ક્રૂડના તળિયે ગયેલા ભાવનો સીધો લાભ કોની બેન્ક બેલેન્સ તગડી કરે છે?: કોમનમેન દાઝી ગયો

September 18, 2017 at 6:07 pm


એમ કહેવાય છે કે ગુજરાતીઓનો આત્મા હંમેશા સિંગતેલમાં તરતો રહે છે પરંતુ જો સમગ્ર ઈન્ડિયાની જનતાની વાત કરવી હોય તો એમ કહેવું પડે કે આ લોકોનો આત્મા પેટ્રોલ અને ડીઝલમાં તરતો અને બળતો રહે છે. પેટ્રોલનો આવો ચામડાફાડ ભાવ આપણા દેશમાં લોકોને નિરાશ કરી રહ્યો છે અને એમના બજેટને વેરવિખેર કરી નાખ્યું છે. એયુકેટેડ લોકો હવે એવો હિસાબ કરતાં થયા છે કે ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવનો મહાજંગી લાભ કોને મળી રહ્યો છે ? આ સવાલ સો મણનો છે અને તેનો જવાબ અત્યારે કોઈ આપી શકે તેમ નથી. દુનિયાભરમાં ક્રૂડની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે છતાં આપણા દેશમાં ઈંધણના ભાવમાં સતત ઉછાળાએ આમ આદમીને ભારે મુશ્કેલીમાં મુકી દીધો છે.

૨૦૧૪ બાદથી ક્રૂડ ઓઈલના ભાવમાં અંદાજે ૬૦ ટકા જેટલો ઘટાડો થઈ ચૂકયો છે આમ છતાં આપણે ત્યાં રિટેઈલ પેટ્રોલ–ડીઝલના ભાવમાં ઉછાળાનો વિકાસ ચાલુ જ રહ્યો છે તો પછી ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવના ફાયદા કોના ગજવા ભરી રહ્યા છે અને કોની બેન્ક બેલેન્સો મજબૂત બની રહી છે. તેલનો આ ખેલ આમ આદમીને કયારેય સમજમાં આવવાનો જ નથી. ભારત આમ જોઈએ તો ક્રૂડ ઓઈલનો સૌથી મોટો આયાતક છે. કોલસા બાદ આ ઊર્જા બીજા સૌથી મહત્ત્વપૂર્ણ ક્રોત તરીકે જાણીતી છે. આપણા વ્હીકલ, ટ્રેનો, બસો અને જનરેટરો માટે પણ આ બધં જરૂરી છે. આપણે દરરોજ ૪૫ લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો વર્તમાન વૈશ્ર્વિક કિંમતો અનુસાર આપણે ક્રૂડ ઓઈલ ખરીદવા પર વિદેશી મુદ્રાભંડારમાંથી દરરોજ ૧૭ અબજ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહ્યા છીએ અને હવે તો અમેરિકાથી પણ આયાત શરૂ કરી દેવામાં આવી છે.
એક વર્ષ પહેલાં આપણે ક્રૂડ ઓઈલ પર ડબલ ખર્ચ કરી રહ્યા હતા. ભારત જરૂર કરતાં વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે કારણ કે આપણી રિફાઈનિંગની ક્ષમતા વધુ છે અને એમ કરીને વધારાના પેટ્રોલ અને ડીઝલને આપણે બીજા દેશોમાં નિકાસ કરીએ છીએ. નિકાસમાં પણ એક તૃતિયાંશ ભાગીદારી પ્રાઈવેટ સેકટરની રહી છે. ૨૦૧૪ના મે બાદ ક્રૂડ ઓઈલના ભાવ અંદાજે ૬૦ ટકા જેટલા ઓછા થઈ ગયા છે પરંતુ રિટેઈલ પેટ્રોલપમ્પ પર પેટ્રોલ–ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થતો નથી.

ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવનો ફાયદો કોને મળે છે તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ હવે ઉઠી રહ્યો છે અને તેમાં આપણે રાય સરકારો, કેન્દ્ર સરકારને ફાયદો ગુપચાવનાર તરીકે ગણી શકાય. આમ છતાં કેન્દ્રના પર્યટન ખાતાના રાયમંત્રી અલ્ફોન્સે બેહુદો બકવાસ કર્યેા છે અને એક રીતે એમણે આ દેશના ગરીબોની મજાક ઉડાવી છે. એમણે કહ્યું છે કે જે પેટ્રોલની ખરીદી કરે છે તે બધા અમીરો જ છે અને એ લોકો ખરીદી કરે તો ટેકસ તો આપવો જ પડે. વડાપ્રધાને પોતાના આ મંત્રીને થોડી વધારે બદામ ખવડાવવાની જરૂર છે કારણ કે તેને ખ્યાલ નથી કે સવારે જ ઘરેથી નીકળી જતો એક મજૂર કે કડિયો પણ પોતાના સાવ નાના ખખડધજ મોપેડ પર નોકરી–ધંધે જાય છે અને રાત્રે ત્યાંથી પાછો ફરે છે. આવા લોકોને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી ડાયરેકટ જખ્મી કરે છે અને એમના રસોડા સળગાવી મુકે છે. એમણે બોલવામાં વિવેક પણ ગુમાવ્યો છે અને વધુ દોઢડહાપણ કરીને એમણે એમ પણ કહ્યું છે કે પેટ્રોલ–ડીઝલ મોંઘા કર્યા છે તો વડાપ્રધાન કઈં પૈસા ખાઈ જતાં નથી. દેશની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે અને પેટ્રોલના ભાવવધારાથી દાઝી ગયેલી છે ત્યારે તેમના દાયા પર મલમ લગાડવાને બદલે આવા બાલીશ અને હાસ્યાસ્પદ નિવેદનો વડાપ્રધાને બધં કરાવવા જોઈએ અને આ દેશની જનતાની મજાક બધં કરવી જોઈએ.

આંકડાકીય માહિતી એમ બતાવે છે કે કેન્દ્ર સરકારને એપ્રિલ–૨૦૧૫થી માર્ચ–૨૦૧૭ની વચ્ચે ૧.૬ ખરબ રૂપિયાની કમાણી થઈ છે. જો તમે તેને ટકાવારીમાં બદલો તો પેટ્રોલ પર એકસાઈઝ ટેકસ ૧૫૦ ટકા વધી ચૂકયો છે અને ડીઝલ પર તો તેનાથી પણ વધુ છે અને આમ થવાથી સરકારને સબસીડી ખર્ચ ઘટાડવાનો મોકો મળ્યો છે. અબજો રૂપિયાની આ બચત નો–ડાઉટ દેશના કલ્યાણ માટે થતી હશે તેવી આશા રાખીએ.
આમ છતાં કેન્દ્ર સરકારની એક સફળતાની નોંધ પ્રામાણિકતાથી લેવી પડે કે નાણાકીય ખાધને રોકી શકાય છે અને તેમાં ઘટાડો પણ થયો છે. આંતરરાષ્ટ્ર્રીય એજન્સીઓમાં આપણી ક્રેડિટ રેટિંગને સ્થિર બનાવવા માટે આ સ્થિતિ ખૂબ જરૂરી છે. બીજી બાજુ પેટ્રોલ–ડીઝલના ઉંચા ભાવ હોવા છતાં પણ મોંઘવારીનો દર કાબૂમાં રહ્યો છે. હ્યુસ્ટનમાં આવેલા તોફાનને કારણે પણ ઈંધણના ભાવ વધ્યા છે. આમ જોઈએ તો આ ઉંચા ભાવનો ફાયદો ઓઈલ માર્કેટિંગ કંપનીઓને મળી રહ્યો છે કારણ કે એમને ભાવ નક્કી કરવાની છૂટ મળેલી છે અને આ લોકો ઓછા ઈનપુટ ખર્ચ સાથે જૂના દર પર તેલ વેંચી રહ્યા છે. આમ થવાથી એમના લાભમાં વધારો થશે અને બીજી બાજુ એરિએશન સેકટરને પણ તેનો ખૂબ ફાયદો મળી રહ્યો છે. ક્રૂડના ઘટી ગયેલા ભાવનો સીધો લાભ વીમાન ટર્બાઈન ઈંધણ (એટીએફ)માં દેખાઈ રહ્યો છે અને તેને કારણે પાછલા ત્રણ વર્ષમાં હવાઈ યાત્રીઓની સંખ્યા દર વર્ષે ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. સરકારની સફળતા અને નિષ્ફળતા બન્નેની આપણે નોંધ લીધી છે છતાં જનતાનો અવાજ તો સૌથી ઉંચો રહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લૂંટ ખરેખર બધં કરવાની જરૂર છે.

print

Comments

comments

VOTING POLL