ઓક્ટોબરમાં છૂટક ફુગાવો વધી 3.58%ની 7 માસની ટોચે

November 14, 2017 at 11:25 am


મોંઘા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને શાકભાજીની ઊંચી કિંમતોને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો 3.58 ટકાની સાત મહિનાની ટોચે સ્પર્શ્યો હતો. સપ્ટેમ્બરમાં છૂટક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 3.28 ટકા રહેવા પામ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવો 4.2 ટકાના સ્તરે જોવાયો હતો. આ અગાઉ ચાલુ વર્ષે માર્ચમાં છૂટક ફુગાવો 3.89 ટકાના ઊંચા સ્તરે જોવાયો હતો. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ(સીએસઓ) દ્વારા જારી કરાયેલાં આંકડા અનુસાર ઓક્ટોબર મહિનામાં ફૂડ બાસ્કેટનો ફુગાવો 1.9 ટકા વધ્યો હતો. સપ્ટેમ્બરમાં તેમાં 1.25 ટકાનો વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બરના 3.92 ટકાની તુલનાએ ઓક્ટોબર મહિના દરમિયાન શાકભાજીની શ્રેણીના ભાવો લગભગ બમણાં થઈ 7.47 ટકા થયાં હતાં, જે સપ્ટેમ્બરમાં 3.92 ટકા નોંધાયા હતાં. પ્રોટીનથી સમૃદ્ધ ચીજ-વસ્તુઓમાં પણ ઊંચો ફુગાવો જોવાયો હતો. જોકે ઓક્ટોબરમાં ક્રમિક ધોરણે ફળો સસ્તાં રહેવા પામ્યાં હતાં.

સમીક્ષાના સમયગાળા દરમિયાન કઠોળના ભાવોના ફુગાવામાં ઘટાડાનું વલણ જળવાઈ રહ્યું હતું અને તે સપ્ટેમ્બરના (-)22.51ની તુલનાએ ઘટીને ઓક્ટોબરમાં (-)23.13 ટકા રહેવા પામ્યો હતો. સમીક્ષાના સમયગાળા દરમિયાન ઈંધણ અને લાઈટના ભાવોમાં ક્રમિક વધારો જવાયો હતો. આ ઉપરાંત હાઉસિંગ સેગમેન્ટનો ફુગાવો પણ ઊંચો રહેવા પામ્યો હતો.

print

Comments

comments

VOTING POLL