કોમનવેલ્થ ગેમ્સમાં 66 મેડલ સાથે ભારત ત્રીજા સ્થાને રહ્યું

April 16, 2018 at 10:45 am


ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રવિવારે સંપન્ન થયેલી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કોમનવેલ્થનું તેનું ત્રીજુ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયા 79 ગોલ્ડ સહિત કુલ 198 મેડલ સાથે ટોચ પર રહ્યું હતું. બીજા સ્થાને રહેલા ઈંગ્લેન્ડે 45 ગોલ્ડ સાથે 136 મેડલ જીત્યા હતા.
ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ભારતે 500 કોમનવેલ્થ મેડલ જીતવાની પણ સિદ્ધિ નોંધાવી હતી. ભારતે 1934માં ઈંગ્લેન્ડમાં રમાયેલા બીજા કોમનવેલ્થ ગેમ્સથી ભાગ લેવાનું શરૂ કર્યું છે અને અત્યાર સુધી 17 કોમનવેલ્થમાં ભાગ લીધો છે. ભારતે 2010માં પ્રથમ વખત દિલ્હીમાં કોમનવેલ્થની યજમાની કરી હતી અને તેમાં ઐતિહાસક પ્રદર્શન કરતા 101 મેડલ જીત્યા હતા. જ્યારે ભારતનું બીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2002 માન્ચેસ્ટર ગેમ્સમાં રહ્યું હતું જેમાં દેશે 30 ગોલ્ડ સહિત કુલ 69 મેડલ જીત્યા હતા.
સાઈના નેહવાલે આક્રમક રમત દાખવીને પીવી સિંધુને પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો
રવિવારે ગોલ્ડ કોસ્ટ ગેમ્સના અંતિમ દિવસે ભારતને બેડમિન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. સાઈના નેહવાલે વિમેન્સ સિંગલ્સમાં ભારતની જ પીવી સિંધુને પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત મેન્સ ડબલ્સમાં સાત્વિક રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સમાં ભારતને પ્રથમ કોમનવેલ્થ મેડલ અપાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. મણિકા બત્રા અને જી.સાથિયાને ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ અને શરત કમલે સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાને સ્ક્વોશમાં વિમેન્સ ડબલ્સમાં સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.
સાઈના નેહવાલ બે કોમનવેલ્થ ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય શટલર બની, તેણે 2010 દિલ્હી ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. સાઈના નેહવાલે આક્રમક રમતનું પ્રદર્શન કરીને 21મી કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે બેડમિન્ટનમાં વિમેન્સ સિંગલ્સની ફાઈલનમાં ભારતની જ પીવી સિંધુને પરાજય આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એક કલાક સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં સાઈનાએ 21-18, 23-21થી વિજય નોંધાવ્યો હતો. જોકે, સાઈના માટે ફાઈનલ આસાન રહી ન હતી કેમ કે સિંધુએ તેને મજબૂત ટક્કર આપી હતી અને બંને ખેલાડીએ એક-એક પોઈન્ટ માટે એકબીજાને મહેનત કરાવી હતી.
ભારતની યુવાન જોડી સાત્વિક રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા મેન્સ ડબલ્સમાં ભારતને પ્રથમ વખત મેડલ અપાવ્યો હતો. સાત્વિક અને ચિરાગની જોડીએ સિલ્વર મેડલ જીત્યો જે કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં ભારતનો પ્રથમ મેડલ હતો. ફાઈનલમાં ભારતીય જોડીને રિયો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા માર્ક્સ એલિસ અને ક્રિસ લેન્ગ્રીજની ઈંગ્લિશ જોડી સામે 13-21, 16-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

print

Comments

comments

VOTING POLL