પહેલી વાર ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે મરાઠા મંદિરમાં

August 28, 2017 at 6:33 pm


તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પહેલા પાંચસો એપિસોડના ડિરેક્ટર ધર્મેશ મહેતા અને ટપુના કેરેક્ટરથી કરીઅરની શરૂઆત કરનારા ભવ્ય ગાંધીની પહેલી ફિલ્મ ‘પાપા તમને નહીં સમજાય’ને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ રહી છે. ફિલ્મનો સબ્જેક્ટ, એની ટ્રીટમેન્ટ અને કલાકારોની ઍક્ટિંગ જોઈને નક્કી કરવામાં આવ્યું છે કે આવતા શુક્રવારથી આ ફિલ્મ મુંબઈ સેન્ટ્રલના દંતકથા સમાન થિયેટર મરાઠા મંદિરમાં રિલીઝ કરવામાં આવશે. મુંબઈના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે કોઈ ગુજરાતી ફિલ્મ મરાઠા મંદિરમાં રિલીઝ થઈ હોય. મરાઠા મંદિરના મેનેજિંગ ડિરેક્ટર મનોજ દેસાઈએ જ સામેથી આ નિર્ણય લીધો હતો અને તેમણે ડિરેક્ટર ધર્મેશ મહેતાને ફોન કરીને પોતાનો નિર્ણય કહ્યો હતો. મનોજ દેસાઈએ મિડ-ડેને કહ્યું હતું કે ફિલ્મને આટલો સરસ રિસ્પોન્સ છે ત્યારે સાઉથ મુંબઈના ગુજરાતીઓ માટે આ નિર્ણય લીધો છે. પહેલી વખત એવું બનશે કે મરાઠા મંદિરની સ્ક્રીન પર કોઈ રીજનલ ફિલ્મ દેખાઈ હોય.

બાંદરામાં આવેલા જી-7 મલ્ટિપ્લેક્સના ગ્લેમર નામના થિયેટરમાં મનોજ દેસાઈએ તમને નહીં સમજાય એક શોથી રિલીઝ કરી હતી, જેનો પહેલા જ દિવસે જબરદસ્ત રિસ્પોન્સ જોઈને એકને બદલે ત્રણ શો કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ બધા શો પણ હાઉસફુલ રહેતાં ફાઇનલી ફિલ્મ મરાઠા મંદિરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા કહે છે, મરાઠા મંદિરમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય એ ઑબ્વિયસલી ગર્વની વાત છે. જે થિયેટરની બહાર ઊભા રહીને બોલીવુડની બેસ્ટ ફિલ્મોના પ્રીમિયરમાં આવતા સ્ટાર્સને જોયા હોય એ જ થિયેટરમાં તમારી ફિલ્મ રિલીઝ થાય અને એ પણ માતૃભાષામાં બનેલી ફિલ્મ, એનાથી ખુશીની બીજી કોઈ મોટી વાત હોય નહીં.
‘પાપા તમને નહીં સમજાય’ ફાધર-સનની સ્ટોરી છે. ખોટા રસ્તે આગળ વધી રહેલા દીકરાને સાચા રસ્તે લાવવા માટે અને બાપ-દીકરા વચ્ચે આવતા જતા જનરેશન-ગેપ્ને દૂર કરવા માટે ફાધર કેવી જહેમત ઉઠાવે છે એ ફિલ્મમાં દશર્વિવામાં આવ્યું છે. ભવ્ય ગાંધી ઉપરાંત ફિલ્મમાં મનોજ જોષી, કેતકી દવે અને જોની લીવર મહત્વની ભૂમિકામાં છે.

print

Comments

comments

VOTING POLL