીર મળી શક્યું ન હતું. નર્મદાનીરના અભાવે આજે મવડી વોર્ડ નં.11 અને 13ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ નહી થતાં દેકારો બોલી ગયો હતો.

દરમિયાન સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે સવાર સુધીમાં નર્મદાનીર રાબેતા મુજબ મળવા ન લાગે તો કાલે રૈયાધાર ઝોન અને મવડી ઝોન હેઠળના ન્યુ રાજકોટ વિસ્તારમાં ફરી પાણીના ધાંધિયા સજાર્વાની ભીતિ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ તા.30 સપ્ટેમ્બર સુધી ધીમી ગતિએ પાણી છોડવામાં આવશે. જ્યારે તા.30મીએ ચોમાસું પૂર્ણ જાહેર થયા બાદ વધુ માત્રામાં જળજથ્થો ઠાલવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL