ગુજરાતના ગૌરવસમાં અવકાશ વિજ્ઞાની ડૉ. કમલેશ લુલ્લા બન્યા ન્યુજર્સીના અતિથિ

June 5, 2017 at 3:19 pm


વિજય ઠક્કર,
ન્યુ જર્સી

ગુજરાતીઓ જ નહીં સમગ્ર હિન્દુસ્તાનવાસીઓ એ ગૌરવ લેવા જેવું એક અનોખું વ્યક્તિત્વ છે અવકાશ વિજ્ઞાની ડૉક્ટર કમલેશ લુલ્લા. વિશેષ આનંદ એટલાં માટે છે કે ડૉક્ટર કમલેશ લુલ્લા ગુજરાતના સપૂત છે, સંસ્કારનગરી વડોદરા સાથે એમના મૂળ જોડાયેલા છે અને એમની કર્મભૂમિ છે અમેરિકા. ડો.લુલ્લા ત્રણ દિવસ માટે ન્યૂજર્સીના અતિથી હતા અને એ દરમ્યાન અમે એમની શુભેચ્છા મુલાકાત લીધી. લગભગ ત્રણેક કલાકથી વધારે સમય અમે એમની સાથે પસાર કર્યો અને એ દરમ્યાન જ્ઞાનનો અગાધ ભંડાર એવા ડૉક્ટર લુલ્લાની સાથે ખૂબ રસપ્રદ વાતો થઇ અને એમણે અમને અંતરીક્ષ. અંતરીક્ષ અંગેના સંશોધનો, અંતરીક્ષ યાત્રીઓ અને અંતરીક્ષ યાત્રીઓની ટ્રેનિંગ એ બધા વિષે ખૂબ સરસ વિગતવાર સમજણ અને માહિતી આપી.

ડો.કમલેશ લુલ્લા અત્યંત ખ્યાતીપ્રાપ્ત અવકાશ વિજ્ઞાની છે અને હ્યુસ્ટનમાં આવેલા જ્હોન્સન સ્પેસ સેન્ટર, નાસામાં ૩૦ વર્ષથી વધુ સમયથી તેઓશ્રી ચીફ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે અને તેઓના કાર્યક્ષેત્રમાં અવકાશ યાન માટે ભૂમિનિરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક કાર્યક્રમ ઉપરાંત નાસાના અંતરીક્ષયાત્રીઓ ને ભૂમિનિરીક્ષણ વિજ્ઞાનની તાલીમ આપવાનો સમાવેશ થાય છે. ડૉક્ટર લુલ્લાના વૈજ્ઞાનિક સંશોધનોમાં મુખ્યત્વે ઓપ્ટીકલ અને રડાર રીમોટ સેન્સીંગ, ઍડ્વાન્સ સેન્સર ડેવલપમેન્ટ અને ઇમેજ અને ડેટા પ્રોસેસિંગ ટેક્નોલૉજીનો સમાવેશ થાય છે. નાસામાં તેઓ સીનીયર મૅનેજમેન્ટ ઍક્સ્પર્ટ તરીકે રિસર્ચ અને ટેક્નોલૉજી કોલૅબરેશન વિભાગના નિયામક તથા ફ્લાઇટ સાયન્સ વિભાગ અને અર્થ સાયન્સ વિભાગના વિભાગીય વડા તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

ડૉક્ટર લુલ્લા બહુ પ્રકાશિત લેખક છે અને તેઓ ૮ જેટલાં પુસ્તકોના સહલેખક છે અથવા સહસંપાદક છે. એમના રિસર્ચ અને ટેકનિકલ પેપર્સ ખૂબ મોટી સંખ્યામાં અનેક ખ્યાતનામ જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. ૮૦ થી વધારે દેશોમાં ફેલાવો ધરાવતા અર્થ, સ્પેસ સાયન્સ અને રીમોટ સેન્સીંગ ના આંતરરાષ્ટ્રીય જર્નલ્સના તથા અમેરિકન જર્નલ ઑફ ફોટોગ્રેમેટ્રિક એન્જીનિયરીંગ એન્ડ રીમોટ સેન્સીંગના તેઓ ચીફ એડિટર પદે રહી ચુક્યા છે.

નાસા દ્વારા એના બે સર્વોચ્ચ સન્માન થી ડૉક્ટર લુલ્લાને નવાજવામાં આવ્યા છે, જેમાં નાસા એકસેપ્શનલ અચીવમેંટ મેડલ ફોર હીઝ સાયન્ટીફીક રિસર્ચ અકમ્પ્લીશમેન્ટસ અને બીજો નાસા એકસેપ્શનલ સર્વિસ મેડલથી સન્માનવામાં આવ્યા છે. આ ઉપરાંત ડૉક્ટર લુલ્લાને અમેરિકન ગવર્નમેન્ટ, જુદીજુદી યુનિવર્સિટીઓ અને દેશ વિદેશની અન્ય અનેક સંસ્થાઓએ એમનું બહુમાન કર્યું છે.

ડૉક્ટર લુલ્લાની અત્યંત પ્રભાવક પ્રોફાઈલમાં એક ગુજરાતી તરીકે વધુ ગૌરવ એ થાય કે ગુજરાતી ભાષામાં ડૉક્ટર કમલેશ લુલ્લા ખૂબ સુંદર કવિતાઓ લખે છે એટલું જ નહી એમણે એમના રૂટ્સ સાથેનો ઘરોબો યથાતથ જાળવી રાખ્યો છે. એમના કવિતાના શોખ વિષે એમણે એક મુક્તક દ્વારા કહ્યું કે
“હું ફૂલ ટાઈમ સાયન્ટિસ્ટ છું અને પાર્ટ ટાઈમ કવિ છું, બસ થોડીક વાદળીથી ઢંકાયેલો રવિ છું…”
કવિતા અને સાયન્સ બંનેમાં સર્જનશીલતા આવશ્યક છે એટલું જ નહિ કવીતા અને સાયન્સ બંનેમાં ભારોભાર સંવેદનશીલતા હોવી અત્યંત આવશ્યક છે એમ કહી એમણે ઉમેર્યું કે કવિતા દ્વારા કવિ માનવીય ઉર્મીઓ એની લાગણીઓ અને હૃદયના ભાવોને વ્યક્ત કરે છે જ્યારે વૈજ્ઞાનિક એના સંશોધનમાં માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન પ્રતિ સંવેદનશીલ હોય છે એટલું જ નહીં પરંતુ એ કોઈ પણ દેશનો કે રંગનો કે જાતિનો હોય પણ એનાં કાર્યમાં એના સંશોધનમાં વિશ્વબંધુત્વની અને વિશ્વ કલ્યાણની ઉદ્ઘાત ભાવના રહેલી હોય છે. ડૉક્ટર લુલ્લાએ એક અદ્ભુત વાત કરી કે હું ગુજરાતનો છું અને એટલે આપણા તીર્થ દ્વારિકા અને સોમનાથ પ્રત્યે મારી અપાર શ્રદ્ધા છે એટલે જ્યારે અંતરીક્ષ યાત્રીઓ અંતરિક્ષમાં જતા હતા ત્યારે તેમના પૃથ્વી પરના પરિભ્રમણ દરમ્યાન દ્વારકા અને સોમનાથ ઉપરથી પસાર ત્યાય ત્યારે ખાસ એનાં ફોટોગ્રાફ્સ લેવડાવ્યા. એટલું જ નહિ પરંતુ આખા ગુજરાતના જે ફોટોગ્રાફ્સ લેવાયા હતા એ તમામ ફોટોગ્રાફ્સની સાથે આપણા ગુજરાતી કવિઓ એ ગુજરાત વિષે જે કઈ લખ્યું છે એ પંક્તિઓ કે કવિતાઓને સાંકળીને ‘મારી માવલડી ગુજરાત’ એ નામનું સંકલિત પુસ્તક તૈયાર કર્યું છે જે ટૂંક સમયમાં ઈ બૂક સ્વરૂપે ઉપલબ્ધ થશે.

print

Comments

comments

VOTING POLL