આળસથી ભારતના એક તૃતિયાંશ ભારતીયો બિમાર

September 6, 2018 at 11:04 am


‘આલસ્યં મનુષ્યાણાં શરીરસ્થો મહારિપુઃ’ એટલે કે આળસ માણસના શરીરમાં ઘર કરી ગયેલો મોટો દુશ્મન છે. આ દુશ્મન હવે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઆે)ના રિપોર્ટ અનુસાર ભારતની 125 કરોડની વસતીમાં અંદાજે 34 ટકા એટલે કે 42 કરોડ લોકો આળસની ઝપટમાં આવીને બીમાર પડી ગયા છે. આ પાછળનું સૌથી મોટું કારણ પર્યાપ્ત શારીરિક શ્રમ ન કરવાને ગણાવાયું છે.
‘ધ લાન્સેટ’ પત્રિકામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ભારતીય મહિલાઆેમાં શારીરિક શ્રમ ન કરવાની સમસ્યા પુરુષોની તુલનામાં બે ગણી છે. રિપોર્ટ અનુસાર દેશની અડધા ભાગની મહિલાઆે એટલે કે 47.7 ટકા મહિલાઆેમાં આળસનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે 20 ટકાથી વધુ પુરુષો પણ આળસનો શિકાર છે. 168 દેશોમાં કરવામાં આવેલા 358 સર્વે દરમિયાન 19 લાખથી વધુ લોકોને આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
વર્ષ 2001થી 2016ના આંકડાના આધાર પર તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર દુનિયાની 27.5 ટકા વસતી આળસનો શિકાર છે. સર્વે દરમિયાન અલગ અલગ ઉંમરવર્ગ માટે નિર્ધારિત કસરતના વ્યાયામોને ધ્યાનમાં રાખી ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.
ડબલ્યુએચઆેના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે 2001થી શારીરિક ગતિવિધિઆેના સ્તરે કોઈ સુધારો થયો નથી અને દુનિયાભરમાં ત્રણમાંથી એક મહિલા અને ચારમાંથી એક પુરુષ તંદુરસ્ત રહેવા માટે સક્રિય જોવા મળ્યા નથી.
આળસને કારણે હૃદયરોગ, મેદસ્વીતા, ડાયાબીટીઝ, હાઈ બ્લડપ્રેશર અને કેન્સર જેવી બીમારીનો ખતરો પણ તોળાઈ રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL