ડાંગમાં અતિભારે વરસાદ: 16 કોઝ-વે પાણીમાં ગરક

July 7, 2018 at 10:47 am


સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે પરંતુ મેઘરાજા આ વખતે દક્ષિણ ગુજરાતથી આગળ વધતા જ નથી અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં મેઘમહેર યથાવત ચાલુ રહી છે. ડાંગ જિલ્લામાં અનરાધાર અને જોરદાર વરસાદ પડવાના કારણે 16 કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મીંઢોળા, અંબિકા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને ઉપરવાસના ભારે વરસાદના કારણે ઉકઈ ડેમમાં નવા પાણીની જોરદાર આવક થવા પામી છે અને ડેમની સપાટી 251 ફૂટે પહોંચી ગઈ છે.
આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન સોનગઢમાં 9, વઘઈમાં 6, સાંગબારામાં 6, કપરાડામાં 3, વાંસદામાં 3, વ્યારામાં 3, ડોલવણમાં 3, માંડવીમાં 2, ડેડીયાપાળમાં 2, આહવામાં 1, સોજીત્રામાં 1, ખેર ગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તાપી, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી, સુરત, આણંદ, ખેડા, ભચ, મહિસાગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1થી 9 ઇંચ વરસાદ ખાબકયો છે. રાજ્યના કુલ 86 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાંથી માંડી નોંધપાત્ર વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે.
દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીરટરથી 5.8 કિલોમીટરની ઉંચાઈ પર અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરલ સુધીની દરિયાઈપટ્ટીમાં ઓફશોર ટ્રફ સર્જાયું છે જેના કારણે આગામા પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, દમણ દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસાર, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL