ઇઝરાયલના વડાપ્રધાન માટે ફૂડ સેફ્ટી : રાજ્ય સરકારે ૪૦ સભ્યોની ટીમ બનાવી

January 12, 2018 at 12:21 pm


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ૧૭મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ફૂડ સેફ્‌ટીના ૪૦ સભ્યોની પાંચ ટીમ બનાવવામાં આવી છે. જેઓ આ મહાનુભાવોની રસોઇ માટે વપરાનારા વાસણથી લઇને જે ભોજન બનાવવામાં આવે તેનું ધ્યાન રાખશે.

બન્ને વડાપ્રધાન બાવળાના સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે લંચ લેવાના છે તે ભોજનની ગુણવત્તાની ચકાસણીની જવાબદારી રાજયના ફુડ એન્ડ ડ્રગ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. ઇઝરાયલના જાસૂસી સંસ્થા મોસાદ અને દેશની ટોચની જાસૂસી સંસ્થાઓ પણ આ હાઇપ્રોફાઇલ મુલાકાતમાં જડબેસલાક બંદોબસ્ત રહે તે માટે એલર્ટ છે ત્યારે ભોજનને લઇને પણ કોઇ કસર છોડવામાં આવી નથી. મહાનુભાવો ગુજરાતમાં આઠ કલાક જેટલું રોકાણ કરશે તે દરમિયાન તેમને પીવાના પાણીથી લઇને જે ભોજન આપવામાં આવશે તેની ગુણવત્તા, તે સામગ્રી ક્યાંથી લવાઇ છે, જે ભોજન બનાવ્યું છે તે રસોઇયા કોણ છે તે તમામની ચકાસણી કરવામાં આવશે. ફૂડ સેફ્‌ટીના અધિકારીઓ જે વસ્તુ આપવામાં આવશે તેનો ટેસ્ટ પણ કરશે તે પછી ભોજન મહાનુભાવોને આપવામાં આવશે.

આ તમામ તકેદારી ઝેડ પ્લસ સિક્યોરિટીના બ્લુ બુક પ્રોટોકોલ મુજબ લેવામાં આવશે. તે મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે વિદેશના ઉચ્ચ કક્ષાના મહાનુભાવને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હોય તેમની ફૂડ સિક્યોરીટી બ્લુ બુક પ્રમાણે લેવામાં આવે છે. તે અંતર્ગત સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં જે શાકભાજી વપરાવાના હોય તે વાસી ન હોય અને રસોઇ માટે આવે તેના ત્રણ કલાકમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે. કઇ વસ્તુ ક્યાંથી અને કોના માધ્યમથી આવી છે તેની નોંધ કરવામાં આવે છે. પીવાનું પાણી પણ કેન્દ્ર સરકારે માન્ય બ્રાન્ડ તરીકે જેને માન્યતા આપી હોય તેનો જ ઉપયોગ કરવાનો હોય છે. ભોજન બનાવવામાં જે રસોઇયા કે અન્ય લોકો હોય તેનું સંપૂર્ણ લીસ્ટ સાથેની માહિતી પણ પોલીસને આપવામાં આવે છે. એટલું જ નહીં જે અધિકારીઓ ફૂડ સેફટી માટે નિયત કરાયા હોય તેમની માહિતી પણ આઇબી સહિતની સુરક્ષા એજન્સીઓ રાખે છે.

print

Comments

comments

VOTING POLL