આમાં બેન્ક કૌભાંડની તપાસ કેવી રીતે થાય?

February 23, 2018 at 7:12 pm


પંજાબ નેશનલ બેન્કના કૌભાંડની તપાસ માટે સીટની રચનાની માગણી કરતી જાહેરહિતની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી હતી કે આ મામલાની તપાસ માટે સરકારને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. સુપ્રીમની આ ટકોર છતાં વાસ્તવિકતા એ છે કે, આપણી તપાસનીસ એજન્સીઓ પાસે નહોર રહ્યા નથી.

દેશમાં અત્યારે આર્થિક કૌભાંડો ગાજી રહ્યાં છે. સૌથી લેટેસ્ટ ઉમેરો નિરવ મોદીનું કૌભાંડ છે. ચોરે ને ચૌટે તેની ચર્ચા ચાલે છે. સોશિયલ મીડિયા પર તેને લગતા અસંખ્ય મેસેજીસ ઠલવાઇ રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારના સમર્થકો એ મતલબના મેસેજીસ ઠાલવી રહ્યા છે કે આ તો મોદી સરકાર સત્તા પર છે એટલે જ આ કૌભાંડ બહાર આવી શકયું અને આ જ સરકારની ઇચ્છા શકિત છે એટલે આ કૌભાંડમાં પૂરતી તપાસ પણ થશે અને બેન્કોના પૈસા રિકવર થશે. જોકે, સરકારની તપાસ એજન્સીઓની વર્તમાન હાલતને જોતાં આવી આશાઓ તદ્દન પોકળ જણાઇ રહી છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ અને ફોરેન એચેન્જ મેનેજમેન્ટ એકટ સહિતના આર્થિક કાયદાઓના અમલની જવાબદારી ધરાવતી અને કેટલાંય આર્થિક કૌભાંડોની તપાસ કરી રહેલી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ પોતે પૂરતા સ્ટાફ વગર કામ કરી રહી છે. એક અહેવાલ મુજબ ઇ. ડી.માં કુલ બે હજારથી વધુ મંજૂર થયેલી જગ્યાઓ છે. તેમાંથી હાલ અડધી જ જગ્યાઓ ભરેલી છે. નિરવ મોદી જેવા કેસમાં ઇ.ડી.ના અધિકારીઓ પાસેથી અપેક્ષા સેવવામાં આવે છે કે તેઓ એકસાથે એક ડઝનથી વધુ રાયોમાં આવેલા નિરવ મોદીના સ્ટોર પર દરોડા પાડે, ત્યાંથી માલમત્તા ઉપરાંત દસ્તાજેવો જ કરે, હાર્ડ ડિસ્ક જેવા ડિજિટલ પુરાવા એકત્ર કરે તે બધાનું વિશ્લેષણ કરે અને કયાં કયાં કાયદાનો ભગં થયો અને તેમાં કોણે કોણે મદદ કરી તે શોધી કાઢે. પરંતુ, આ બધી કામગીરી કરી શકે તેવા અધિકારીઓની જ ભારે ઉણપ છે.

એક અંદાજ મુજબ અત્યારે ઇ.ડી. જર કરતાં ૩૦૦ ઓછા ઇન્વેસ્ટિગેટિંગ અધિકારીઓથી કામ ચલાવે છે. સ્વાભાવિક રીતે જ તેના કારણે વર્તમાન સ્ટાફ પર કાર્યબોજ વધે છે. તેમની કાર્યક્ષમતા પર અસર પડે છે. તપાસ વિલંબમાં પડે છે અને તેના કારણે આરોપીઓને પુરાવા સગેવગે કરવાનો કે નાસી છૂટવાનો પૂરતો સમય મળી જાય છે. સરકાર ખરેખર નિરવ મોદી જેવા કૌભાંડીઓ સામે પગલાં લેવા માગતી હોય તો ઇ.ડી. જેવી એજન્સીઓને વધુ સ્ટાફ અને સરંજામથી સક્ષમ બનાવવી જોઇએ. જો નજીકના ભવિષ્યમાં તેવું ના બને તો સમજવું કે કૌભાંડીઓ સામે આકરા હાથે કામ લેવાની વાતો માત્ર વાતો જ છે

print

Comments

comments

VOTING POLL