નીતિશકુમારનું શાણપણ

May 19, 2017 at 7:29 pm


આગામી લોકસભાની ચૂંટણીમાં બધા વિરોધ પક્ષ એક થશે કે કેમ તે હજુ નક્કી નથી તેવા સમયે વિપક્ષી મોરચાના નેતા તરીકે સૌથી ચચર્યિેલું નામ બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારનું હતું. પરંતુ, હવે નીતિશ કુમારે સ્પષ્ટ કરી દીધું છે કે પોતે 2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાષ્ટ્રીય સ્તરે હોડમાં નથી. નીતિશકુમારે સ્પષ્ટ ઇશારો આપ્યો છે કે તેઓ હાલ બિહારની ગાદી સંભાળીને જ બેસી રહેશે. નીતિશે તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માટેના પ્રયાસોને ખુલ્લો ટેકો આપવાને બદલે ભાજપ સર્વસંમત ઉમેદવાર માટે પ્રયાસ કરે એવું કહી નરમ વલણ દાખવ્યું છે.
નીતિશકુમાર નોટબંધીને ટેકો જાહેર કર્યો તે પછી તેમના અને ભાજપ વચ્ચેનું અંતર ઝડપભેર ઘટી રહ્યું છે અને બીજી તરફ લાલુપ્રસાદ યાદવના પરિવાર સામે તાજેતરમાં થયેલા ભ્રષ્ટાચારના નવા આરોપો બાદ તેમના અને લાલુ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ સંદર્ભમાં જોતાં નીતિશકુમાર રાબેતા મુજબ ચેક એન્ડ બેલેન્સની તેમની જૂની રમત રમી રહ્યા છે. નીતિશકુમારનું આ વિધાન કહેવાતા વિપક્ષી મોરચા માટે ભારે ફટકાજનક છે. આમ તો દેશમાં સૌથી મોટા અને સૌથી જૂના વિપક્ષ તરીકે કોંગ્રેસના નેતા જ કોઇપણ વિપક્ષી મોરચાના નેતા થવા મથે પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આવી કોઇ જ ક્ષમતા હજુ સુધી દાખવી નથી. ઉલ્ટાનું યુપી તથા બિહારની પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં જોવાયું છે તેમ કોંગ્રેસ મુખ્ય વિપક્ષને બદલે બળવાન પ્રાદેશિક પક્ષ સાથે ગૌણ ભૂમિકા જ ભજવતી રહી છે.

કોંગ્રેસ સિવાયના પક્ષોમાંથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગાજે છે સૌથી વધારે પરંતુ પંજાબ અને ગોવામાં હાર ઉપરાંત તેમના ગઢ દિલ્હીમાં પણ તેમનો જનાધાર ઘટી રહ્યો છે. ઉપરાંત, તાજેતરમાં તેમની સામે લાગેલા ભ્રષ્ટાચારના નવા આરોપોથી તેમનાં રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે. એમ તો બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને પણ રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વનાં સપ્નાં આવે છે પરંતુ વાસ્તવમાં બંગાળની બહાર કોઇ તેમને ઓળખતું નથી અને ખુદ બંગાળમાં પણ ભાજપ્નાં વધતાં આક્રમણના કારણે તેમણે પોતાની રાજ્યની ગાદી સંભાળવામાં જ વધુ મહેનત કરવી પડશે એ નક્કી છે.

નીતિશકુમારે જે શાણપણ દાખવ્યું છે તે બિજેડીના નેતા નવિન પટનાયક વર્ષો પહેલાં દાખવી ચૂક્યા છે અને રાષ્ટ્રીય રાજકારણમાં વધારે ચંચુપાત કરવાને બદલે ઓરિસ્સાનું પોતાનું ઘર સંભાળી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જોવાયું તેમ હવે આપણે ત્યાં પણ ચૂંટણીઓ અમેરિકી પ્રમુખની ચૂંટણીની જેમ મુદ્દા કે પક્ષ કેન્દ્રિત ઓછી અને વ્યક્તિ કેન્દ્રિત વધારે થતી જાય છે. આવાં વ્યક્તિકેન્દ્રી જંગમાં જો વિપક્ષો કોઇ મજબૂત ચહેરો રજૂ ના કરી શકતા હોય તો અગાઉ જમ્મુ અને કાશ્મીરના માજી મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું તેમ તેમણે 2019 નહીં પણ 2024ના જંગ માટે જ તૈયારી કરવી પડશે.

print

Comments

comments

VOTING POLL