ઘંટેશ્ર્વર પાસે ૨૦૦ એકરમાં બનશે રેસકોર્સ–૨: મેયર

March 20, 2017 at 3:07 pm


રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અને હવે રૂપાંતરિત થઈને કલેકટર તત્રં પાસે આવેલા રેસકોર્સ–૨ના પ્રોજેકટના આયોજનની કામગીરી ગતિશીલ બની છે. લગભગ છેલ્લા દશેક વર્ષથી રેસકોર્સ–૨ બનાવવાનો પ્રોજેકટ ચર્ચાના તબક્કે હતો પરંતુ હવે ખરા અર્થમાં આયોજનના તબક્કે પહોંચ્યો છે. દરમિયાન આજે મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને કલેકટર ડો.વિક્રાંત પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ રેસકોર્સ–૨ પ્રોજેકટ માટે જમીન ફાઈનલ કરવા બે લોકેશનની વિઝિટ કરી હતી જેમાં ઘંટેશ્ર્વર, એસઆરપી કેમ્પ પાસેની જમીન ફાઈનલ કરવામાં આવી હોવાનું મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું.
વિશેષમાં આ અંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રેસકોર્સ–૨ના પ્રોજેકટ માટે વિવિધ ત્રણ લોકેશનની વિઝિટ લેવામાં આવી હતી જેમાં સૌપ્રથમ (૧) રૈયા સર્વે નં.૩૧૮ની આશરે ૭૦ એકર જેટલી જમીન તથા (૨) પરશુરામ મંદિરને લાગુ ૧૨૦ એકર જેટલી જમીન અને (૩) ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પની બાજુમાં આવેલી રિંગરોડ–૨ને લાગુ ૨૦૦ એકર જમીનનો સમાવેશ થાય છે. આ ત્રણેય સાઈટની વિઝિટ લીધા બાદ રિંગરોડ–૨ ઉપર ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પની બાજુમાં આવેલી ૨૦૦ એકર જમીન અને તેની બાજુમાં ૪૦ એકર જમીનમાં પથરાયેલું હયાત તળાવ જોતાં અધિકારીઓ અને પદાધિકારીઓને આ જમીન પસદં પડી હતી તેમજ રેસકોર્સ–૨ બનાવવા માટે દરેક ધ્ષ્ટ્રિકોણથી આ જમીન અનુકૂળ જણાઈ હતી. ઉપરોકત ત્રણેય સાઈટની વિઝિટ લીધા બાદ ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેની ૨૦૦ એકર જમીન રેસકોર્સ–૨ પ્રોજેકટ માટે પસદં કરાઈ હતી અને આ માટેનો જરૂરી ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ તથા રાય સરકારમાં દરખાસ્ત કરવાની કાર્યવાહી વહેલી તકે કરવા જિલ્લા કલેકટર સાથે ચર્ચા–વિચારણા કરાઈ હતી.
મેયરે જણાવ્યું હતું કે ૨૦૦ એકર જમીનમાં રેસકોર્સ–૨ બનાવાય અને તેની બાજુની ૪૦ એકર જમીનમાં જે તળાવ આવેલું છે તેમાં ઈશ્ર્વરીયા પાર્કની જેમ જ બોટિંગ તેમજ વોટર સ્પોર્ટસ, વોટર બાઈક વિગેરે સુવિધા ઉપલબ્ધ બનાવી શકાશે. આ ઉપરાંત નજીકમાં જ માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો હોય ત્યાંથી ટ્રીટેડ વોટર મેળવીને આ તળાવને બારેમાસ ભરેલું રાખી શકાય તેમ છે. આ ઉપરાંત ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસે રેસકોર્સ–૨ બનાવવાથી તેનો લાભ કાલાવડ રોડ, રૈયારોડ, મુંજકા અને જામનગર રોડની જનતાને મળશે.
ઉપરોકત સાઈટ વિઝિટ દરમિયાન મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નીતિન ભારદ્રાજ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, એડિશનલ કલેકટર હર્ષદ વોરા, ડીઆઈએલઆરના મનિષાબેન ભટ્ટ, આસિ.ડીઆઈએલઆર કાકડીયા, પ્રાંત અધિકારી જાની, સિટી એન્જિનિયર ચિરાગ પંડયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા તેમજ નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL