પાણીની કટોકટીને પગલે ખેડૂતોને ઉનાળુ પાક ન લેવાની મુખ્યમંત્રીની અપીલ

February 3, 2018 at 12:13 pm


રાજ્યમાં ઊનાળો ચાલુ થાય તે પહેલા જ પાણીની તંગી જોવા મળી રહી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ ખેડુતોને ઉનાળામાં પાક ન લેવા અપીલ કરી છે. મુખ્યમંત્રીના આવા નિવેદનથી રાજ્યભરના ખેડૂતો નારાજ થયા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં એજ્યુકેશન ફેરમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડેમમાં પાણી ઓછું હોવાથી ઉનાળુ પાક માટે ખેડૂતોને પાણી અપાશે નહિ. નર્મદાના પાણી પર રાજ્યના ૧૦ હજારથી પણ વધુ ગામડા અને ૧૬૭ જેટલા નગરોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ઉનાળુ પાક ખેડૂતો ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજય સરકારે ચોમાસું અને શિયાળું પાક માટે પાણી આપ્યું હતું અને શિયાળું પાક પર કોઇ અસર ન પડે તેટલા માટે ઉનાળામાં પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે. નર્મદાના પાણીની પ્રથમ પ્રાથમિકતા પીવાના પાણીની છે, જેથી નર્મદાના પાણીનો ઉપયોગ પીવામાં થશે. પાણી કાપ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકનુ વાવેતર ન કરવાની સલાહ છે. ગુજરાતના ખેડુતોને ઉનાળા દરમિયાન નર્મદાનુ પાણી નહી મળે. ૨૦ વર્ષમાં એકાદ વખત આવી સ્થિતિ આવી છે, જેથી આ નિર્ણયથી આપણે પાર પડવાનું છે. જેમાં દિવસમાં ૩૦ હજાર ક્યુસેક પાણી આવે છે, પરંતુ ચોમાસા બાદ ઓછા વરસાદને કારણે ગુજરાતમાં આવતુ પાણી હવે ૧૮૦૦ થી ૩૦૦૦ ક્યુસેક થયુ છે,બીજીબાજું ખેડૂતોને ચોમાસુ, શિયાળું પાક માટે પાણીની જાવક ચાલુ છે. હવે નર્મદા ડેમમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ કહ્યું કે, આ સરકાર ખેડૂતોને અન્યાય કરતી આવી છે. આ પહેલા પણ તેમના મંત્રી કહી ચૂક્યા છે કે કોને પૂછી મગફળી વાવી. તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો હવાલો આપી પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિવાદાસ્પદ નિવેદન સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોને ઉનાળામાં વાવેતર ન કરવા માટે સામેના નિવેદનથી ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે ચિંતિત બન્યા છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ૧ ફેબ્રુઆરીએ જાહેર થયેલા બજેટમાં સરકારે ખેડૂતોને તેમના પાકના વધુ ભાવ આપવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ બીજેપી શાસિત રાજ્ય એવા ગુજરાતમાં ખેડુતોને ઉનાળુ પાક ન કરવાની સલાહ આપી છે.

print

Comments

comments

VOTING POLL