પોસ્ટ ઓફિસમાં ચોકીદારની હત્યા કરી એ જ રાત્રે લૂંટાઓએ રિક્ષા ઉઠાવી હતી

August 11, 2017 at 3:55 pm


સદર વિસ્તારના હરિહર ચોક પાસે હેડ પોસ્ટ ઓફિસના ચોકીદાર ભરતસિંહ જાડેજાની ગળુ કાપીને કરવામાં આવેલી હત્યામાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, લૂંટના ઈરાદે ત્રાટકેલી ટોળકીએ બે ચોરાઉ સિલિન્ડર તથા ગેસ કટરનો સામાન લાવવા માટે પણ ચોરેલી રિક્ષા ઉપયોગમાં લીધી હોવાનું સામે આવ્યું હતું. બનાવ બન્યો એ જ રાત્રે આ રિક્ષા હત્યારાઓએ વીરમાયા પ્લોટમાંથી ઉઠાવી હતી.
બુધવારે સવારે પ્રકાશમાં આવેલી આ ચકચારી હત્યામાં શહેર પોલીસને હજી સુધી કોઈ મજબૂત કડી મળી નથી એટલે સાયબર ક્રાઈમના ગુના ઉકેલતી ટેકનિકલ સેલની મદ મેળવવામાં આવતા ટેકનિકલ સેલે પણ વિવિધ રીતે ગુનેગારોનું પગેરું શોધવા તપાસમાં ઝંપલાવી લીધું છે.

બીજીબાજુ આ ચકચારી પ્રકરણમાં ઘાતકી ટોળકીએ પોસ્ટ ઓફિસના તાળા અને તિજોરી તોડવા વાપરેલા બે ગેસ સિલિન્ડર તથા ગેસ કટર ચોરાઉ હોવાનું ખુલતા એ ડીવીઝન પોલીસે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં વેલ્ડિંગની કેબિન ચલાવતા મહેશ મગન વની ફરિયાદ આધારે ગઈકાલે ચોરીનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ બહમાળી ભવન પાસેથી હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી રિક્ષા પણ મળી આવતા પ્રતાપ હિરાભાઈ ચાવડા રહે.વીરમાયા પ્લોટની ફરિયાદ આધારે રિક્ષાની ચોરીનો પણ ગુનો પ્ર.નગર પોલીસમાં નોંધવામાં આવ્યો હતો. મંગળ-બુધવારની રાત્રે જ ટોળકીએ આ રિક્ષા ઉઠાવી હતી. બાદમાં આ રિક્ષા બિનવારસુ હાલતમાં મળી આવી હતી.

ચબરાક ગેંગે પોસ્ટ ઓફિસમાંથી લૂંટ કરવા માટે પાકેપાયે આયોજન કર્યુ હતું. ચોરાઉ સાધનો અને ચોરાઉ રિક્ષાનો ઉપયોગ પણ એટલે જ કર્યો કે, આ મુદામાલ પોલીસને મળે તો પણ પોલીસ ગેંગ સુધી પહોંચી ન શકે. બન્યુ પણ એવું જ છે હજુ સુધી પોલીસને ખુની સુધી દોરી જતી કોઈ કડી મળી નથી. અલબત ટેકનિકલ સેલે પણ હવે તપાસમાં ઝંપલાવતા તપાસ વધુ વેગવાન બની છે. પોલીસની જુદી જુદી ટીમો પણ હત્યારાઓને શોધવા દિવસરાત દોડધામ કરી રહી છે. કબજે લેવાયેલો મુદામાલ ચોરાઉ હોવાનું સામે આવ્યાબાદ આ પ્રકરણનો ભેદ ઉકેલવાનું પોલીસ માટે કઠિન બની ગયું છે.

print

Comments

comments

VOTING POLL