જસ્ટિસ અભિલાષાકુમારી મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત

February 7, 2018 at 11:57 am


નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અભિલાષાકુમારીની મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ માટેનું સત્તાવાર જાહેરનામુ કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય વિભાગ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હતું. તેઓ કઇ તારીખે મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે તે અંગેનું ચિત્ર આજે સુધીમાં સ્પષ્ટ થઇ જશે.’

મૂળ હિમાચલ પ્રદેશના જસ્ટિસ અભિલાષાકુમારી નવમી જાન્યુઆરી ૨૦૦૬ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એડિશલનલ જજ તરીકે નિમણૂંક પામ્યા હતા અને એ જ વર્ષે કાયમી જજ પણ બન્યા હતા. ગુજ. હાઇકોર્ટના કુલ ચાર મહિલા જજો પૈકી તેઓ એક હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ પણ હિમાચલ પ્રદેશમાં થયું હતું. ત્યારબાદ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી તેમણે એલ.એલ.બી. કર્યું હતું. તેઓ ૧૯૮૪માં કાયદાના વ્યવસાયમાં જોડાયા હતા. જે દરમિયાન તેમણે સિવિલ, ક્રિમીનલ, સર્વિસ, ઇન્ડસ્ટ્રીયલ અને કંપની મેટર્સની પ્રેક્ટિસ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટમાં કરી હતી.

જસ્ટિસ અભિલાષાકુમારીએ વર્ષ ૧૯૯૫થી ૨૦૦૨ સુધી એડિશનલ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવાઓ આપી હતી. તેઓ હિમાચલ પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ પણ રહી ચુક્યા છે. ત્યારબાદ બીજી ડિસેમ્બર ૨૦૦૫ના રોજ તેઓ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમાયા હતા. વર્ષ ૨૦૦૬માં તેમની ટ્રાન્સફર એડિશનલ જજ તરીકે ગુજરાત હાઇકોર્ટ ખાતે થઇ હતી. ત્યારબાદ તેમણે ૨૫મી સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કાયમી જજ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. હાઇકોર્ટમાં તેમણે અનેક કેસોનો વિદ્વતાપૂર્ણ રીતે નિકાલ કર્યો હતો. જે પૈકી ચર્ચાસ્પદ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની ડિવીઝન બેન્ચમાં પણ તેઓ હતા.

print

Comments

comments

VOTING POLL