ઈ.વી.એમ. એટલે ‘પ્રેમ ચોપડા

March 17, 2017 at 8:57 pm


નાનપણમાં ચા વેચનાર વ્યક્તિ આજે ડિઝિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને આઈઆઈટીમાં ભણેલો એન્જિનિયર બેલેટ પેપરથી ચૂંટણી કરવાની વાતો કરે છે. ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્વાભાવિક રીતે (પંજાબને બાદ કરતાં) ભાજપ્ની તરફેણમાં આવતાં બધાના પેટમાં તેલ રેડાયું છે. બધાને ડોશી મરી જાય તેનો વાંધો નથી પરંતુ જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયા પણ કહેવા માંડયું છે કે વિરોધપક્ષોએ હવે 2019 ભૂલીને 2024ની ચૂંટણીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ચૂંટણીમાં હાર-જીત તો થતી જ રહે છે અને સામાન્ય રીતે હારનાર નેતાઓના મોઢે એવું સાંભળ્યું છે કે અમે હારનું મનોમંથન કરશું અથવા એવું પણ સાંભળવા મળ્યું છે કે સત્તાધારી પક્ષે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. આ વખતની ચૂંટણીના પરિણામો પછી આવું કાંઈ સાંભળવા મળ્યું નથી પરંતુ બધાએ એકી અવાજે ઈવીએમને ‘પ્રેમ ચોપડા’ બનાવી દીધું છે. હારનું ઠીકરું કોના ઉપર ફોડવું તે નક્કી નહીં કરી શકનારા નેતાઓ બીચારા મુંગા ઈવીએમને દોષ દઈ રહ્યા છે. વિશ્ર્વમાં જે કેટલાક દેશોમાં પાછલા પાંચ-સાત દાયકામાં લોકશાહી પાંગરી અને મજબૂત બની તેમાં ભારતનું નામ ટોચ પર છે. ભારતની સાથે સાથે જ સ્વતંત્ર થયેલા એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાય દેશોમાં સરમુખત્યારશાહી, લશ્કરી રાજ અને ક્યાંક ક્યાંક તો અંધાધૂંધીની પરિસ્થિતિ સર્જાઇ ગઇ પરંતુ ભારત જેવા તે સમયે મોટાભાગે અર્ધશિક્ષિત કે અશિક્ષિત ગામડાંના લોકોના બનેલા દેશમાં પણ લોકશાહીનાં મૂળ અતિશય મજબૂત બની ચૂક્યાં છે. આ સિદ્ધિના અનેક કારણોમાંનું એક કારણ આપણે ત્યાં મહદઅંશે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાતી ચૂંટણીઓ પણ છે.

