આજી અને ન્યારી ઓવરફ્લો થવામાં હજુ 12 ફૂટનું છેટું

July 17, 2017 at 4:25 pm


રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં મુખ્ય જળસ્ત્રોત આજી-1 અને ન્યારી-1 ઓવરફ્લો થવામાં હજુ 12 ફૂટનું છેટું છે. મહત્ત્વપૂર્ણ છે કે શનિવારથી સોશ્યલ મીડિયામાં આજી ડેમ ઓવરફ્લો થયાનો વીડિયો વાયરલ થયો હતો પરંતુ તે વીડિયો જામનગર જિલ્લાના આજી ડેમનો હતો. રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થવામાં હજુ 12 ફૂટનું છેટું છે. એ જ રીતે રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલો ન્યારી-1 ડેમ પણ ઓવરફ્લો થવામાં હજુ 12 ફૂટનું છેટું છે. જામનગર રોડ પર હનુમાનધારા પાસે આવેલો ન્યારી-2 અને શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલા લાલપરી-રાંદરડા તળાવ સહિતના ત્રણ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવીને 72 કલાકમાં પાક અને પાણીનું સમગ્ર ચિત્ર પલટી નાખ્યું છે. જયારે ભાદર સહિત અન્ય 22 ડેમની સપાટી હજુ પણ ‘શૂન્‌ય’ રહી છે.
આજી-1 ડેમ
રાજકોટ શહેરની ભાગોળે આવેલા અને કુલ 29 ફુટની ઉંડાઈના આજી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવીને ડેમ ભરવામાં આવી રહ્યો હતો. ડેમની સપાટી 15 ફૂટે પહોંચી ત્યાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા ડેમમાં નર્મદા નીર છોડવાનું બંધ કરી દેવાયું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મતલબ કે શનિ, રવિ અને આજે સોમવાર સુધીના ત્રણ દિવસમાં ડેમમાં 2.40 ફુટ નવું વરસાદી પાણી ઠલવાયું છે અને આજે ડેમની સપાટી 17.40 ફુટે પહોંચી છે. જો કે ઓવરફલો થવામાં 12 ફુટનું છેટું છે.
ન્યારી-1 ડેમ
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા કુલ 21.80 ફુટની ઉંડાઈના ન્યારી-1 ડેમની સપાટી તા.14ને શુક્રવાર સુધી ઝીરો હતી દરમિયાન શનિ, રવિ અને સોમવાર સહિતના છેલ્લા ત્રણ દિવસમાં ડેમાં 9.40 ફુટ નવું પાણી ઠલવાઈ જતા હાલ ડેમની સપાટી 9.40 ફુટ થઈ ગઈ છે.
ન્યારી-2 ડેમ
રાજકોટની ભાગોળે જામનગર રોડ પર હનુમાન ધારા પાસે આવેલા અને કુલ 20.70 ફુટની ઉંડાઈના ન્યારી-2 ડેમમાં જોરદાર પાણીની આવક થતા શનિવારે જ ડેમ ઓવરફલો થઈ ગયો હતો અને દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતાં. આ ડેમનું પાણી પ્રદુષીત હોય હાલ રાજકોટને તેમાંથી પીવાનું પાણી અપાતુ નથી પરંતુ દુષ્કાળનો સમય હોય કે અન્ય જળાશયોમાં પાણી ખાલી થઈ ગયું હોય તેવા સમયે આ ડેમમાંથી પાણી ઉપાડી ફીલ્ટર કરીને વિતરણ કરાય છે.
લાલપરી-રાંદરડા તળાવ
રાજકોટ શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલા રાજાશાહી વખતનું લાલપરી-રાંદરડા તળાવ કોરુકટ હતું દરમિયાન શનિવારે રાજકોટમાં ધોધમાર 18 ઈંચ વરસાદ વરસતા 12 કલાકમાં જ આ તળાવ ઓવરફલો થઈ ગયું હતું. આ તળાવનું પાણી હાલ રાજકોટ શહેરના પ્રદ્યુમનપાર્ક ઝુના બાગ બગીચા તેમજ પશુપંખીઓ અને પ્રાણીઓ માટે વપરાશમાં લેવાય છે. તેમજ જર પડયે રાજકોટ શહેરને પીવાના પાણી માટે પણ તેમાંથી પાણી ઉપાડાય છે.

print

Comments

comments

VOTING POLL