પાક.ને ફરી ભારતનો તમાચો: ઈસ્લામાબાદમાં યોજાનારી સાર્ક સમિટમાં ભાગ નહીં લ્યે

April 25, 2018 at 11:00 am


ભારત ચાલુ વર્ષે યોજાનારી 20મી સાર્ક સમિટની બેઠકનો પણ બહિષ્કાર કરશે તે લગભગ નિશ્ર્ચિત છે. આ વખતે સાર્કની આ સમિટ ઈસ્લામાબાદમાં યોજાવાની છે અને ભારત તેમાં ભાગ લેશે નહીં અને પોતાનું વલણ યથાવત રાખશે.
બે વર્ષ પહેલાં ભારતે રાજદ્વારી સંબંધોનો છેદ ઉડાડી દઈને સાર્કની બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને એમ કહ્યું હતું કે આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં અને ભારતે પોતાનું આ વલણ હજુ પણ યથાવત રાખ્યું છે.
પાકિસ્તાને સાર્કનું આયોજન કરવા માટે દક્ષિણ એશિયન દેશોનો સપોર્ટ માગ્યો હતો અને તેને નેપાળ તેમજ શ્રીલંકાએ ટેકો આપી દીધો છે પરંતુ ભારત આ વર્ષે યોજાનારી સાર્કની 20મી સમિટમાં પણ હાજર રહેશે નહીં તે લગભગ નક્કી માનવામાં આવે છે.
2016માં પઠાણકોટ અને ઉરીમાં આતંકી હમલા બાદ ભારતે સાર્ક સમિટનો બહિષ્કાર કર્યો હતો અને તે પણ પાકિસ્તાન દ્વારા યોજાઈ હતી. સાર્કમાં આઠ દેશોનો સમાવેશ છે જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ઈન્ડિયા, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દર 18 મહિને સાર્કની બેઠક દક્ષિણ એશિયાના કોઈ એક દેશમાં યોજાય છે અને ચાલુ વર્ષે ઈસ્લામાબાદમાં સાર્કની સમિટ મળવાની છે ત્યારે ભારતે તેમાં હાજર નહીં રહેવાનું નક્કી કરી લીધું છે. જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત બાકી છે. પાકિસ્તાન તરફ પોતાની નારાજગી ભારતે ચાલું જ રાખી છે અને સાર્કમાં હાજર નહીં રહેવાથી પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસોને પણ મોટો ફટકો પડશે તેમ માનવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL