કોંગ્રેસની મહાભિયોગની અરજી કઈ બેન્ચ સાંભળશે તે મુખ્ય ન્યાયાધીશ જ કરશે નક્કી

April 24, 2018 at 10:37 am


રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ દ્વારા મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને ફગાવવાના નિર્ણય વિરુદ્ધ જો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે છે તો તે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા જ નક્કી કરશે કે તેના પર કઈ બેન્ચ સુનાવણી કરે. જો કે એ પણ સ્પષ્ટ છે કે મુખ્ય ન્યાયાધીશ આ મામલામાં સુનાવણી નહીં કરે કેમ કે આ મામલો તેમના વિરુદ્ધના પ્રસ્તાવ સંબંધિત છે.
સંભાવના છે કે આ અંગે જસ્ટિસ એ.કે.સીકરી અને અશોક ભૂષણની પીઠ વિચાર કરશે કેમ કે આ બેન્ચ પાસે કેસ ફાળવણી કરવાના મુખ્ય ન્યાયાધીશના અધિકારોને લઈને તથા ઉચ્ચ ન્યાયપાલિકાઓના જજ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે દિશાનિર્દેશ બનાવવા માટે દાખલ કરાયેલી અરજીઓ વિચારાધીન છે. પહેલી અરજી પૂર્વ કાનૂન મંત્રી શાંતિભૂષણની છે અને બીજી અરજી એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે.

કાનૂન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં માસ્ટર ઓફ રોસ્ટર છે. એ સ્પષ્ટ છે કે તેઓ આ અપીલને નહીં સાંભળે કેમ કે આ આખોય મામલો તેમની સામેનો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં બે નિર્ણયમાં જેમાં પહેલો નવેમ્બરમાં બંધારણીય પીઠે તથા બીજો આ જ મહિનામાં ત્રણ જજની પીઠે એ નક્કી કર્યું કે મુખ્ય ન્યાયાધીશ જ માસ્ટર ઓફ રોસ્ટર છે. આ બન્ને નિર્ણયમાં મુખ્ય ન્યાયાધીશ પણ સામેલ હતાં.
જો કે વકીલ પ્રશાંત ભૂષણનું કહેવું છે કે મુખ્ય ન્યાયાધીશ આ મામલામાં અપીલ કોઈ જજને ફાળવી પણ નથી શકતાં. આ સામાન્ય આરોપોવાળી અરજી નથી અને આ અરજી રાજ્યસભામાંથી ફગાવેલી અરજી છે. આ મામલો સીધો બીજા વરિષ્ઠ જજ પાસે જ જવો જોઈએ પરંતુ સવાલ એ છે કે બીજા વરિષ્ઠ જજ જે.ચેલમેશ્ર્વર, ત્રીજા રંજન ગોગોઈ, ચોથા મદન લોકુર તથા પાંચમા વરિષ્ઠ જજ જસ્ટિસ કુરિયન જોસેફ છે પરંતુ આ તમામ ચારેય જજ મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પોતાનું વલણ જાહેર કરી ચૂક્યા છે.

print

Comments

comments

VOTING POLL