ભારતમાં જે સાહજિક રીતે સત્તા પરિવર્તન થાય છે તેનાથી વિશ્વના અન્ય દેશોના લોકો મોઢામાં આંગળી નાખી જાય છે. દરેક ચૂંટણીમાં હારી જનારો પક્ષ જનાદેશનો નિખાલસતાપૂર્વક સ્વીકાર કરે છે અને આવતી ચૂંટણીની તૈયારીમાં પોતાની જાતને જોતરી દે છે. પરંતુ, ભારતમાં જ્યારથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ શરૂ થયો ત્યારથી આ મશીન સાથે ચેડાં કરી કોઇ એક પાર્ટીની તરફેણમાં મતો બદલાવી શકાય છે તેવા આક્ષેપો શરૂ થયા છે. ઇવીએમ ચેડાંરહિત હોવા અંગે સવાલો ઉઠાવનારાં માયાવતી કે અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવનારા લોકો સિફતપૂર્વક ભૂલી જાય છે કે ભૂતકાળમાં ભાજપ્ના લાલકૃષ્ણ અડવાણી અને સુબ્રમણ્યમ સ્વામી જેવા નેતાઓ પણ ઇવીએમ અંગે શંકા ઉઠાવી ચૂક્યા છે અને પક્ષના હાલના પ્રવક્તા જીવીએલ નરસિંહરાવ તો ઇવીએમ અંગે શંકાઓ ઉઠાવતી પુસ્તિકા પણ લખી ચૂક્યા છે. ભારતમાં 2004થી ઇવીએમનો ઉપયોગ શરૂ થયો ત્યારથી લગભગ કોઇ રાજકીય પક્ષ એવો નથી કે જેણે કોઇને કોઇ ચૂંટણીમાં ક્યારેકને ક્યારેક ઇવીએમ વિશે શંકા ના ઉઠાવી હોય. ઇવીએમનો ઉપયોગ શરૂ થયા પછી મ્યુનિસિપાલ્ટી, ધારાસભા કે સંસદના સ્તરે પણ લગભગ તમામ પક્ષો ક્યારેકને ક્યારેક ધોબીપછાડ ખાઇ ચૂક્યા છે તો ક્યારેક ને ક્યારેક અકલ્પ્નીય સફળતા પણ મેળવી ચૂક્યા છે. ભૂતકાળમાં ચૂંટણી પંચે ઇવીએમમાં ચેડાં કરી શકાય છે કે કેમ તે અંગેના ડેમોન્સ્ટ્રેશન ગોઠવી આવી શંકાઓ નિરાધાર હોવાનું પુરવાર કરવા પ્રયાસ કયર્િ છે. પરંતુ, ઇવીએમ અંગેની શંકાઓ તદ્દન નિર્મૂળ થઇ નથી. એ પણ સત્ય છે કે બેલેટ પેપરના બદલે ઇવીએમના ઉપયોગના કારણે બેલેટ પેપરનાં છાપકામ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ તથા મતદાન અને મતગણતરી સહિતની પ્રક્રિયાઓમાં થતા ખર્ચ અને તે બધામાં લાગતા સમયમાં ગજબની બચત થઇ છે. બાલમંદિરમાં ભણતાં નાના બાળકોને સાંભળીને ખૂબ જ મજા આવે તેવી રીતે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ફલાણા ભાઈએ મત તો આમ આદમી પાર્ટીને જ આપ્યો હતો પરંતુ પોલિંગ બૂથમાં ‘જાદૂ’ થતું હતું અને આ મત ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળને જતો હતો. પંજાબમાં પોતાની દાળ ગળી નહીં તેની બળતરામાં અરવિંદ કેજરીવાલે આવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું છે તો બીજી બાજુ હાથી ઉપર સવાર માયાવતી પણ ભાજપે ઈવીએમમાં ગોટાળા કયર્િ તેથી બસપા હારી ગઈ તેવો આક્ષેપ કરી દીધો છે. આ બન્ને નેતાઓના આક્ષેપ પછી જાણે કે ઈવીએમ બધાનું ‘સોફટ ટાર્ગેટ’ બની ગયું હોય તેવું લાગે છે. કોઈએ તો પંચતંત્રની વાતર્િ જેવી વાતો કરી છે અને નરેન્દ્ર મોદી ચીન અને જાપાનની મુલાકાતે ગયા ત્યારે ખાસ પ્રકારની ચીપ લઈ આવ્યા છે અને આ ચીપ્ના આધારે ઈવીએમમાં દર ત્રણ મતે એક મતે ભાજપ્ને મળે છે તેવી ‘ગોઠવણ’ કરી છે. આવા શેખચલ્લી જેવી અટકળો, વિચારો અને ધારણાઓને વાસ્તવિકતામાં ક્યાંય સ્થાન નથી.

