જામનગરમાં ખાનગી શાળાઆે દ્વારા વસુલાતી ફીની વિગતો મંગાવતું બોર્ડ

April 21, 2017 at 2:09 pm


જામનગર સહિત રાજયની ખાનગી શાળાઆેમાં બેફામ ફી વસુલાતી હોય અને ડોનેશન લેવામાં આવી રહ્યું છે એવી ફરીયાદો વર્ષોથી ઉઠી રહી છે, આ ઉપરાંત વાલીઆેને બેફામ ફીના માર સહિત ચોપડાઆે, યુનિફોર્મ લેવા પણ ચોકકસ દુકાનોના એડ્રેસ આપીને એક રીતે જોઇએ તો ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં રાજય સરકારે ફી નું નિયંત્રણ લાદતા ખાનગી શાળાઆે પોતાની મન ફાવે તેવી ફી ઉઘરાવી ન શકે, ધારાધોરણ નકકી કરાતા આવી શાળાઆેની હાલત કફોડી બની છે, બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળાઆેની ફી બાબતે વિગતો માંગતા સ્થાનીક શિક્ષણ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને ખાનગી શાળાના સંચાલકો પાસેથી વિગતો મેળવવા તંત્ર કામે લાગી ગયું છે તેમ જાણવા મળ્યું છે.

રાજય સરકાર દ્વારા તાજેતરમાં તમામ જીલ્લા શિક્ષણ અધિકારીઆેને ધ ગુજરાત સેલ્ફ ફાયનાન્સડ સ્કુલ (રેગ્યુલેશન આેફ ફીઝ) એકટ 2017 અમલી બનાવી શ્વનિર્ભર શાળાઆેમાં 2017ના શૈક્ષણિક સત્ર માટે લેવાતી ફી અને તેને સબંધીત બોર્ડના એફીલીએશનની માહિતી તા. 21 સુધીમાં નિયત માળખામાં શિક્ષણ બોર્ડને પુરી પાડવી તેવી લેખીત સુચના આપવામાં આવી છે.

બોર્ડની સુચના અનુસંધાને જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ખાનગી શાળાઆે પાસેથી ફી નાં ધારાધોરણની વિગતો માંગવા માટે કમર કસવામાં આવી છે અને ડીઇઆે કચેરીનો સ્ટાફ ધંધે લાગ્યો છે, જામનગર શહેરની વાત કરીએ તો 141 પ્રાથમિક અને 138 જેટલી માધ્યમીક ખાનગી સ્કુલોનો સમાવેશ થાય છે આ શાળાઆે પાસેથી ફી ની વસુલાતની વિગતો મેળવવા માટે સ્થાનીક શિક્ષણાધિકારી કચેરી તરફથી આવી તમામ શાળાઆેને કાગળો મોકલવામાં આવ્યા છે તેમજ વિગતો મેળવવા આદેશ જાહેર કરી અધિકારીઆે કામે લાગ્યા છે.

શહેરની અમુક શાળાઆેમાં રીતસરની ફી ના નામે ઉઘાડી લુંટ ચાલી રહી છે આ ઉપરાંત નીત નવા કાર્યક્રમો, અલગ અલગ પ્રકાશકોના પાઠયપુસ્તકો, યુનિફોર્મ, ઉપરાંત પ્રવેશ વખતે ડોનેશન વિગેરે મળી વાલીઆેને તોતીગ અને કમરતોડ રૂપીયા ભરવા પડે છે સામે પક્ષે કેટલાક વાલીઆે આ બાબતે સમયાંતરે રજુઆત કરે છે તો કેટલાક મૌન સેવી લે છે જો કે અંદરખાને વાલીઆેમાં પણ આ મામલે કચવાટની લાગણી જોવા મળે છે, અગાઉ અને તાજેતરમાં શાળાઆે દ્વારા તોતીગ ફી વસુલવામાં આવી રહી છે એવી ઉઠેલી ફરીયાદો અને રાજય સરકારે ખાનગી શાળાઆેના ફી ધોરણના પરિપત્રના અનુસંધાને આદેશ થતા દોડધામ મચી છે.

print

Comments

comments

VOTING POLL