પોરબંદરના માચ્છીમારો સરકાર સામે ઉગ્ર આંદોલનના મંડાણ કરશે

February 12, 2018 at 1:29 pm


પોરબંદરમાં પીલાણા (નાની હોડી) ધરાવતા માચ્છીમારોની બેઠક યોજાતા સરકાર દ્રારા મન પડે તેવા પરિપત્રોના આધારે માચ્છીમારોને હેરાન–પરેશાન કરવાનું શરૂ કર્યું હોવાથી સરકાર સામે ઉગ્ર આંદોલનના મંડાણ માટેની બેઠક યોજાઈ હતી.
શ્રી પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશનના નેજા નીચે યોજવામાં આવેલ બેઠકમાં તેના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી, બોટ એસો. ના પ્રમુખ ભરતભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાત સરકાર તરફથી નાની પીલાણા–હોડીઓને કોંગ્રેસ સરકારના સમયથી કેરોસીન ઉપર સહાય ચૂકવવામાં આવતી હતી. ત્યારે માચ્છીમારી હોડી દીઠ માસિક ૨૫૦ લીટર કેરોસીન નિયમીત રીતે આપવામાં આવતું હતું. પરંતુ યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી માચ્છીમારોને અનેક નવા નિયમો બનાવી હેરાન–પરેશાન કરવાનું ચાલુ છે. માચ્છીમારોને જે ૨૫૦ લીટર કેરોસીન આપવાનું કોંગ્રેસ સરકાર વખતે નક્કી થયેલ હતું તેમાં વારંવાર ફેરબદલ કરી છેલ્લે માસિક ફકત ૩૪ લીટર કેરોસીન આપવામાં આવતું હતું.
જેનો તમામ ગુજરાતના માચ્છીમારો દ્રારા વિરોધ કરી કેરોસીન જથ્થો વધારવા ઉગ્ર માંગ કરતા સરકારનો મત્સ્યોધોગ વિભાગે માસિક ૧૫૦ લીટર જથ્થો વધારેલ પણ તેમાં અનેક ફેરફાર કરી જુની કેરોસીન વિતરણ પ્રથા કે જેમાં સ્થાનિક કેરોસીન વિક્રેતાઓને વ્યવસ્થિત રીતે પીલાણાને બંદર ઉપર દિવસ–રાત જોયા વિના કે તહેવારો જોયા વિના ઉધાર ઉપર કેરોસીન જથ્થો આપતા હતા. તેમાં સરકાર દ્રારા અનેક વખત ફેરફાર કરી મનઘડત રીતે માચ્છીમારોને હેરાન કરવાના ઈરાદે અને તમામ માચ્છીમારો જાણે ચોર હોય તેમ કેરોસીન વિતરણ નીતિમાં ફેરબદલ કરી જી.એફ.સી.સી. ના પંપો ઉપરથી રોકડેથી કેરોસીન લેવાનું અને ખરીદી કરેલ કેરોસીનનાં બીલો ફિશરીઝમાં જમા કરાવ્યા બાદ જ માચ્છીમારોના ખાતામાં કેરોસીન સહાય જમા કરાવવાનો ફતવો બહાર પાડેલ છે, જે સામે પીલાણાનાં નાના માચ્છીમારોએ ઉગ્ર વિરોધ દર્શાવી જણાવેલ કે, સરકારની આ નીતિ માચ્છીમારોને ભૂખ ભેગા કરી દેશે.
મોટી બોટોને પહેલા ડીઝલ ખરીદીની સહાય પપં ઉપરથી કાપીને ચૂકવવામાં આવતી હતી તેમાં પણ હવે ડીઝલ ખરીદીનાં બીલો ફિશરીઝમાં જમા કરાવ્યા બાદ વેટ રીફડં યોજના અમલમાં મૂકી હતી, જે સદંતર નિષ્ફળ ગઈ અને બોટમાલિકોના વેટ રીફંડના કરોડો રૂપીયા સરકાર ચૂકવી શકતી નથી. ત્યારે નાના પીલાણાને આપવામાં આવતા કેરોસીન વિતરણમાં પણ આ નીતિના ફરજીયાત અમલ સામે ગુજરાતભરના નાના પીલાણા ધરાવતા માચ્છીમારો દ્રારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને છેલ્લા બે મહિનાથી નાના પીલાણાના માચ્છીમારોને કેરોસીન ફાળવણું મત્સ્યોધોગ વિભાગ તરફથી કરવામાં નહીં આવતા હજારો નાની હોડીનાં માચ્છીમારો ધંધા વગરના બેકાર બેસી રહ્યા છે.
સરકારની આ નીતિ બદલી જુના નિયમો પ્રમાણે જ કેરોસીન વિતરણ કરવું તેવી માંગ સાથે પંદર દિવસ પહેલા પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશન, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન તેમજ કેરોસીન વિક્રેતાઓ દ્રારા ગાંધીનગર ખાતે મત્સ્યોધોગ મંત્રી આર.સી. ફળદુ, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, ફિશરીઝ કમીશનર વગેરેને ઉગ્ર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. જેથી પોરબંદર, સુભાષનગર, નવીબંદર, મીંયાણી વગેરે ગામના હજારો માચ્છીમારો દ્રારા પોરબંદરના ખારવાવાડમાં આવેલા સાગર ભુવન ખાતે એક વિશાળ મીટીંગ યોજાઈ હતી. તેમાં સરકારના આ ફતવા સામે માચ્છીમારોએ ઉગ્ર આક્રોશ વ્યકત કરી જો આ પ્રશ્નનો વહેલો ઉકેલ કરવામાં નહીં આવે તો થોડા દિવસમાં ગુજરાતભરના તમામ નાના–મોટા બંદરો ઉપરના પીલાણા માલિકોનું વિશાળ જનઆંદોલન ઉભું કરવા તેમજ સરકારની માચ્છીમાર વિરોધી નીતિ સામે તમામ પીલાણા માલિકોએ એકીઅવાજે સૂર વ્યકત કરી માચ્છીમારી બંધ, રેલી, ધરણા જેવા ઉગ્ર આંદોલનનું એકીઅવાજે હાથ ઉંચા કરી તમામ માચ્છીમારોએ સમર્થન જાહેર કરેલ છે.
આ મીટીંગમાં પોરબંદર ખારવા જ્ઞાતિના ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ બી. જુંગી તેમજ પંચ–પટેલો, પોરબંદર બોટ એસોસીએશન પ્રમુખ ભરતભાઈ મોદી તેમજ કમીટી સભ્યો, નવીબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ મોહનભાઈ ભુતિયા, પોરબંદર બોટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વેલુભાઈ મોતીવરસ, જીવનભાઈજુંગી, પીલાણા એસોસીએશન પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ કમીટી સભ્યો, પીલાણા એસોસીએશન પૂર્વ પ્રમુખ ધનજીભાઈ બાદરશાહી તેમજ દરેક બંદરના માચ્છીમાર આગેવાનો અને વિશાળ સંખ્યામાં પીલાણા તેમજ બોટમાલિકો હાજર રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL