જી.એસ.ટી.: સિનેમાની ટિકિટ સામે વિલન બનવાની શું જર હતી? વેપારીઓ ઓછા કરનો લાભ ગ્રાહકોને આપશે?

May 22, 2017 at 4:48 pm


દેશની ઈકોનોમીને એક નવો ઢાળ આપવા માટે અને નવી ઉર્જા ભરવા માટે તથા વ્યાપાર ઉદ્યોગથી લઈને આમ આદમી સુધી બધાને નવી સિસ્ટમમાં ફેરવવા માટે જીએસટી એટલે કે ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસનું ક્રાંતિકારી પગલું સાકાર થયું છે તે બદલ આપણે આગલી અને પાછલી સરકારોને નો ડાઉટ અભિનંદન આપીએ અને તે આપણી ફરજ પણ છે છતાં આ ઐતિહાસિક પગલાની ખુશાલી સાથે ઘણા બધા પ્રશ્ર્નો પણ દિમાગની આરપાર થઈ જાય છે અને તે ખુબ જ બેઝીક સવાલો છે. જીએસટીનું નવું તંત્ર પહેલી જુલાઈથી દેશભરમાં અમલમાં આવી રહ્યું છે પરંતુ ઘણી બધી રાજય સરકારોની આવી કોઈ તૈયારી દેખાતી નથી તે પણ એક હકીકત છે. એક જ ટેકસની માર્કેટ ભારતની એક નવી પહેચાન બનશે તેમાં કોઈ ના નથી. જીએસટી લાગુ થયા બાદ ઘણી બધી ડયુટીઓ રદ થઈ જશે જેમ કે ઉત્પાદ શુલ્ક, સર્વિસ ટેકસ, રાજયોના વેટ, મનોરંજન કર, પ્રવેશ શુલ્ક, લકઝરી ટેકસ જેવા અનેક ટેકસ ખતમ થઈ જશે અને તેના સ્થાને દેશભરમાં એક સમાન ટેકસ સિસ્ટમ લાગુ થઈ જશે. આ નવી વ્યવસ્થામાં 7 ટકા જેટલી વસ્તુઓને કર છૂટની યાદીમાં રાખવામાં આવી છે જયારે 14 ટકા વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં એટલે કે સૌથી ઓછા ટેકસ સાથે રાખવામાં આવી છે. 17 ટકા આઈટમો 12 ટકાના સ્લેબમાં આવે છે અને 43 ટકા જેટલી આઈટમોને 18 ટકા જેટલા ટેકસ બ્રેકેટમાં રાખવામાં આવી છે. 19 ટકા ચીજોને ટોપ ટેકસ બ્રેકેટ એટલે કે 28 ટકાના લીસ્ટમાં સામેલ કરી દેવામાં આવી છે અને અફસોસની વાત એ છે કે તેમાં સિનેમાની ટિકિટોને પણ આવરી લેવામાં આવી છે. બુધ્ધિજીવીઓ એવો સવાલ પુછી રહ્યા છે કે આમ આદમી સિનેમામાં ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા જાય તો શું તે ફાઈવસ્ટાર હોટેલમાં જાય છે ? હિન્દી સિને જગત આપણા દેશની પહેચાન રહી છે તે તો જાણીતી વાત છે પરંતુ સરકારની તિજોરીમાં મેક્સિમમ રકમ ઠાલવવાનું યોગદાન આ સિનેમા ઉદ્યોગ આપે છે. ભારતની શાન આખા વિશ્ર્વમાં જાળવે છે. સેંકડો કલાકારો એડવાન્સ ટેકસ ભરવામાં દર વર્ષે આગળ રહે છે. આવા સિનેજગતને મરણતોલ ફટકો મારવાની કોઈ જર નહોતી. અત્યારે સિનેમા ઉદ્યોગ પડીને પાધર થઈ ગયો છે તે હકીકતથી સરકાર અજાણ નથી છતાં જાણી જોઈને સિનેમાની ટિકિટોને 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે અને તેને અન્યાયી પગલું ગણવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે મોટાભાગના સિનેઘરો અલગ અલગ શહેરોમાં બંધ પડતા જાય છે તો હવે આ બંધ પડવાની ગતિ કદાચ વધી જશે. બીજી બાજુ આમ આદમીને પણ સિનેમામા જવું બહ આકં લાગશે. આજે આપણા દેશના કોમનમેન પાસે ફ્રેશ થવા માટે અને મનોરંજન મેળવવા માટે સિનેમા સિવાય તેને પોસાતી જગ્યા બીજી કોઈ નથી. આપણા નેતાઓ અને મંત્રીઓ પોત પોતાના કુટુંબ કબીલા સાથે વેકેશનો અને રજાઓ વિદેશમાં ગાળવા માટે ટેવાયેલા છે કારણકે આપણા દેશમાં એવી કોઈ જગ્યા નથી કે જે એમને ગમતી હોય માટે સરકારને આમ આદમીની આ સુવિધાને કડવી બનાવવામાં શું રસ પડયો છે ? તેનો જવાબ જેટલી પાસેથી લેવાની જરૂર છે.

