ગુજરાતનો ગધેડો…

February 24, 2017 at 7:20 pm


કચ્છના નાના રણમાં કુટુંબ કબીલા સાથે રહેતાં (જંગલી) ગધેડાઓને અત્યારે હેડકી આવવી સ્વાભાવિક છે. અમસ્તા તો લોકો એકબીજાને ગધેડા-ગધેડા કરતા હોય ત્યારે આ પ્રકારની હેડકીઓ આવતી હોતી નથી પરંતુ આવી સ્પેશ્યલ હેડકીઓ આવવા માટેનો શ્રેય દેશના બબ્બે મુખ્યમંત્રી અને એકના એક વડાપ્રધાનને જાય છે. ભૂતકાળમાં (અમિતાભ સિવાય) કોઈએ યાદ ન કયર્િ હોય એટલા ગુજરાતના ગધેડાઓને યાદ કરવામાં આવી રહ્યા છે. આ ગધેડાઓને જો છાપા વાંચતા આવડતું હોત કે ટીવી જોતાં આવડતું હોત તો પોતાનું નામ મોટા મોટા નેતાઓના શ્રીમુખેથી સાંભળીને રાજીના રેડ થઈ ગયા હોત પરંતુ તેમના નસીબમાં આવું સુખ નથી લખાયેલું. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર તરીકે માણસોને ઉભા રાખ્યા હોવા છતાં આ વખતે સ્પેશ્યલી ‘ગુજરાતના ગધેડા’ઓને યાદ કરવામાં આવ્યા છે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ‘ખુશ્બુ ગુજરાત કી’ શ્રેણી અંતર્ગત કચ્છના નાના રણમાં વસતાં ઘુડખર એટલે કે જંગલી ગધેડાઓને વિહરતા જોવા આવવા માટે વિશ્ર્વપ્રવાસીઓને આહ્વાન કર્યુ હતું તે બધાને યાદ છે અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને તો ખાસ યાદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા ગુજરાતની આડકતરી ટીકા કરી રહેલા અખિલેશ યાદવે એક ભાષણમાં એવું કહી દીધું કે બોલિવૂડના મહાનાયકે ગુજરાતના ગધેડાઓનો પ્રચાર બંધ કરવો જોઈએ ! વાત માત્ર આટલી જ હતી પરંતુ આ સાંભળીને ગધેડાપ્રિય ગુજરાતની જનતાનું લોહી ઉકળી ઉઠયું હતું અને આ મુદ્દે નિવેદનબાજી શ થઈ ગઈ હતી. ગુજરાતમાં ગધેડો ખુબ જ જાણીતું પ્રાણી છે. બિચારો ખુબ જ મહેનત કરતો હોવા છતાં તેની કોઈ કિંમત થતી નથી અને મા-બાપ પણ પોતાના દીકરાને ‘ગધેડા’ જેવો તેમ કહીને ખીજાતા હોય છે. કોકના બે આંટા ઢીલા હોય તો પણ લોકો તેને ગધેડા જેવો કહેતાં હોય છે.

