જૂના વીજળીના મીટરના સ્થાને લાગશે નવા સ્માર્ટ મીટર

August 12, 2017 at 11:24 am


સરકાર ટૂંકમાં જ તમારા ઘરના જૂના વીજળીના મીટર હટાવી શકે છે. જે રીતે સરકારે વીજળીના જૂના બલ્બની જગ્યાએ નવા એલઈડી બલ્બ પર કામ કર્યું છે તેવી જ રીતે હવે જૂના મીટર હટાવીને નવા સ્માર્ટ મીટર લગાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં જાણકારી આપી કે સરકાર વીજળીના સ્માર્ટ મીટરની કિંમતને 10 હજાર રૂપિયાથી ઘટાડીને એક હજાર રૂપિયા કરવાનો પ્રયત્ન કરી રહી છે. સ્માર્ટ મીટરની કિંમત ઘટાડ્યા બાદ સરકાર આ મીટરોને દરેક ઘર અને ઓફિસમાં લગાવી શકે છે.
ઉર્જા મંત્રીએ કહ્યું કે, આમ થવા પર એક બાજુ વીજળીની ચોરી પર અંકુશ લાગશે અને તો બીજી બાજુ વીજળીના વપરાશનું યોગ્ય રીડીંગ પણ મળી જશે. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, સ્માર્ટ મીટર સાથે છેડછાડ શક્ય નહીં હોય અને તેનાથી ઘર ઘરે જઈને વીજળીનું રીડિંગ લેવા માટે લાઈનમેનનું કામ પણ ખતમ થઈ જશે કારણ કે સ્માર્ટ મીટરથી રીડિંગ સીધા જ કોમ્પ્યુટરમાં આવી જશે. ઉર્જા મંત્રીએ કહ્યું કે, વીજળીના મીટર દેશમાં જ બનાવવામાં આવશે.
ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, જે રીતે સરકારે 300 રૂપિયાના એલઈડી બલ્બની કિંમત ઘટાડીને 40 રૂપિયા કરી છે તેવી જ રીતે 10,000 રૂપિયાના સ્માર્ટ મીટરની કિંમત ઘટાડીને પહેલા 2000-1500 રૂપિયા સુધી લઈ જશે અને બાદમાં 1000 રૂપિયાથી પણ નીચે લઈ જવાશે. ઉર્જ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર 2022 સુધી સમગ્ર દેશમાં વિદ્યુતિકરણનો ટાર્ગેટ મેળવી લશે.

print

Comments

comments

VOTING POLL