ગોંડલના શિવરાજગઢ પાસેથી રૂા.૧૨.૨૪ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયા

August 12, 2017 at 1:41 pm


તહેવાર દરમિયાન પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા માટે સક્રિય થઈ ગયેલા બૂટલેગરોને પકડવા રાજકોટ રેન્જ આર.આર. સેલે કમર કસી હોય તેમ ગોંડલના શિવરાજગઢ પાસેથી સચોટ બાતમીના આધારે શિવરાજગઢ ગામે દરોડો પાડતાં દારૂના કટિંગ કરતાં બૂટલેગરો સહિતના શખસોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન પોલીસે ૧૨.૨૪ લાખનો દારૂ તેમજ ટ્રક મળી કુલ ૨૦.૬૫ લાખની કિંમતની મત્તા કબજે કરી ટ્રકચાલક સહિતના શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂ રાજકોટના બૂટલેગરે મગાગ્યો હોય તેવું ખૂલતા તેને પણ ઝડપી લેવા દોડધામ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના શિવરાજગઢ પાસે વિદેશી દારૂનો જથ્થો ભરીને હરિયાણા પાસેનો ટ્રક નીકળવાનો હોવાની શંકાના આધારે રાજકોટ રેન્જના વડા ડી.એન. પટેલની સૂચનાથી આર.આર. સેલના પીએસઆઈ કુણાલ પટેલ, સંદીપસિંહ, કિશોર ઘૂઘલ, શિવરાજભાઈ, દિલીપ કાળોતરા સહિતના સ્ટાફે દોડી જઈ વોચ રાખતાં શંકાસ્પદ હરિયાણા પાસેના ટ્રકને અટકાવવાની કોશિષ કરતાં ટ્રકચાલકે મારી મુકતાં પોલીસે ફિલ્મીઢબે પીછો કરતાં દારૂ ભરેલો ટ્રક મુકી ચાલક નાસી છૂટયો હતો.
દરમિયાન પોલીસે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાંથી ૪૦ હજારથી વધુ દારૂની બોટલો તેમજ ૯૬૦ બિયર ટીન (૨૮૦ પેટી) મળી આવતાં પોલીસે ૧૨.૨૪ લાખની કિંમતનો દારૂ, બિયરનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ ૨૦.૬૫ લાખની મત્તા કબજે કરી ટ્રકચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં રહેતો તકદીર કાસમ ચાનીયા નામના બૂટલેગરે મગાવ્યો હોવાનું ખૂલતાં પોલીસ નામચીન બૂટલેગરને ઝડપી લેવા પણ ખોડિયારનગરમાં દરોડો પાડયો હતો પરંતુ પોલીસ આવે તે પહેલાં જ નાસી છૂટતાં પોલીસે તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

print

Comments

comments

VOTING POLL