કલેકટર કચેરીમાં 7/12ના 20 લાખથી વધુ ઉતારાનું સ્કેનિંગ કરવાનો ધમધમાટ
7/12ના રાજકોટ શહેર-જિલ્લાના 20 લાખથી વધુ ઉતારાનું સ્કેનિંગ કરવાનો ધમધમાટ જિલ્લા કલેકટર કચેરીમાં આજથી શરૂ થઈ ગયો છે અને આેકટોબર માસના અંત સુધીમાં આ કામગીરી પુરી કરાશે તેવી જાહેરાત અધિક કલેકટર પરિમલભાઈ પંડયાએ કરી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં અધિક કલેકટર પંડયાએ જણાવ્યું હતું કે, 1955થી 2004 સુધીની 7/12ના ઉતારાની 20 લાખ જેટલી હસ્તલિખિત નકલો છે તેનું આજથી સ્કેનિંગ કરીને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સૌપ્રથમ રાજકોટ તાલુકાથી આ કામગીરીનો પ્રારંભ કરાયો છે અને ખાનગી એજન્સીના સ્ટાફને નવી કલેકટર કચેરીના ત્રીજા મજલે આ માટે ખાસ આેફિસ ફાળવવામાં આવી છે. અગાઉ 6 નંબરની નાેંધનું આેનલાઈન કામ પુરું થઈ ચૂકયું છે. સુલેખા નામના સોફટવેરમાં સ્કેનિંગ કરીને રેવન્યુ વિભાગનો સમગ્ર રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ અને આેનલાઈન કરવાની દિશામાં કામ શરૂ થયું છે. તલાટીઆેને બોલાવીને પોતાના વિસ્તારના 1955થી 2004 સુધીના 7/12ના ઉતારાના હસ્તલિખિત પ્રમાણપત્રો લાવવા જણાવી દેવાયું છે. તબકકાવાર આ કામગીરી પુરી કરવામાં આવશે તેમ પણ અધિક કલેકટર પરિમલભાઈ પંડયાએ જણાવ્યું હતું.