નવરાત્રી વેકેશનને કારણે શાળામાં ત્રણ દિવસનો શૈક્ષણિક કાપ

August 17, 2018 at 11:40 am


રાજ્યની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવરાત્રી વેકેશનની જાહેરાત બાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસોમાં કાપ ન મૂકાય તે રીતે એકેડેમિક કેલેન્ડર તૈયાર કરવામાં આવનાર હતું. જોકે, બોર્ડે જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યના 3 દિવસો ઘટ્યા છે. અગાઉના કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન 247 દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. જોકે, નવરાત્રી વેકેશનના બદલે ફેરબદલ કરાયેલા કેલેન્ડર પ્રમાણે 244 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે. નવા કેલેન્ડર પ્રમાણે પણ પરીક્ષાની તારીખ અને કુલ રજાઓમાં કોઈ ફેરફાર થયો નથી. .
બોર્ડે અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર બાદ રાજ્ય સરકારે શાળાઓમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરી હતી. આ વખતથી 8 દિવસનું નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે. આથી શૈક્ષણિક દિવસોમાં 3 દિવસનો કાપ મૂકાયો છે. અગાઉ પ્રથમ સત્રમાં 116 દિવસ અને બીજા સત્રમાં 131 દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. તેના બદલે હવે પ્રથમ સત્રમાં 109 દિવસ અને બીજા સત્રમાં 135 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, 247ના બદલે હવે 244 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. .
નવરાત્રી વેકેશન 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી 8 દિવસ, દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી 13 દિવસ અને ઉનાળુ વેકેશન 6 મેથી 9 જુન સુધી 35 દિવસ મળી કુલ ત્રણ વેકેશનના 56 દિવસ રજાના રહેશે. ઉપરાંત, 24 રજામાં 19 જાહેર રજા અને 5 સ્થાનિક રજાનો સમાવેશ થાય છે. આમ, કુલ 80 રજા રહેશે. અગાઉના કેલેન્ડર પ્રમાણે જાહેર રજા 17 હતી, જેમાં દિવાળી વેકેશન ટૂંકાતા 21 નવેમ્બરના રોજ ઇદે મિલાદ અને 23 નવેમ્બરના રોજ ગુરુનાનક જયંતીની રજા આપવામાં આવશે. જ્યારે સ્થાનિક રજા 7 હતી તે ઘટાડીને 5 કરી દેવામાં આવી છે. પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર નથી. 19 ઓક્ટોબરથી શાળાઓમાં પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. 28 જાન્યુઆરીથી દ્વિતીય કસોટી શરૂ થશે. ધો.10 અને 12ની સ્થાનિક પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. બોર્ડની પરીક્ષાઓ 7 માર્ચથી શરૂ થશે. શાળાઓની વાર્ષિક પરીક્ષા 8 એપ્રિલથી શરૂ કરાશે..

print

Comments

comments

VOTING POLL