નીતિ આયોગનું સપનું વાસ્તવિકતાથી દૂર

May 15, 2017 at 6:52 pm


માત્ર 13 વર્ષના સમયગાળામાં દેશને પેટ્રોલ-ડીઝલ કારમુક્ત કરવાની દિશામાં નીતિ આયોગ આગળ વધ્યું છે. સરકારને સોંપેલા એક અહેવાલમાં નીતિ આયોગે સૂચવ્યું છે કે અત્યારે લોકો પોતાની મરજી મુજબ જોઇએ તેવી અને જોઇએ તેટલી પેટ્રોલ કે ડીઝલથી દોડતી કાર ખરીદી લે છે તે બંધ થવું જોઇએ અને હવે આ કારોનું રજિસ્ટ્રેશન માત્ર લોટરી આધારીત થવું જોઇએ. મતલબ કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોમાં પણ ક્વોટા રાજના જમાના જૂના દિવસો પાછા આવવા જોઇએ. આવું કરવાનું કારણ શું? તો નીતિ આયોગ પાસે તેનો રૂપાળો તર્ક છે. નીતિ આયોગ કહે છે કે માનો યા ના માનો પણ હવે ઇલેક્ટ્રિક કારનું જ ભવિષ્ય છે.

2030 સુધીમાં ભારતે પેટ્રોલ-ડીઝલથી ચાલતી તમામ પ્રાઇવેટ કારને સ્ક્રેપ કરી દઇ માત્રને માત્ર ઇલેક્ટ્રિક કાર જ રસ્તા પર દોડાવવાની મંજૂરી આપવી જોઇએ. આવું થાય તો ક્રૂડની આયાત પાછળ ભારત 60 અબજ ડોલર બચાવી શકશે અને એટલું જ નહીં પરંતુ ભારતના વાતાવરણમાં એક ગીગાટન કાર્બન પણ છોડાતો બચાવી શકાશે. નીતિ આયોગની વિચારણા વ્યાજબી તો છે પરંતુ તે રસ્તા પરની વાસ્તવિકતાઓથી જોજનો દૂર છે.
ભારતમાં હજુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનાં સરખાં ઠેકાણાં નથી. અમદાવાદ જેવાં શહેરોમાં સિટી બસ સેવા મહાપરાણે ચાલે છે, બીઆરટીએસમાં ખાતર પર દિવેલ જેવા ખચર્િ થાય છે, એસટી મરવાના વાંકે જીવે છે આથી નાછૂટકે લોકો પ્રાઇવેટ કાર દ્વારા પરિવહન વધારી રહ્યા છે. તેવામાં પ્રાઇવેટ કારોનાં રજિસ્ટ્રેશન પર કાપ મૂકી દેવાથી ભારે અંધાધૂંધી સર્જાઇ શકે તેમ છે. બીજું કે પેટ્રોલ-ડીઝલના સ્થાને માત્ર ઇલેક્ટ્રિક કારો જ દોડાવવાથી જાદૂઇ છડીની જેમ પ્રદૂષણ ઘટી જશે તેવું માનવું અઘરું છે કારણ કે આ ઇલેક્ટ્રિક કારો દોડાવવા માટે ચાર્જીંગ સ્ટેશન્સનું મસમોટું નેટવર્ક જોઇશે. આ ચાર્જિંગ સ્ટેશન્સને મબલખ વીજ પુરવઠો જોઇશે અને ભારતમાં હજુ પણ મોટાભાગનું વીજ ઉત્પાદન થર્મલ આધારિત છે. વીજ ઉત્પાદનના પણ પોતાના પ્રદૂષણના પ્રશ્નો તો છે જ.

નીતિ આયોગમાં વાતોનાં વડાં કરવાને બદલે સરકાર જાહેર કરે કે કેન્દ્ર અને રાજ્યોના તમામ પ્રધાનો, અધિકારીઓની સરકારી ગાડીઓ તથા અન્ય તમામ પ્રકારનાં સરકારી વાહનોમાં માત્રને માત્ર ઇલેક્ટ્રિક કારનો જ ઉપયોગ શરૂ કરાશે. એ સિવાય રાજકીય પક્ષોએ પણ પેટ્રોલ-ડીઝલની કારોનો ઉપયોગ બંધ કરી માત્ર ઇલેક્ટ્રિક કારોનો વપરાશ શરૂ કરવો જોઇએ.

print

Comments

comments

VOTING POLL