ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત વિરૂધ્ધ પિટિશન

May 16, 2018 at 1:51 pm


ધોરાજી નગરપાલિકાના પ્રમુખ દામજીભાઇ ભાસા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. શાસ્ત્રીએ અરજદાર દામજીભાઇને વચગાળાની રાહત આપતા તેમની વિરુદ્ધની દરખાસ્ત સામે સ્ટે ઓર્ડર આપી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. આ સમગ્ર પ્રકરણમાં દામજીભાઇએ એડવોકેટ સી.જે. ગોગદા મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે,ધોરાજી નગરપાલિકાની ચૂંટણી 19મી ફેબ્રુઆરી 2018ના રોજ યોજાઇ હતી. જેમાં વોર્ડ નંબર-બેમાંથી દામજીભાઇ ભાસા ચૂંટાઇ આવ્યા હતા. નગરપાલિકામાં કુલ નવ વોર્ડમાં ચાર-ચાર સભ્યો એમ કુલ 36 સભ્યો છે. જેમાં પ્રમુખપદનો હોદ્દો એસ.સી. માટે અનામત છે. કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવતાં 25મી ફેબ્રુઆરીએ પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ દામજીભાઇની પ્રમુખપદે નિમણૂક કરી હતી. ત્યારબાદ સમયાંતરે થતી બેઠકોમાં તમામ સભ્યો ઉપસ્થિત રહેતાં હતા. પાલિકામાં વિવિધ પેટા કમિટીઓ બનાવવામાં આવી હતી, જેથી તમામ કામકાજ યોગ્ય રીતે થઇ શકે. આ સમયગાળામાં અરજદાર પ્રમુખ સામે કે તેમની કાર્યવાહી કે વર્તણૂક સામે કોઇ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો કે કોઇ વિવાદ પણ થયો નહોતો.’.
વધુમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,કોઇ પણ બેઠકમાં પ્રમુખ વિરુદ્ધ કોઇ ફરિયાદ સભ્યોએ ઉ્ઠાવી નહોતી. પરંતુ એકાએક સાતમી મે 2018ના રોજ એક સભ્યએ દામજીભાઇ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ મનસ્વી રીતે વર્તણૂક કરે છે. જે અવિશ્વાસની દરખાસ્ત તેમણે કલેક્ટર, મામલતદાર સહિત અન્યોને મોકલી આપી હતી. ચૂંટાયેલા સભ્યોની પ્રમુખ વિરુદ્ધની આ કાર્યવાહી લોકશાહીના સિદ્ધાંતોથી વિપરીત હોઇ તે રદબાતલ ઠેરવવાને પાત્ર છે.’ .
આ કેસમાં હાલમાં જ હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા ગામના સરપંચ અને તાલુકા પ્રમુખના કેસમાં આપેલા સીમાચિહ્ન રૂપ ચુકાદાને પણ ટાંકવામાં આવ્યો છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,લોકશાહીના જતન માટે પણ પ્રમુખ પદે ચૂંટાયેલાની કેટલીક સમય મયર્દિા હોવી આવશ્યક છે. હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા કાયદાકીય જોગવાઇઓમાં સુધારો કરીને ઠેરવવામાં આવ્યું હતું કે ગામના સરપંચ સામે એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં. જ્યારે કે તાલુકા પંચાયતના પ્રમુખ સામે છ મહિના સુધી આવી દરખાસ્ત લાવી શકાય નહીં. આ કાયદો અને સિદ્ધાંત પ્રસ્તુત કેસમાં પણ લાગુ પડે અને એના આધારે અરજદાર પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ગેરકાયદેસર ઠેરવીને રદબાતલ કરવાનો આદેશ કરવો જોઇએ.’રિટમાં એવી દાદ માગવામાં આવી છે કે,અરજદાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તને રદબાતલ ઠેરવવી જોઇએ અને તેને બંધારણના આર્ટિકલ 14 અને 16નો ભંગ કરતો હોવાનું ઠેરવવામાં આવે. ગુજરાત મ્યુનિસિપાલ્ટી એક્ટની જોગવાઇઓથી પણ વિપરીત ગણવામાં આવે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખને આ પ્રક્રિયા થકી હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરતા પ્રતિવાદીઓને અટકાવવામાં આવે.’.

print

Comments

comments

VOTING POLL