ગંદકીમુકત ગુજરાત: કચરાને કંચન બનાવતી સરકાર

April 21, 2017 at 3:03 pm


રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને ગંદકી મુકત બનાવવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમાર દ્વારા રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સ્વચ્છાગ્રહી બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં તે અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા હાંસલ થઈ છે જેમાં રાજ્યના તમામ મહાનગરોને ‘જાહેર શૌચક્રિયાથી મુકત’ બનાવવામાં સો ટકા સફળતા હાંસલ થઈ છે.

વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળના વિવિધ તબકકાઓની સફળતાપૂર્વક અમલવારી રાજ્યભરમાં થઈ રહી છે. રાજકોટમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનને અભૂતપૂર્વ સફળતાં મળતાં હવે અન્ય નગરપાલિકાઓમાં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના આ મોડેલને અનુસરવાનું શ કરાવવામાં આવનાર છે. માત્ર કચરાનું એકત્રિકરણ જ નહીં પરંતુ એકત્રીત થયેલા કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનો પ્રોજેકટ પણ હાથ પર લેવાયો છે જે એકાદ વર્ષમાં પૂર્ણ થશે. મહાનગરો ઉપરાંત અન્ય નગરોમાં પણ કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે એકાદ વર્ષમાં નાના નગરો પણ કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરતાં થઈ જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત લિકવીડ વેસ્ટ મેનેજમેન્ટનો પણ અમલ શ થઈ ગયો છે જેમાં સુકો અને ભીનો કચરો અલગ રાખવા માટે અલગ-અલગ કચરાપેટી આપવામાં આવશે અને બન્ને પ્રકારના કચરાનું અલગ-અલગ એકત્રિકરણ કરવામાં આવશે. હાલ ગુજરાત રાજ્યની કુલ 163 નગરપાલિકાઓમાંથી 96માં ડ્રેનેજ નેટવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકી રહેતી અન્ય નગરપાલિકાઓમાં ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થઈ જશે. માત્ર ગુજરાત રાજ્યને સ્વચ્છ બનાવવું તેવો જ અભિગમ નથી પરંતુ સ્વચ્છ બનાવ્યા બાદ એકત્રીત થતાં કચરા પર પ્રોસેસ કરીને કચરાને કંચન બનાવવાનો પ્રોજેકટ છે. કેન્દ્ર સરકાર દ્વારા 2-10-2019 સુધીમાં એટલે કે આગામી બે વર્ષમાં ગાંધી જયંતીના દિવસ સુધીમાં ‘સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત’ સૂત્રને સાર્થક કરવા દેશભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે ઝુંબેશને સૌથી વધુ સફળતા ગુજરાતમાં મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

સુકો અને ભીનો કચરો વર્ગીકૃત કરીને તેમજ એકત્રીત થયેલા સુએઝ વોટરને રિ-ટ્રીટ કરીને તેનો પુન: વપરાશ થઈ શકે તે માટે દરેક નગરમાં સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બને તે માટે એડવાન્સ પ્રક્રિયા ચાલુ છે અને હાલમાં ટેન્ડર સહિતની કાર્યવાહી ચાલી રહ્યાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
21મી સદીમાં કચરાનો વેપાર એ સૌથી મોટો વેપાર બની રહેશે તેવી આગાહી કરાઈ છે તે મુજબ કચરામાંથી ગેસ બનાવવા, કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવા તેમજ ડ્રેનેજના ગંદી પાણીને રિ-ટ્રીટ કરીને તેનો ફરી ખેતીવાડીમાં વપરાશ કરવા જેવા પુન: વપરાશના વિકલ્પોનો પણ શ્રેષ્ઠ ઉપયોગ કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

print

Comments

comments

VOTING POLL