કારકિર્દીમાં પહેલી વખત ટેસ્ટમાં ‘બેસ્ટ’ બન્યાે વિરાટ કોહલી

August 6, 2018 at 7:34 pm


બર્મિંઘમ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં ભારત માટે શાનદાર બેટિંગ કરનારા કેપ્ટન વિરાટ કોહલીએ હવે એક નવી સિદ્ધિ મેળવી લીધી છે. કોહલી પ્રથવાર ટેસ્ટ રેંકિંગમાં નંબર 1 બેટ્સમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પછાડતા આ સ્થાન મેળવ્યું છે.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટમાં 31 રનથી હારી ગઈ પણ કોહલીએ આ મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને સૌથી વધુ (પ્રથમ ઈનિંગમાં 149 અને બીજી ઈનિંગમાં 51) રન બનાવ્યા. 2011 બાદ પહેલો એવો પ્રસંગ છે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યો છે.
વિરાટની પહેલા ભારત તરફથી મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 2011માં નંબર 1 પર પહોંચ્યો હતો. તેણે સાઉથ આફ્રિકાના જેક કાલિસ સાથે પ્રથમ નંબર શેર કર્યો હતો. પણ બાદમાં સચિન નીચે સરકી ગયો હતો. ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ નંબરે પહોંચાનારો કોહલી 7મો ભારતીય બેટ્સમેન છે.
કોહલીને બર્મિંઘમમાં રમેલી બંને ઈનિંગ્સના આધારે 31 પોઈન્ટ્સનો ફાયદો થયો. હવે કોહલી પાસે 934 પોઈન્ટ્સ છે જ્યારે સ્ટીવ સ્મિથ 929 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. બોલ ટેમ્પરિંગમાં દોષી ઠેરવાયા બાદ સ્મિથ પર 1 વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે. તે ડિસેમ્બર 2015થી પહેલા નંબરે હતો. ભારત તરફથી ટેસ્ટમાં આ ઉપલબ્ધિ અગાઉ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકર મેળવી ચૂક્યાં છે.

print

Comments

comments

VOTING POLL