ચીને પાક માટે બે ઉપગ્રહ છોડ્યા

July 10, 2018 at 10:38 am


ચીને પોતાના મિત્ર દેશ પાકિસ્તાન માટે બે રિમોટ સેન્સિંગ સેટલાઇટ (ઉપગ્રહ) સફળતાપૂર્વ અવકાશમાં છોડ્યા હતા. અગાઉ, ચીને 2011ના ઑગસ્ટમાં પાકિસ્તાન માટે સંદેશવ્યવહારને લગતો ઉપગ્રહ પાકસેટ-વનઆર આવકાશમાં છોડીને ભ્રમણકક્ષામાં મૂક્યો હતો.
વાયવ્ય ચીનના જિક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ખાતેથી લોંગ માર્ચ-ટૂસી રોકેટ દ્વારા સોમવારે સવારે 11-56 વાગ્યે પાકિસ્તાનના બે ઉપગ્રહ – પ્રેસ-વન અને પાકટેસ-વનએ છોડાયા હતા. ચીને પાકિસ્તાનને વેચેલો સૌપ્રથમ ઑપ્ટિકલ રિમોટ સેન્સિંગ સેટલાઇટ પ્રેસ-વન છે. ચાઇના એકેડેમી ઑફ સ્પેસ ટેક્નોલોજી દ્વારા વિદેશ માટે તૈયાર કરાયેલો આ 17મો ઉપગ્રહ છે.
પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશનના ઇજનેરો દ્વારા તૈયાર કરાયેલો પાકટેસ-વનએ ઉપગ્રહ વૈજ્ઞાનિક પ્રયોગ માટેનો ઉપગ્રહ હોવાનું કહેવાય છે અને તેને પણ આ જ રોકેટની મદદથી અવકાશમાં છોડાયો હતો. ચાઇના એકેડેમી ઑફ સ્પેસ ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે પ્રેસ-વન ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદ તેની સોલાર પેનલ્સ સરળતાથી ખોલાઇ હતી અને તે સારી સ્થિતિમાં છે.
પ્રેસ-વન ઉપગ્રહનો ઉપયોગ જમીન અને સ્રોતોનાં સર્વેક્ષણ માટે, કુદરતી આફતની માહિતી મેળવવા, કૃષિ સંશોધન માટે, ચીનની સરકારના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર માટે રિમોટ સેન્સિંગ ઇન્ફોર્મેશન આપવા કરાશે.
ચીને છોડેલા પાકિસ્તાનના આ બે ઉપગ્રહથી પાકિસ્તાનના આર્થિક વિકાસમાં અને જનતાનું જીવનધોરણ સુધારવામાં સહાય મળવાની આશા છે.

print

Comments

comments

VOTING POLL