ઉપલાકાંઠે મનપાનો સપાટો: ગેરકાયદે બાંધકામોનો ખાત્મો

January 12, 2018 at 2:54 pm


રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આજે સવારે ઈસ્ટઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી સંતકબીર રોડ, પેડક રોડ અને મોરબી રોડ પર દુકાનો સહિતના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કોર્પોરેટરથી લઈ ધારાસભ્ય કક્ષાના નેતાઓની ભલામણોના ધોધથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ટાઉન પ્લાનિંગ સ્ટાફે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડયું હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આજે (1) વોર્ડ નં.5માં પેડક રોડ પર પ્રમુખદર્શન કોમ્પલેક્સ પાસે લવજીભાઈ ખોડાભાઈ લાઠીયાનું ગેરકાયદેસર સેલરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. (2) વોર્ડ નં.6માં સંતકબીર રોડ પાસે કમલેશ દોમડિયા અને મહેશ ડોબરીયાનું સાત દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. (3) સંતકબીર રોડ પર કાળુભાઈ તથા મેહલભાઈ દેસાઈનું ત્રણ દુકાનનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. (4) વોર્ડ નં.6માં સંતકબીર રોડ પાસે બ્રિજેશભાઈ રમેશભાઈ મેરની એક દુકાનનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. (5) વોર્ડ નં.5માં ટીપી સ્કીમ નં.8 રાજકોટના અનામત હેતુ પ્લોટ અંતિમ ખંડ નં.185માં ખડકાયેલા 15 ઝુંપડાઓનું દબાણ દૂર કરી ા.2.61 કરોડની કિંમતની 475 ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ હતી. (6) વોર્ડ નં.4માં ભગવતીપરા પાસે ટીપી સ્કીમ નં.31 ડ્રાફટના અંતિમ ખંડ નં.31/બીમાં રહેણાક વેચાણ હેતુના અનામત પ્લોટ પરથી એક મંદિરનું દબાણ દૂર કરી 37.80 ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ હતી.

ઉપરોક્ત કામગીરીમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ એટીપી વીરમ મુંધવા, આર.ડી.પ્રજાપતિ, જી.ડી.જોષી, પી.ડી.અઢીયા, કે.કે.મહેતા, એસ.એસ.ગુપ્તા, બી.પી.વાઘેલા સહિતનો સ્ટાફ તેમજ વિજિલન્સ પોલીસ બ્રાન્ચના પીઆઈ જાડેજા સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી બંદોબસ્ત જાળવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL