કોંગ્રેસ નવરાત્રિમાં ઉમેદવારોની પસંદગી શરૂ કરશે: રાહુલ ગાંધીનો પ્રવાસ ટૂંકાવાયો

September 1, 2017 at 11:05 am


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત માટેની ચાર સભ્યોની સ્ક્રિનિંગ કમિટી જાહેર કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં નિયુક્ત કરાયેલી કમિટી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા નવરાત્રિમાં હાથ ધરશે. ગુજરાતમાં 4થી સપ્ટેમ્બરે અમદાવાદ-ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઝોન દીઠ મુલાકાત ચાર દિવસથી ઘટાડીને બે દિવસની કરવામાં આવી હોવાનું કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત આદરી દીધી છે. એઆઈસીસી દ્વારા જાહેર કરાયેલી વિવિધ કમિટી બાદ ગુરુવારે ગુજરાતની ચૂંટણી માટેની સ્ક્રિનિંગ કમિટીની જાહેરાત કરાઈ છે. આ કમિટીના અધ્યક્ષપદે મહારાષ્ટ્રના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન બાળાસાહેબ થોરાટની નિમણૂક કરાઈ છે. અન્ય સભ્યોમાં ઉત્તરપ્રદેશના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા અજય લાલ્લુ, એઆઈસીસીના મંત્રી ગિરીશ ચોડણકર અને પૂર્વ સાંસદ મિનાક્ષી નટરાજનનો સમાવેશ થાય છે. આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પ્રભારી, વિરોધપક્ષના નેતા અને પાંચ સહ-પ્રભારીનો પણ સમાવેશ થાય છે. એટલે કે, કમિટીમાં કુલ 12 સભ્યો રહેશે. કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું કે, સ્ક્રિનિંગ કમિટી નવરાત્રિમાં(સંભવત: બીજા નોરતે) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો આરંભ કરશે. સ્ક્રિનિંગ કમિટી ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપે તે અગાઉ તેમની સમક્ષ જિલ્લા પ્રભારી અને પ્રદેશ સ્તરેથી નિયુક્ત કરાયેલાં 182 નિરીક્ષકો અને એઆઈસીસી તથા પ્રદેશ કોંગ્રેસ દ્વારા દ્વારા તૈયાર કરવામાં આવેલાં જુદા જુદા સરવે-વિશ્લેષણનો અભ્યાસ કરશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા તૈયાર કરાયેલી પેનલ અથવા ઉમેદવારની પસંદગી અંગે સ્ક્રિનિંગ કમિટીના સભ્યો અને પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા સહિતના નેતાઓ યોગ્ય ઉમેદવારની પસંદગીને આખરી ઓપ આપે છે. જેમાં મુખ્યત્વે વિધાનસભાની 182 બેઠકોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો, સ્થાનિક સ્તરે કોંગ્રેસની પકડ, અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ, જુદા જુદા સમાજોનું વર્ચસ્વ સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી વગેરે જેવા ધોરણોનો સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસ અને એઆઈસીસી તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ટીમ દ્વારા ગુજરાતમાં ઓછામાં ઓછા પાંચથી છ સરવે કરાવવામાં આવ્યા છે. આ સરવેના નિષ્કર્ષને આધારે ઉમેદવારોની પસંદગી કરાશે. કોંગ્રેસ દ્વારા ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી રખાઈ રહી હોવાનું મનાય છે.
રાહુલ ગાંધીની 21 સપ્ટેમ્બરથી ગુજરાતના ચાર ઝોનની ચાર-ચાર દિવસની મુલાકાતમાં સલામતી સહિતના કારણોસર ફેરફાર કરાયો હોવાનું કોંગ્રેસના આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હવે રાહુલ દરેક ઝોનમાં બબ્બે દિવસનો પ્રવાસ કરશે.

print

Comments

comments

VOTING POLL