ડીજીપી નિમણૂંકની પીઆઇએલમાં પંચને પક્ષકાર બનાવવા હુકમ

November 14, 2017 at 11:54 am


ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી)ની કાયમી નિમણૂંક નહી થતી હોવાના મુદ્દે કરાયેલી અગત્યની જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે ચૂંટણીપંચને પક્ષકાર બનાવવા મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે.

ઉલ્લેખનીય છે કે, આ કેસની ગત સુનાવણીમાં સરકારપક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ગઇ છે અને તેથી હવે વહીવટી તમામ સત્તાઓ ચૂંટણી પંચ હસ્તક છે, તેથી સરકાર હાલના તબક્કે ડીજીપીની કાયમી નિમણૂંક કરી શકે તેમ નથી. પૂર્વ આઇપીએસ અને એડવોકેટ રાહુલ શર્મા દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજયના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જેવા મહત્વના હોદ્દા પર કાયમી નિમણૂંક કરવામાં આવતી નથી. જેના કારણે રાજયમાં પોલીસતંત્રની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સીધી અસરો પડી રહી છે. સરકાર દ્વારા હાલ ઇન્ચાર્જ ડીજીપીથી કામ ચલાવાઇ રહ્યું છે પરંતુ તે યોગ્ય ના કહી શકાય. બીજીબાજુ, પોલીસનું પણ મોરલ ડાઉન થઇ રહ્યું છે. ગત તા.૪-૪-૨૦૧૬ના રોજ પી.પી.પાંડેને ઇન્ચાર્જ ડીજીપી પદેથી હટાવાયા હતા., ત્યારબાદ ગીથા જાહરીને પણ ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો કાર્યભાર સોંપાયો છે.

પોલીસ એકટ-૨૦૦૭માં કાયમી ડીજીપીની નિમણૂંકની સ્પષ્ટ જાગવાઇ હોવાછતાં સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવી નથી રહ્યું., તેથી હાઇકોર્ટે રાજયમાં ડીજીપીની કાયમી નિમણૂંક કરવા સરકારને આદેશ કરવો જાઇએ.આ કેસમાં હાઇકોર્ટે સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવી જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે ગઇ મુદતમાં જણાવ્યું હતું કે, કાયમી ડીજીપીની નિમણૂંક મામલે સરકાર ગંભીર છે અને તેની પર વિચારણા ચાલી રહી છે પરંતુ હાલ વિધાનસભા ચૂંટણીને લઇ રાજયમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ગઇ હોઇ હવે સરકાર આ નિમણૂંક હાલ કરી શકે તેમ નથી કારણ કે, તમામ વહીવટી સત્તાઓ હવે ચૂંટણીપંચ હસ્તક થઇ ગઇ છે. સરકારની આ રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે ચૂંટણીપંચને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા નિર્દેશ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL