કેશુભાઈ પટેલના પુત્રનું હૃદયરોગના કારણે નિધન થતાં ઘેરો શોક
સોમવારે સાંજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના 63 વર્ષીય પુત્ર જગદીશભાઈ પટેલનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે. જગદીશભાઈ પટેલે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. જગદીશભાઈ પટેલ રાજકોટ રહેતા હતા, અને સેવાકીય તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.
ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને પાંચ પુત્રો છે. જેમાંથી જગદીશભાઈ અને પ્રવીણભાઈનાં નિધન થઈ ચુક્યા છે. જ્યારે મહેશભાઈ, ભરતભાઈ, અશોકભાઈ અમદાવાદ રહે છે. કેશુભાઈ પટેલના દીકરી સોનલબેન પણ અમદાવાદ ખાતે જ રહે છે. તેમાંથી સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલ સંન્યાસી જીવન જીવતા હતા. જગદીશભાઈ ઓશોના અનુયાયી હોવાથી તેમણે ઓશો સેન્ટર શરૂ કર્યું હતું.
રવિવારે જગદીશભાઈ અમદાવાદ ખાતે પોતાની બહેનને ત્યાં રાખડી બંધાવવા આવ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે જ તેમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.
નોંધનીય છે કે કેશુભાઈના એક પુત્ર પ્રવીણ પટેલનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકા ખાતે નિધન થયું હતું. તમને જણાવીએ જગદીશભાઈ રાજકોટ ખાતે એક કારખાનું પણ ચલાવતા હતા. પરંતુ ઓશોના વિચારોમાં લીન થયા બાદ તેમણે કારખાનું બંધ કરીને ઓશો સેન્ટર શરૂ કરી દીધું હતું.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્રનું ગુરુવારે રાજકોટમાં બેસણું
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર, વિણાબેનના પતિ, નિનાદના પિતા જગદીશભાઈ કેશુભાઈ પટેલનું તા.26ને રવિવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા.30ને ગુરુવારે સવારે 10થી 12 જનકલ્યાણ કોમ્યુનિટી હોલ, જનકલ્યાણ સોસાયટી, રેલવે ફાટક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.