જય ભટ્ટની “એન્જીનીયરીંગ લાઈબ્રેરીયન ઑફ ધ યર” એવૉર્ડ માટે પસંદગી

May 20, 2017 at 8:03 pm


વિજય ઠક્કર

ન્યુ જર્સી

અમેરિકાના સ્પેશ્યલ લાઇબ્રેરી અસોસિએશન(S L A)ના વર્ષ ૨૦૧૭ ના “એન્જીનીયરીંગ લાઈબ્રેરીયન ઑફ ધ યર”એવૉર્ડ માટે સમગ્ર અમેરિકામાંથી પ્રથમ અને એક માત્ર ગુજરાતી એવા શ્રી જય ભટ્ટને પસંદ કરવામાં આવ્યા છે. આગામી ૧૮મી જૂને એરિઝોના રાજ્યમાં ફીનીક્સ ખાતે મળનારી સ્પેશ્યલ લાઇબ્રેરી અસોસિએશન(S L A)ની કૉન્ફરન્સમાં આ એવૉર્ડ તેમને એનાયત કરવામાં આવશે. (S L A) સ્પેશ્યલ લાઇબ્રેરી અસોસિએશન એ અમેરિકાની અત્યંત નામાંકિત સંસ્થા છે અને લાઈબ્રેરીના ક્ષત્રે અપાતું આ ઉચ્ચ સન્માન છે.

ફિલાડેલ્ફીઆની ડ્રેકસેલ યુનિવર્સિટીના લાયઝન લાઈબ્રેરીયન તરીકે શ્રી જય ભટ્ટે એન્જીનીયરીંગ લાઈબ્રેરીયન વ્યવસાય માટે કરેલા પ્રદાન અને એમની વ્યાવસાયિક નિપૂર્ણતા માટે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત “એન્જીનીયરીંગ લાઈબ્રેરીયન ઑફ ધ યર” એવૉર્ડ માટે પસંદ કરાયા છે.

અગાઉ વર્ષ ૨૦૧૦મા પણ શ્રી જય ભટ્ટને અમેરિકન સોસાયટી ફોર એન્જીનીયરીંગ એજ્યુકેશનનો હોમર આઈ. બર્નાર્ડ ડીસ્ટીંગ્વીષડ સર્વિસ એવૉર્ડ અર્પણ કરાયો હતો અને તે સન્માન પણ જય ભટ્ટે પ્રથમ અને એકમાત્ર ગુજરાતી તરીકે ગૌરવભેર સ્વીકાર્યું હતું.

લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ, ઈન્સ્ટ્રક્ષનલ ડિઝાઇન તથા ઈલેક્ટ્રીકલ એન્ડ કમ્પ્યુટર એન્જીનીયરીંગ જેવા ત્રણ ત્રણ વિષયોમાં માસ્ટર્સ ડિગ્રી ઉપરાંત પેન્સીલ્વેનીયા યુનિવર્સીટી માસ્ટર્સ ઇન એજ્યુકેશન જેવી ઉચ્ચતમ ડિગ્રી ધરાવતા શ્રી જય ભટ્ટ છેલ્લા ૧૭ વર્ષથી ડ્રેકસેલ યુનિવર્સીટીમાં કાર્યરત છે. એન્જીનીયરીંગના વિષયવિસ્તાર માટે લાઇબ્રેરી કલેક્શનને શ્રી જય ઉત્કૃષ્ટ રીતે નિભાવે છે એટલુંજ નહિ એન્જીનીયરીંગ અને બાયોમેડીકલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને તેઓ માહિતીના સ્ત્રોત અને સંશોધનની પદ્ધતિઓ અને સંશોધન સહાય માટે ઓન કૅમ્પસ અને ઓનલાઈન વર્કશોપમાં તેમજ સેમીનારો યોજીને તથા અંગત અને સામૂહિક માર્ગદર્શન અવગત કરાવે છે.

અમેરિકન સોસાયટી ફોર એન્જીનીયરીંગ એજ્યુકેશન સાથે શ્રી જય સક્રિય રીતે સંકળાયેલા હોવા ઉપરાંત તેઓ સ્પેશ્યલ લાઇબ્રેરી અસોસીએશનના એશિયન ચેપ્ટરના અને એન્જીનીયરીંગ અને સાયન્સ અને ટેક્નોલૉજી ડીવીઝનના પણ સભ્ય છે. ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓમાં માહિતી અંગે સાક્ષરતા વધારવા ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં પ્રાદુર્ભાવ પામતી સંશોધનાત્મક અને નૂતન પદ્ધતિને પ્રયોજવા માટે તેઓ અત્યંત ઉત્સુક રહે છે. માહિતીની સાક્ષરતા અંગે જયે વ્યાપકપણે પ્રેઝન્ટેશન કર્યા છે અને એમના પેપર્સ પણ પ્રસિદ્ધ કર્યા છે. જયને વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું અને એમનાં માર્ગદર્શક બનવાનું તેઓ ખૂબ પસંદ કરે છે અને દ્રઢપણે માને છે કે અનુભવ, જ્ઞાન અને એની પરસ્પર વહેંચણી દ્વારા જ ઉત્તમ રીતે શીખી શકાય છે.

તાજેતરમાં માનવ સંસ્કૃતિના પડકારો પર આધારિત એન્જીનીયરીંગ શૈક્ષણિક પડકારો નામની ઓનલાઈન સંશોધન પ્રયુક્તિનું ડ્રેકસેલ યુનિવર્સીટીના એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ સાથે સહભાગી થઈને શ્રી જય ભટ્ટે નિર્માણ કર્યું હતું.

જય ભટ્ટને આ ઉપરાંત તેમની શૈક્ષણિક યોગ્યતા, વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને તેમની સંશોધનાત્મક પ્રવૃત્તિ માટે તેમને અનેક એવૉર્ડથી સન્માનિત કરાયા છે.

print

Comments

comments

VOTING POLL