આવા આ ગધેડા વિશે અખિલેશ યાદવે ટિપ્પણી કરી તેમાં ભાજપી નેતાઓ ઉકળી ઉઠયા છે અને મામલો છેક વડાપ્રધાન સુધી પહોંચી ગયો છે. નરેન્દ્ર મોદીએ પણ એક જાહેરસભામાં કહેવું પડયું કે અખિલેશને ગધેડાઓનો આટલો બધો ડર શા માટે લાગે છે? મારા ઉપર હમલો કરો તે સમજી શકું છું, ભાજપ ઉપર હમલો કરો તો તે પણ સમજી શકું છું પરંતુ બિચારા ગધેડા ઉપર હમલો? અખિલેશને ગધેડો શા માટે ખરાબ લાગવા લાગ્યો? તમારી સરકાર તો કોઈની ભેંસ ખોવાય જાય તો પણ દોડાદોડી કરવા લાગે છે. અખિલેશજી તમને ખબર નહીં હોય કે ગધેડો પણ આપણને પ્રેરણા આપે છે તે એક વફાદાર પ્રાણી છે અને ઓછા ખર્ચે વધુ કામ આપે છે. નરેન્દ્ર મોદીએ તો એમ પણ કહ્યું કે હં પણ ગધેડાઓમાંથી પ્રેરણા લઉં છું (જો કે તેમણે કોઈના નામ આપ્યા ન હતાં). ગુજરાતના મુખ્યમંત્રી વિજય પાણીએ પણ અખિલેશ યાદવના ‘ગધેડા વિરોધી’ નિવેદનની ટીકા કરી હતી. છેલ્લે સમાચાર મળ્યા ત્યારે ભાજપ્ના આ પ્રકારના ‘ગધાક્રમણ’થી ગભરાયેલા અખિલેશ યાદવે આ મુદ્દાને વાઈન્ડઅપ કરી લીધો છે અને મારે ગુજરાતના ગધેડા વિશે હવે કંઈ નથી બોલવું તેવી જાહેરાત કરી દીધી છે. વાત અહીંથી અટકતી નથી. અખિલેશના નિવેદનથી ગધેડાઓની લાગણી ચોકકસપણે દુભાઈ છે અને આવો જ એક દુભાયેલો ગધેડો રાતોરાત કોઈને કહ્યા વગર ઉત્તરપ્રદેશ પહોંચી ગયો છે. આ ગધેડાની અત્યંત નજીકના વર્તુળોએ એવી માહિતી આપી છે કે લખનૌ પહોંચીને આ ગધેડાએ અખિલેશ યાદવનું પોસ્ટર ચાવી ખાધું છે. પોસ્ટર ચાવી ગયા પછી ગધેડાને જે તાન ચડયું તે પણ ગજબનું હતું. થોડીકવારમાં તો તેને ત્રણેય કાળનું અને પોતે સાવ ગધેડો નથી તેનું જ્ઞાન પણ થઈ ગયું છે. પોસ્ટર ચાવી લીધા પછી આ ગધેડાએ સારું સ્થળ શોધીને મોજથી આળોટી લીધું છે. ગઈકાલનો ગધેડો આજનો તોખાર થઈ ગયો છે. ઉત્તરપ્રદેશ પહોંચીને તે જે કરે છે તે સ્ટાઈલથી કરે છે. હવે તેણે આચરકુચર ખાવાનું બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે. તેણે મનમાં એવું સ્વપ્ન સેવ્યું છે કે હવે માત્ર હોંચી હોંચી કરીને જિંદગી પસાર નથી કરવી પરંતુ રાજકીય નિવેદનો પણ કરવા છે. દુનિયાભરના ગધેડાઓને એક કરવા છે. તે વિચારે છે કે કયાં સુધી માણસોના જુલમ સહન કરશું?, કયાં સુધી પીઠ ઉપર બોજો વેંઢારતા રહેશું? ગુજરાતનો હાર્દિક પટેલ જેમ અનામત માગે છે તેવી જ રીતે આપણે ગધા અધિકાર પંચ માગશું પરંતુ એક દિવસ આપણો હકક લઈને જ જંપશું. આ ગધેડો એમ પણ વિચારે છે કે માણસો અકકલ વગરના અને ગધેડો કહે છે પરંતુ આપણે માગણી કરવી જોઈએ કે આવું કહેવામાં માણસો થોડું સ્ટાન્ડર્ડ જાળવે અને કોઈ સારા માણસને ગધેડો કહેવાનું રાખે. કોઈ કર્મચારી યુનિયન પોતાની માગણીઓની યાદી બનાવે તેવી રીતે આ ગધેડાએ પણ પોતાના હકક-હિસ્સા અને માગણીઓનું લિસ્ટ બનાવ્યું છે. તેઓ માલ અને માઈલેજ પ્રમાણે નુર વસુલશે અને ઉપર બેસનારની ટિકિટ પણ વસુલશે. તેને મારવામાં આવતા ડફણાને એન્કાઉન્ટર ગણશે અને આવા એન્કાઉન્ટર કરનારની સામે સીબીઆઈની તપાસ માગશે. ઉપર બેઠેલો કે પાછળ ચાલતો માણસ ગમે તેટલા ડચકારા કરે તો પણ અમે હવે નહીં ચાલીએ અને અમારો ‘ચારો’ ખાઈ જનારાઓને પણ નહીં છોડીએ. સમગ્ર વિશ્વમાં અમારું તંત્ર રહેશે અને અમને અમારી ‘ગધેડી’ પસંદ કરવાનો અધિકાર પણ રહેશે. નોટબંધી પછી અમે હવે પગાર પણ પહેલી તારીખે ચેકમાં લેશું અને જયાં ઘોડાની રેસ થતી હશે ત્યાં અમારો અલગ ટ્રેક હશે. કહેવતોમાંથી અમારો ઉલ્લેખ દૂર કરાવશું અને અમારા મોઢા પાસે લટકાવવામાં આવતું ગાજર પણ દૂર કરાવશું. અમે બુલંદ અવાજે ભુંકીએ તો પણ તેના ડેસીબલ માપવામાં નહીં આવે અને જંતર મંતર ઉપર અમે આળોટવા માગશું તો પોલીસ અમને ના નહીં પાડે. જો આજના રાજકારણીઓ અમને ચૂંટણીનો મુદ્દો બનાવતા હોય તો અમારો પણ અધિકાર રહે છે કે અમે માણસોની સરકાર ઉપર દબાણ લાવીને અમારી માગણીઓ સ્વિકારાવીએ. જો અમારી માગણીઓ અખિલેશ યાદવે સ્વીકારવી ન હોય તો તેણે ગુજરાતના અમારા ભાઈઓ વિશે બોલવાનું બંધ કરવું જોઈએ. અખિલેશે સમજી લેવું જોઈએ કે જો ગુજરાતના માણસો પાણીપુરી ખાવાનું બંધ કરી દેશે તો ઉત્તરપ્રદેશની વસતીમાં અડધો અડધ વધારો થઈ જશે.

print

Comments

comments

VOTING POLL