ગુજરાતમાં કોંગ્રેસને ચૂંટણી જીતવા માટે ફકત બાહુબલીઓની જ નહીં પરંતુ કટપ્પાઓની પણ જરૂર છે..!

June 12, 2017 at 5:43 pm


વર્ષેા પહેલા ટ્રેઈની જર્નાલીસ્ટ હતાં ત્યારે એ સમયના કોંગીના લીજન્ડ, પ્રતિિત, ઉંચા કદના નેતા મનોહરસિંહજી જાડેજા સાથે ફોન પર વાત કરવાનો અવસર મળેલો ત્યારે ચૂંટણી સંબંધી એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું હતું કે ‘હંું અનુમાનોના રાજકારણથી દૂર રહું છું.’ દાદાએ એમ પણ કહેલું કે, ચૂંટણી એક અસહ્ય વેદના આપતી પ્રક્રિયા છે માટે હું દિમાગ અને વિચારોના તરંગોને કન્ટ્રોલમાં રાખીને યોગ્ય સમયે જ તેનો યુઝ કરવામાં માનું છું. આપ લોકો (પત્રકારો) અનુમાનો કરી શકો છો બિકોઝ એ આપના પ્રોફેશનની જરૂરિયાત અથવા સિસ્ટમ છે.
ગુજરાતના પોલિટિકલ ફિલ્ડમાં ફરીથી અનુમાનો, અટકળો, આગાહીઓ, કલ્પનાઓના ઘોડા દોડી રહ્યા છે. નેતાઓના ખ્વાબની મૌસમ શરૂ થઈ છે. પોલિટિકસમાં જે વેંતીયા ગણાય છે એ બધા વિરાટ બનવા માટે ફાંફા મારવાની શરૂઆત કરી રહ્યા છે.
હવે આજના દૌરમાં ચૂંટણી લડવી અને જીતવી એ એક પ્રકારે કોર્પેારેટ ઓપરેશન જેવું લાગે છે. એક એવો બિઝનેસ જેના નકરા ફાયદા જ છે, નુકસાન કાંઈ છે જ નહીં…! એવું એટલા માટે છે કે જે નેતો કે નેતી હારી જાય છે તેને પણ પબ્લીસીટી એટલી બધી મળી ગઈ હોય છે કે તેની વાસના ટોટલી સંતોષાઈ જાય છે.

હવે આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે માટે કોંગ્રેસની થોડીક રામાયણ માંડીએ, કારણકે શંકરસિંહજી વાઘેલાએ કુકરી ગાંડી કરી છે અને દિલ્હી સુધી હાઈકમાન્ડને પણ હલાવ્યા છે (એ લોકો એની મેળે કયારેય હલતા જ નથી). શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રહેશે કે જશે તેના પર જો સટ્ટાખોરોએ બેટીંગ કરાવ્યું હોત તો આઈપીએલથી થોડીક ઓછી કમાણી થઈ હોત તેવું કટાક્ષમાં કેટલાક લોકોના મોઢે સંભળાય છે એટલી હદે શંકરસિંહજીનું પ્રકરણ ચગી રહ્યું છે.

શંકરસિંહ વાઘેલા કોંગીમાંથી જાય તો કોંગીને શું ફેર પડે છે અને ભાજપમાં જાય તો ભાજપને શું તોરણ મળી જવાના છે? તેવા હિસાબ કિતાબ માંડનારો વર્ગ આપણે ત્યાં મોટો છે. ગુજરાતમાં કોંગીની જે હાલત છે તે કોઈથી છુપી નથી. ગુજરાતમાં કોંગી ૧૯૮૯થી પોલિટિકલી આઈસીયુમાં છે અને સારવાર ચાલે છે. કોંગી વતી ચૂંટણી લડનારા લોકોને હું ‘ધ ગ્રેટ ગેમ્બલર’ અથવા તો સાહસની પ્રેરણામૂર્તિ ગણું છું. કારણકે આ લોકો જીતવા માટે નહીં બલ્કે મેદાનમાં ટકી રહેવા અને થોડુંક નામ ગાજતું થાય તેવા માનસિક મેનેજમેન્ટ સાથે ચૂંટણી લડતા હોય છે. જીતની આશા તો એમને પહેલેથી જ ઓછી હોય છે. ઘણા સમય પહેલા શાહબુદીનભાઈ રાઠોડના મુખેથી ચોટદાર ગીત સાંભળ્યું હતું અને તેના શબ્દો એવા હતાં કે ‘શીદને તું ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં…’ હવે આજે જયારે કોઈ કોંગ્રેસી એવો દાવો કરતા સંભળાય કે આ વખતે તો આપણી જીત પાકી જ છે ત્યારે ગીતના શબ્દોમાં થોડા ફેરફાર કરીને એમ ગાવાનું મન થાય છે કે, ‘શીદને તું ફરે છે ગુમાનમાં, તારે રહેવું કોંગ્રેસના મકાનમાં…!!’