જો આવું હોય તો ભારતીય જનતા પક્ષ પંજાબ પણ પોતાના કબજામાં કરી લેત અને મણીપુર-ગોવામાં પણ સંપૂર્ણ બહમતિ મેળવી લેત. ઈવીએમના મામલામાં ક્યારેય ‘મોસાળે જમણ મા પીરસનારી’ એવું હોતું નથી. આપણે ત્યાં છાશવારે યોજાતી ચૂંટણી પારદર્શક બને તે માટે ચૂંટણીપંચ સતત પ્રયત્નો કરતું હોય છે અને ઈવીએમમાં વોટિંગ શ થાય તે પૂર્વે પોલિંગ એજન્ટોની હાજરીમાં ‘મોક પોલ’ પણ યોજતું હોય છે. આવા ‘મોક પોલ’માં તમામ પક્ષના ચૂંટણી એજન્ટ હાજર પણ રહેતાં હોય છે અને તેઓ ‘યસ’ કહે પછી જ મતદાન શ થતું હોય છે. મોદીલહેરમાં તણાઈ ગયેલા વિરોધપક્ષો કોઈને દોષ આપી શકે તેમ નથી એટલે બીચારું ઈવીએમ ઝપટે ચડી ગયું છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક અપક્ષ ઉમેદવારે તો રડમસ ચહેરે એવું કહ્યું કે તેને તેના બૂથમાં તેનો પોતાનો મત પણ મળ્યો નથી. શું આવું બની શકે ? આ ભાઈએ પણ ઈવીએમને જ દોષ આપ્યો છે. ઈવીએમ એક મશીન છે અને તેમાં ટેક્નીકલ ખામીઓ હોઈ શકે પરંતુ જ્યારે જ્યારે આવી ખામીઓ ઉભી થાય ત્યારે ત્યારે દુરસ્ત કરી લેવામાં આવે છે અને જવાબદાર અધિકારીની મંજૂરી પછી જ વોટિંગ શ કરવામાં આવે છે. આવા વાંકદેખા રાજકારણીઓ જર્મની, નેધરલેન્ડ અને અમેરિકાના કેલિફોર્નિયા, ઈટાલી તથા આયર્લેન્ડ જેવા દેશોમાં ઈવીએમથી વોટિંગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેવી વાતો કરે છે એટલું જ નહીં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોમાં હજુ સુધી શા માટે ઈવીએમ ચલણમાં નથી મૂક્યા તેવો બાલીશ સવાલ પણ પૂછી રહ્યા છે. કોંગ્રેસ જેવો પક્ષ કે જેના રાજમાં જ ઈવીએમનો અમલ શ કરવામાં આવ્યો હતો તે પણ અધીરાઈમાં ઈવીએમને દોષિત ઠેરવીને વાહિયાત આક્ષેપો કરે તે ગળે ઉતરતું નથી. લગભગ તમામ મોરચે નિષ્ફળ ગયેલા કોંગ્રેસ પક્ષે બુધ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું ઉદાહરણ પૂરું પાડયું છે. નાના છોકરાઓ જેવા રાજકીય નિવેદનો લોકોને કોંગ્રેસથી દૂર કરતાં ગયા છે અને હજુ પણ કરતાં રહેશે તેનો ઈનકાર થઈ શકે તેમ નથી. પરાજયની વ્યક્તિગત જવાબદારી સ્વીકારવાની હિંમત અને છપ્પ્નની છાતી એક પણ નેતામાં બચી નથી અને કદાચ તેથી જ આવા હાસ્યાસ્પદ નિવેદનો થઈ રહ્યા છે. ભૂતકાળમાં ચૂંટણીઓમાં બૂથ કેપ્ચરિંગ બહુ સામાન્ય બાબત બની ગઇ હતી પરંતુ ઇવીએમમાં એક સાથે મત નાખી શકવા બાબતે મયર્દિા હોવાથી બૂથ કેપ્ચરિંગ બહુ સહજ રીતે શક્ય નથી. આવા સંજોગોમાં માત્ર શંકાના આધારે હવે મતપત્ર તરફ પાછા ફરવાની અરવિંદ કેજરીવાલ જેવાઓની માગણી તેમના જ ગુરુ અન્ના હઝારેએ પણ યોગ્ય રીતે જ ફગાવી દીધી છે. માત્ર શંકાના આધારે સમગ્ર ચૂંટણી રદ કરવાની માયાવતીની માગણી કચરાટોપલીમાં પધરાવી દેવા જેવી છે. ઇવીએમ સામે શંકા ઉઠાવનારાઓએ પોતાની શંકાની સાબિતી લાવવાનો પડકાર પણ ઝીલવો પડશે.

print

Comments

comments

VOTING POLL