કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીના નક્કી થયેલા માપદંડો દૂર કરાયા

October 6, 2017 at 12:21 pm


કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ તેના ઉમેદવારો માટેના જે માપદંડ-ક્રાયટેરિયા અગાઉ જે નક્કી કરાયા હતા, તે આખરે દૂર કરાયા છે, આમ કરી કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટવાંચ્છુ ઉમેદવારોને બહુ મોટી રાહત આપવામાં આવી છે, જેને લઇ ઉમેદવારોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો હતો. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્યતાના ધારણે ટિકિટ આપવાનું પણ ઠરાવાયું હતું. ટૂંક સમયમાં જ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટી દ્વારા ઉમેદવારોના નામો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસના જે ૪૩ ધારાસભ્યો કે જેઓએ રાજયસભાની ચૂંટણી વખતે પક્ષ સાથે વફાદારી રાખી કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલને જીતાડયા હતા, તેઓએ ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આ ૪૩ ધારાસભ્યોની સીધી ટિકિટ નક્કી જ છે એટલે કે, તેઓને રિપીટ કરાશે તેમાં કોઇ શંકા નથી. આ તમામ ધારાસભ્યો જીતે તેવા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોના મુદ્દે કેટલાક માપદંડો હતા તે આખરે દૂર કરાયા છે. જેમાં બે ટર્મ ચૂંટણી હારેલાને ટિકિટ નહી અપાય, ૨૦ હજાર મતોથી હારેલા ઉમેદવારોને ટિકિટ નહી અપાય, ૭૦ વર્ષથી મોટી ઉંમરના ઉમેદવારોને ટિકિટ નહી અપાય જેવા જે માપદંડો હતા તે પુખ્ત વિચારણાના અંતે દૂર કરાયા છે. કોંગ્રેસપક્ષ દ્વારા જે ઉમેદવારો જીતી શકે તેવા હશે તેવા તમામને કોઇપણ બાધ વિના ટિકિટની ફાળવણી કરવામાં આવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને પક્ષ દ્વારા પ્રાધાન્યતાના ધોરણે ટિકિટોની ફાળવણી કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં બે દિવસ સુધી કોંગ્રેસ પક્ષની સ્ક્રીનીંગ કમીટીની બેઠકોનો દોર ચાલ્યો હતો અને સ્ક્રીનીંગ કમીટીના નેતાઓએ ગુજરાત કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, મોહનસિંહ રાઠવા સહિતના નેતાઓ-આગેવાનોને સાંભળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર કોંગ્રેસના કયા ઉમેદવારોને ઉભા રાખવા અને કયા મતવિસ્તારમાં કઇ જાતિનું વર્ચસ્વ છે અને ત્યાં કયા ઉમેદવારને વિજયી બનાવી શકાય સહિતના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. જા કે, તમામ બેઠકોના નામો હજુ સુધી નક્કી થઇ શકયા નથી. અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તા.૩જી ઓકટોબર સુધી કોંગ્રસના ૯૦ ઉમેદવારોના નામો જાહેર કરવાની વાત ઉચ્ચારી હતી પરંતુ નામો પર મંજૂરીની મ્હોર નહી વાગતાં હજુ સુધી તેની કોઇ અધિકૃત જાહેરાત શકય બની નથી.

print

Comments

comments

VOTING POLL