કોંગ્રેસની ગુજરાતમાં અવદશા કાંઈ આજકાલની નથી બલ્કે તે ૧૯૮૯થી ચાલી આવે છે અને હવે અહીં કોંગ્રેસને ય જાણે ‘હાર’નો નશો થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. ‘પરાજય’નો સામનો કરવો તે કોંગી માટે એક અવિભાજય પ્રક્રિયા જેવી બની ગઈ છે. ‘ઝીંદગી મેં તો સભી પ્યાર કિયા કરતે હૈ, મૈં તો મરકર ભી મેરી જાન તુજે ચાહુંગા’ જેવો ચસોચસ પ્રેમ કોંગીને પરાજય સાથે થઈ ગયો છે અને આ બે પ્રેમી ઘડીકમાં છુટા પડે એવું લાગતું ય નથી !
કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની પાસે પાર્ટટાઈમ વફાદારો હોય છે અને પરમેનેન્ટ હોતા નથી. શંકરસિંહ વાઘેલા જાય છે, નથી જતાં, જાય છે, નથી જતાં તેવી રામાયણ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે ત્યારે રાજકીય નિરીક્ષકો પણ તટસ્થ રીતે એમ માને છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હતાં તો કોંગ્રેસને શું તોરણ બંધાવી દીધા અને ભાજપમાં જશે તો ભાજપને પુરેપુરી બેઠકો મળી જવાની નથી. કોંગીને તો હવે હારનો જાણે નશો થઈ ગયો છે. શંકરસિંહ વાઘેલા પહેલા ભાજપમાં હતાં અને તેમાંથી બળવો કરીને સત્તા પર ચડી બેઠા. એમની સત્તા લાંબી ચાલી નહીં ત્યારબાદ એમણે રાજપા નામની પાર્ટી બનાવી અને તેને પણ ગુજરાતની જનતાએ રિજેકટ કરી દીધી. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસની હાલત ગુજરાતમાં હંમેશા કરૂણ જ રહી છે. કોંગ્રેસ પાસે નરેન્દ્ર મોદી જેવા લડાયક અને તેજ દિમાગ વાળા નેતાઓ છે જ નહીં. આ પાર્ટીમાં આંતરિક હુંસાતુંસી કયારેય શમવાનું નામ લેતી નથી. હવે તો ગણ્યાગાંઠયા અગ્રણીઓ અને કાર્યકરો દેખાય છે છતાં એ લોકો અંદરોઅંદર બાઝાબાઝી કર્યા કરે છે. નવી જનરેશનને કદાચ ખબર નહીં હોય કે કોંગ્રેસની આ આંતરિક ખટપટમાંથી જ દેશની તમામ વિરોધી પાર્ટીઓનો જન્મ થયો છે. રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી પણ ગુજરાત જેવા પહાડને જીતવા માટેની કોઈ નકકર વ્યુહરચના ધરાવતા નથી અને એમની પાસે કોઈ આઈડીયા નથી. કાર્યકરોની ફોજ વધારવાની હાઈકમાન્ડને કયારેય કોઈ જરૂરિયાત લાગી નથી. પ્રદેશના નેતાઓને થોડી વધુ સ્વતંત્રતા આપીને પાર્ટીને મજબુત બનાવવાની જરૂરિયાત હાઈકમાન્ડને કયારેય લાગી નથી માટે હાઈકમાન્ડનું વલણ પણ હાસ્યાસ્પદ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવી હોય તો કોંગ્રેસને ફકત બાહુબલીઓ નહીં કટપ્પાઓની પણ જરૂર છે. ભાજપ પાસે ગુજરાતની જનતાનો બિનશરતી ટેકો છે અને તેના સહારે તે વર્ષેાથી સત્તામાં છે અને આવી સ્થિતિમાં તેને ઉખાડવાના સપના કોંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે જોઈ શકે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલની કહાનીઓ હંમેશા અલગ જ હોય છે. શંકરસિંહ બાપુ છેલ્લે શું કરશે તેનો ઈન્તેજાર લગભગ બધાને છે. કોંગ્રેસમાં હજુ પણ આગામી દિવસોમાં નવાજુની થવાની છે અને આપણે એ નવાજુનીના સાક્ષી માત્ર બનવાનું છે.

print

Comments

comments

VOTING POLL