ટીમ ઈન્ડિયા: વખાણી ખીચડી દાઢે વળગી

January 10, 2018 at 7:12 pm


છેલ્લા 25-25 વર્ષથી સાઉથ આફ્રિકાની ધરતી પર પરાજયનો સામનો કરી રહેલી ટીમ ઈન્ડિયા આ વખતે આફ્રિકાને તેની જ ધરતી પર ધૂળ ચાટતું કરી દેશે તેવી આશા દેશના દરેક ક્રિકેટપ્રેમીઓ રાખીને બેઠા હતા પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં જ જે રીતે ટીમ ઈન્ડિયાનો પરાજય (શરમજનક પણ કહી શકાય કેમ કે ભારતને આ પ્રકારની આંચકાજનક હારની આદત નથી) થયો છે તેને જોતાં આગામી બે ટેસ્ટ મેચમાં ભારત જીતશે કે નહીં તેવો સવાલ અત્યારે દરેક ક્રિકેટ પ્રેમીના માનસમાં ઉઠી રહ્યો છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ ટેસ્ટમાં ચોથા જ દિવસે આખી ટીમ ઈન્ડિયા તંબુ ભેગી થઈ ગઈ હતી. આ પરાજય પાછળ આશ્ર્ચર્યની વાત તો એ રહી કે સાઉથ આફ્રિકાએ જેટલો લક્ષ્યાંક જીતવા માટે ભારતને આપ્યો હતો તેટલો સ્કોર તો કદાચ ભારતનો કોઈ એક બેટસમેન બનાવવા માટે સક્ષમ છે.

જો કે અત્યારે દરેક ક્રિકેટ પ્રેમીના મુખે એક જ શબ્દનો ગણગણાટ સાંભળવા મળે છે કે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સિંહ બનીને ત્રાડ નાખે છે પરંતુ જેવી ભારતની હદ પૂરી થાય છે કે આ સિંહની ત્રાડ શિયાળની લવારીમાં પરિવર્તિત થઈ જાય છે. આમ તો ક્રિકેટમાં હાર-જીત એ સિક્કાની બે બાજુ છે પરંતુ ટીમ ઈન્ડિયાનો જે પ્રકારે પરાજય થયો છે તેને જોતાં કદાચ કેપ્ટન કોહલીએ પણ ટીમ સાથે મનોમંથન કરવું રહ્યું તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.

ટીમ ઈન્ડિયાએ ઘર આંગણે આ જ આફ્રિકાની ટીમને ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં ન ભૂલી શકાય તેવો પરાજય આપ્યો છે તે વાત પણ સ્વીકારવી રહી પરંતુ ચેમ્પિયન એ ટીમને જ ગણી શકાય જે ઘરઆંગણે નહીં પરંતુ વિદેશમાં જઈને જીત મેળવે. ટીમ ઈન્ડિયાનો પરાજય શા માટે થયો તેના કારણો પર વિચાર કરવામાં આવે તો ભારતની ઓપનિંગ જોડી નિષ્ફળ ગયા બાદ મીડલ ઓર્ડર પણ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જતાં હરિફ બોલરો ભારત ઉપર હાવિ થઈ ગયા હતાં. ટીમ ઈન્ડિયાની ‘ધ વોલ’ ગણાતાં ચેતેશ્ર્વર પુજારા પણ આફ્રિકન ફાસ્ટ બોલરોની આગઝરતી બોલિંગ સામે ઝઝુમી રહ્યો હતો તે વાતને બિલકુલ નકારી શકાય તેવી નથી. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીનું બેટ પણ બન્ને ઈનિંગમાં શાંત રહ્યું જેને પણ ટીમ ઈન્ડિયાના પરાજય પાછળનું એક મોટું પરિબળ ગણી શકાય. દરેક શ્રેણીમાં જોખમ ઉઠાવવા માટે જાણીતા ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ આ વખતે રહાણેની જગ્યાએ રોહિત શમર્નિે રમાડવાનો જુગાર ખેલ્યો હતો પરંતુ આ જુગાર સફળ થયો નથી અને રોહિત શર્મા પણ બે ઈનિંગમાં માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. રહાણેનો વિદેશમાં શ્રેષ્ઠ રેકોર્ડ રહેલો છે તે વાતને નજરઅંદાજ કરીને શાસ્ત્રી-કોહલીની જોડીએ રોહિતને તક આપી તે વાત સવાલ ઉભા કરે છે. ભારતની હાર પાછળ ખેલાડીઓ જ નહીં પરંતુ કુદરતને પણ જવાબદાર ગણી શકાય. ત્રીજા દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ ત્યારબાદ પરિસ્થિતિઓમાં ઘણો ફેરફાર થયો અને તેનો ભારતની તુલનામાં દક્ષિણ આફ્રિકી બોલરોએ વધુ ફાયદો ઉઠાવ્યો હતો. સ્વિંગ અને બાઉન્સર ભારતના બેટસમેનો માટે અત્યંત મુશ્કેલ બની ગયા હતા. સૌથી મહત્ત્વપૂર્ણ ફેક્ટર એ પણ ગણી શકાય કે જ્યારે કોઈ ટીમ વિદેશમાં રમવા જાય ત્યારે ત્યાંની સ્થાનિક ટીમ સાથે એક કે બે મેચ રમી ત્યાંના વાતાવરણ અને પીચથી અનુકૂળ થાય છે પરંતુ વધુ પડતાં આત્મવિશ્ર્વાસને કારણે કોહલી એન્ડ ટીમે મેચ રમવાનું ટાળી સીધા ગ્રાઉન્ડ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.

print

Comments

comments

VOTING POLL