પ્રજાનો મિત્ર છું પરંતુ ગુનેગારોનો દુશ્મનઃ મનોજ અગ્રવાલ

August 9, 2018 at 2:26 pm


રાજકોટના પોલીસ કમિશનરપદેથી થોડા સમય પૂર્વે અનુપમસિંહ ગેહલોતની બદલી થઈ અને તેમના સ્થાને ગૃહ વિભાગના પ્રિિન્સપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલની રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ ત્યારે સ્વાભાવિક રીતે રાજકોટના લાખો શહેરીજનોને મનમાં પ્રશ્ન હતો કે નવા પોલીસ કમિશનર રાજકોટની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે જાળવશે પરંતુ જેમને ધીરે ધીરે તેમનો પરિચય થઈ રહ્યાે છે તેઆે સ્પષ્ટપણે માનવા લાગ્યા છે કે, આ ‘સાહેબ’ સાચાની મદદ કરવાવાળા છે જ્યારે ખોટાના દુશ્મન છે. ‘આજકાલ’ પ્રેસની શુભેચ્છા મુલાકાતે આવેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્પષ્ટપણે કહ્યું હતું કે, સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પોલીસ પ્રજાનો મિત્ર બને છે અને હું પણ પ્રજાનો મિત્ર છું પરંતુ ગુનેગારો માટે હું ચોકકસપણે દુશ્મન છું. તેમની આ સ્પષ્ટ વાત ઉપરથી જ લાગી રહ્યું છે કે, તેઆે રાજકોટને માત્ર સ્માર્ટ સિટી તરીકે જોવા નથી ઈચ્છતા પરંતુ એક શાંત સિટી તરીકે પણ જોવા ઈચ્છે છે. ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી સાથેની લગભગ બે કલાક સુધીની લંબાણભરી મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ શહેરને સ્પર્શતા ટ્રાફિક સહિતના મુદ્દે વાતો કરી હતી. સાથોસાથ પોલીસના કાર્યમાં રાજકોટની પ્રજાનો સહકાર પણ માગ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટમાં ટ્રાફિકના પ્રશ્નને સૌથી વધુ અગ્રતા આપવા માગે છે. તેઆે માને છે કે, રાજકોટ શહેરની વસતિ 18થી 20 લાખ જેવી થઈ ગઈ છે અને વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. રાજકોટ ધીરે ધીરે કોસ્મોપોલિટન સિટી થવા જઈ રહ્યું છે અને તે મુજબનું કલ્ચર પણ ધીરે ધીરે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પાર્કિંગ અને કંન્જેશનની સમસ્યા ઉદ્ભવે તે સ્વાભાવિક છે. રાજકોટ શહેરની પોલીસ આ સમસ્યા શકય તેટલી વહેલી કરવા માટે પ્રયત્નશીલ છે અને આ દિશામાં ઝડપભેર કાર્ય થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, પોલીસતંત્ર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પુરતા પ્રયાસો કરી રહી છે પરંતુ તેમાં રાજકોટની પ્રજાનો સહકાર પણ આવશ્યક છે.

તેમણે કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અને પોલીસતંત્ર પાસે ચોકકસ પ્રકારનો પ્લાન છે. રાજકોટ શહેરમાં સિટીના ટ્રાફિક ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રનો ટ્રાફિક આવે છે અને પરિણામે ઘણા માર્ગો ઉપર ‘જામ’ની સ્થિતિ જોવા મળે છે. તેમણે લોકોને શકય હોય ત્યાં સુધી સાઈકલનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જુદા જુદા કોમ્પ્લેકસ, બહુમાળી ઈમારતો અને ભવનોની બહારના ભાગે જે પાર્કિંગ કરવામાં આવે છે તે પાર્કિંગ સેલર અથવા પાર્કિંગવાળી જગ્યામાં જ થાય તે માટે પોલીસ ઝુંબેશ કરી રહી છે અને ધીરે ધીરે તેના પરિણામ પણ જોવા મળશે. તેમણે કહ્યું હતું કે, ટ્રાફિકના નિયમોની શરૂઆત અમે પોલીસથી જ કરી છે અને તાજેતરમાં જ પોલીસ કર્મચારીઆેને હેલ્મેટ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. આ સિવાય અમે રંગબેરંગી નંબર પ્લેટ તેમજ ગાડી ઉપરની બ્લેક ફિલ્મ માટે પણ ઘણા ગંભીર છીએ અને તેને દૂર કરાવવામાં આવશે. અમે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઆે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાંથી જરૂરી સ્ટાફ પણ ફાળવ્યો છે.

