પતગં ભલે ઉડાડો… સાથોસાથ પક્ષીઓનું પણ ધ્યાન રાખજો: જેઠાલાલ

January 11, 2017 at 2:42 pm


મકરસંક્રાંતિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને પોરબંદરના જળપ્લાવિત વિસ્તારો આસપાસ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત પક્ષીઓને નવજીવન આપવા માટે ગ્રીનવાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના યુવાનો દિવસ–રાત જોયા વગર નિ:સ્વાર્થભાવે સતત દોડધામ કરી રહ્યા છે ત્યારે તેઓને બિરદાવીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ કલાકાર દિલીપ જોશીએ પોરબંદરવાસીઓને મકરસંક્રાંતિના પર્વે પતગં ઉડાડવાની મોજમજા માણવાની સાથોસાથ પક્ષી બચાવવાની હાકલ કરીને ઈજાગ્રસ્ત પક્ષી બચાવવા માટે ગ્રીન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીનો સંપર્ક સાધવા અપીલ કરી છે.
મુળ પોરબંદર નજીકના ગોસા ગામના તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દ્રારા દુનિયા આખીમાં કરોડો ચાહકો ધરાવતા દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલે મકરસંક્રાતિની સૌ ગુજરાતીઓને શુભેચ્છાઓ આપવાની સાથોસાથ પોરબંદરમાં પક્ષી બચાવતા યુવાનોની સંસ્થા ગ્રીન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીની સેવા પ્રવૃત્તિઓને બિરદાવીને એવું જણાવ્યું છે કે, સંસ્થાના યુવાનો ચિરાગ ટાંક અને પરેશ પિત્રોડા સહિતની ટીમ મકરસંક્રાંતિના પર્વને ઉજવવાને બદલે પોતે ઈજાગ્રસ્ત પક્ષીઓને પક્ષી અભ્યારણ્ય પર પહોંચાડવાની ઉમદા સેવા આપે છે અને આ પ્રવૃતિ તેઓના દ્રારા બારેમાસ ચાલુ રહે છે. ત્યારે પક્ષી બચાવવાના તેમના આ અભિયાનમાં પોરબંદર જિલ્લાવાસીઓ પણ સહયોગ આપે તે જરૂરી છે. તેમણે ગ્રીન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના બ્રાન્ડ એમ્બેસેડર બની ‘પક્ષી બચાવો અભિયાન’ માં જોડાવવા હાકલ કરીને જણાવ્યું છે કે ”મકરસંક્રાંતિનું પર્વ આવ્યું છે અને આપણે સૌ ઉત્સાહ અને ઉમંગથી પતંગને ઉડાડીએ છીએ પણ તેની સાથોસાથ પક્ષીઓને નુકસાન ન પહોંચે અને તેઓ ઈજાગ્રસ્ત બને નહીં તે માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. તે માટે જો બની શકે તો સવારે ૬ થી ૯ અને સાંજે ૫ થી ૮ દરમિયાન પતગં ઉડાડવી જોઈએ નહીં.
આ સમય એવો છે કે ત્યારે પક્ષીઓ માળામાંથી બહાર જાય છે અને પરત ફરે છે તો એ સમય દરમિયાન આપણે જો પતગં ન ચગાવીએ તો ઘણું સારૂં કહેવાય. તેમ છતાં પણ આપની નજરમાં જો કોઈ ઘાયલ પક્ષી આવે તો સંસ્થાનો સંપર્ક સાધવો. તેમની ટીમ આવા ઘાયલ પક્ષીઓને સાજા કરીને આકાશમાં ફરી ઉડતા કરે છે ત્યારે તેમના આ આયોજનમાં સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે. ” તેવી જાણીતા કલાકાર દિલીપ જોષીએ પોરબંદરવાસીઓને અપીલ કરી છે.

print

Comments

comments

VOTING POLL