બીજી સૌથી મહત્વની બાબત એ પણ છે કે અણ જેટલીએ જે દલીલ કરી છે કે ચીજવસ્તુઓ પર ઓછા કરથી વેપારીઓને લાભ મળશે અને વેપાર ઉદ્યોગ વાળા આ ઓછા કરનો લાભ ગ્રાહકોને આપશે. કદાચ જેટલીને ખબર જ હશે કે આપણા દેશમાં હજુ સુધી એવું કોઈ મિકેનીઝમ બન્યું નથી કે જે ખરાઈ કરી શકે કે વેપારીઓ ગ્રાહકોને ઓછા કરનો લાભ લંબાવી રહ્યા છે કે નહીં. જનરલી આપણો અનુભવ એમ બોલે છે કે સરકાર બજેટમાં જે ચીજો પર વેરો ઘટાડે છે ત્યારે તેનો ફાયદો મેન્યુફેકચરર અથવા તો મિડલમેન જેવા વેપારીઓ લઈ જતા હોય છે. બહ ઓછા ઉત્પાદકો અને વેપારીઓ વેરા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની ઈમાનદારી બતાવે છે તો જેટલીએ તેની ખરાઈ કરવા માટે કોઈ મિકેનીઝમ બનાવ્યું છે ખં ? તેવો પ્રશ્ર્ન બધા કરે તો તેમાં કોઈ ઈન્કાર હોય શકે નહીં. સરકારે ગ્રાહકો સુધી લાભ પહોંચે છે કે નહીં તે માટે ચેકીંગની વ્યવસ્થા કરવી પડશે. દૂધ, દહીંને વર્તમાનની જેમ જ જીએસટી હેઠળ ઝીરો ટેકસ લીસ્ટમાં રાખવામાં આવ્યા છે તે સારી વાત છે પરંતુ મિઠાઈ અને દૂધથી બનતા ઉત્પાદનો ઉપર પાંચ ટકાનો સ્લેબ રાખ્યો છે. ખાંડ, ચા, કોફી અને ખાદ્યતેલ જેવી રોજેરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓ 5 ટકાના સ્લેબમાં છે તેને પણ આપણે આવકારવી જોઈએ. તે જ રીતે અનાજ અને વિશેષ પથી ઘઉં તેમજ ચોખાનો ભાવ નીચે આવશે કારણકે તેમને જીએસટીથી છૂટ મળેલી છે. હવે આ ભાવ કેટલા નીચા આવે છે અને વેપારીઓ કોઈ રમત તો કરતા નથીને તે જોવાની જવાબદારી સરકારની રહેશે. અત્યારે કેટલાક રાજયોએ તેના પર વેટ લગાવી રાખ્યો છે.

આમ જોઈએ તો જીએસટીનો સફર અત્યાર સુધી ભારે કઠીન રહ્યો છે. રાજકીય પક્ષોના તીવ્ર મતભેદોને કારણે આ કામમાં ઘણો વિલંબ થયો છે. કયારેક તો એવું પણ લાગતું હતું કે જીએસટીની ગાડી અટકી જવાની છે. પરંતુ હવે જયારે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તો બધા એવી આશા રાખી રહ્યા છે કે તેનાથી દેશના અર્થતંત્રને લાભ થશે. દેશના જીડીપીમાં એક થી પોણા બે ટકા સુધીનો વધારો થશે અને તેને આપણે જંગી કહેશું તો પણ વાંધો નથી. આમ આદમીને તેનો કેટલો લાભ મળે છે તે જ મહત્વની બાબત છે અને તેના પર સરકારે સતત વોચ પણ રાખવી પડશે અને જો એમ નહીં થાય તો જીએસટીની આ આખેઆખી કસરત પાણીમાં જશે અને તેનો કોઈ હેતુ રહેશે નહીં. નાનાથી માંડીને મોટા વેપારીઓને હજુ પણ નવી વ્યવસ્થામાં શંકા છે. નવા ટેકસ સ્ટ્રકચરને સમજવામાં એમને મુશ્કેલી પડી રહી છે માટે તેને અનુપ સોફટવેર દરેક જગ્યાએ અપલોડ કરવા અને અન્ય તૈયારીઓ કરવી પણ આવશ્યક બની રહેશે.

print

Comments

comments

VOTING POLL