કોંગ્રેસને હોર્સટ્રેડિંગનો ભય: ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવા વિચારણા

May 16, 2018 at 12:57 pm


કોંગ્રેસ માટે કણર્ટિકમાં સત્તા જાળવી રાખવાની આશા ઉભી થઈ છે ત્યારે પક્ષ કોઈપણ ભોગે તેને જતી કરવા માટે તૈયાર નથી. ગોવામાં સૌથી વધુ બેઠકો મેળવીને પણ કોંગ્રેસે સત્તાથી દૂર રહેવું પડ્યું હતું, તેવું કણર્ટિકમાં પણ ન થાય તે માટે પક્ષે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે, જેના ભાગરુપે ચૂંટાયેલા ધારાસભ્યોને કણર્ટિકની બહાર લઈ જવાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યોને ઈગલટન રિસોર્ટમાં રાખવામાં આવી શકે છે.
કણર્ટિકમાં ભાજપ બહુમતીથી ખાસ દૂર નથી, જો કોંગ્રેસ કે જેડીએસના ચાર-પાંચ ધારાસભ્યો પણ આમથી તેમ થાય તો પણ તમામ ગણતરીઓ ઉંધી પડી શકે છે, અને કોંગ્રેસના આયોજન પર પાણી ફરી શકે છે. આ વાત ઉત્તરાખંડ અને નાગાલેન્ડ તેમજ ગુજરાતમાં રાજ્યસભાની અનુભવથી કોંગ્રેસ સારી રીતે સમજી ગઈ છે. માટે જ, ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી વખતે જેવું થયું હતું તેવું કણર્ટિકમાં થઈ શકે છે.
ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણી વખતે કણર્ટિક લઈ જવાયા હતા, પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ન જતા રહે તે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ શાસિત કે પછી કોંગ્રેસના સાથી પક્ષનું શાસન હોય તેવા કોઈ રાજ્યમાં તમામ ધારાસભ્યોને લઈ જવાય તેવી શક્યતા છે. મોટાભાગે પંજાબ કે આંધ્ર પ્રદેશમાં ધારાસભ્યોને લઈ જઈ શકાય છે.
પંજાબમાં હાલ કોંગ્રેસનું શાસન છે, અને આંધ્ર પ્રદેશમાં ટીડીપીની સરકાર છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂ ભાજપ સામે બાંયો ચઢાવી ચૂક્યા છે, અને તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે નહીં રહે તે નક્કી છે, ત્યારે ચંદ્રાબાબુ પર વિશ્વાસ મૂકી કોંગ્રેસ ધારાસભ્યોને આંધ્રપ્રદેશ મોકલે તેવી પણ શક્યતા છે.
કોંગ્રેસના સીનિયર નેતાઓ ગુલામ નબી આઝાદ તેમજ અહેમદ પટેલ પણ કણર્ટિક પહોંચી ચૂક્યા છે. સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ પણ ગમે તે કરીને કણર્ટિકમાં સત્તા જાળવી રાખવા માટે કોઈપણ નિર્ણય લેવાની પક્ષના સીનિયર નેતાઓને મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે, ભાજપ્ની તોડફોડથી બચવા કોંગ્રેસે અત્યારથી જ પ્રયાસ શરુ કરી દીધા છે.

print

Comments

comments

VOTING POLL