ટ્રાફિક ઉપરાંત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું બીજું સપનું રાજકોટને સ્માર્ટ સિટીની સાથે સાથે ઈન્ટેલિજન્સ સિટી બનાવવાનું પણ છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રયત્નશીલ છે અને આ દિશામાં કાર્યવાહી થઈ રહી છે. જ્યારે પોલીસ ટેકનોલોજીના પુરતા ઉપયોગથી શહેરને ઈન્ટેલિજન્સ સિટી બનાવવા માગે છે. કોઈપણ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસતંત્રની છે તેમ તેમાં સહયોગ આપવાની જવાબદારી પ્રજાની પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રજા જો સોશ્યલ મીડિયાના માધ્યમથી પોલીસને માહિતગાર કરતી રહે તો ગુનાઆે ઉકેલવામાં અને અટકાવવામાં ઘણી મદદ મળતી હોય છે. રાજકોટમાં પણ અમે ટેકનોલોજીના ભરપુર ઉપયોગથી આ વ્યવસ્થા તંત્ર ઉભું કરવા માગીએ છીએ. આ વ્યવસ્થા અંતર્ગત કોઈ વ્યિક્તને કોઈ સ્થળે કંઈક ‘ખોટું’ થતું ધ્યાનમાં આવે તો તે સોશ્યલ મીડિયા મારફત પોલીસ તંત્રનું ધ્યાન દોરી શકે છે અને પોલીસ આ દિશામાં ત્વરીત પગલાં લેશે. કેટલાક પ્રશ્નો એવા હોય છે જે સમગ્ર શહેરને જ સ્પર્શતા હોય છે જ્યારે કેટલાક પ્રશ્નો ચોકકસ વિસ્તાર પુરતા જ સિમિત હોય છે. જો સોશ્યલ મીડિયા અંતર્ગત લોકોને સાથે જોડવામાં આવે તો આ મર્યાદિત વિસ્તારવાળો કન્સેપ્ટ ઉપયોગી થાય અને પોલીસતંત્ર એ વિસ્તાર ઉપર ફોકસ કરીને સમસ્યાનો નિવેડો લાવી શકે.

તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજીના આજના સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઆે પણ વધતી જતી જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે રાજકોટમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી છે અને જરૂરી મંજૂરી મળ્યા બાદ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે.

રાજ્યના પોલીસતંત્રમાં કોમ્પ્યુટરાઈઝેશન માટે પહેલ કરનાર મનોજ અગ્રવાલે લોકોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસતંત્રની કામગીરી આેનલાઈન કરવાથી અરજદારોને અને ખુદ પોલીસતંત્રને ઘણી બધી સરળતા રહે છે. ફરિયાદ કરનાર કે અરજી કરનાર વ્યિક્તને તેના જ મોબાઈલ ઉપર તેની ફરિયાદનું સ્ટેટસ, ચાર્જશીટ અથવા મુદ્દામાલ સહિતની માહિતી મળતી રહે તો તેને પણ પોલીસતંત્રમાં વિશ્વાસ બેસે અને અમે આ માટે કાર્યરત છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે વરદી પહેરેલા નાગરિક છીએ ત્યારે શહેરની પ્રજા વરદી વગરની પોલીસ છે તેવું માનીએ છીએ. આ વાતચીત દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, પોલીસતંત્ર ખાસ કરીને મહિલાઆે, સિનિયર સિટીઝન અને નબળા વર્ગના લોકોના જાનમાલની રક્ષા કરવા માટે પ્રતિબધ્ધ છે. જ્યાં ખોટું થતું હશે તેને ચોકકસપણે અટકાવવામાં આવશે. મનોજ અગ્રવાલ પોતે સુરક્ષા સેતુ યોજનાના પ્રણેતા છે અને રાજકોટમાં તેઆે આ યોજનાને વધુને વધુ લોકો સાથે સાંકળીને તેનો અમલ કરાવવા માગે છે. તેમણે કહ્યું હતું કે સુરક્ષા સેતુ યોજનાના માધ્યમથી પોલીસ પ્રજાનો મિત્ર બને છે. હું પોલીસ કમિશનર તરીકે કહીશ કે હું પણ પ્રજાનો મિત્ર જ છું પરંતુ ગુનેગારોનો મોટો દુશ્મન વધુ છું.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટમાં ભૂમાફિયા માટે ઘણી ફરિયાદો આવતી હોય છે સાથોસાથ વ્યાજખોરી પણ જોવા મળે છે. આ બન્ને અસામાજિક પ્રવૃિત્તઆેને જડમૂળમાંથી ઉખેડી નાખવા પોલીસ તત્પર છે. રાજકોટ શહેર એક વિકસતું શહેર છે અને તેના વિકાસમાં આડા આવતા કોઈપણ તત્વને અમે ભરી પીશું.

ટ્રાફિકના પ્રશ્નને પોલીસ અગ્રતા આપશેઃ પ્રજા પણ સહકાર આપે તે જરૂરી

શહેરના વિકાસમાં રોડાં નાખતા કોઇપણ તત્વોને ભરી પીવાશે

સ્માર્ટ સિટીની સાથે સાથે રાજકોટને ઇન્ટેલિજન્ટ સિટી બનાવવાનું લક્ષ્ય

રાજકોટને મળશે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, ટેકનોલોજીની આ દુનિયામાં જેમ લોકોના કાર્યો સરળ થઈ ગયા છે તેમ આેનલાઈન ફ્રાેડ કરનારાઆેની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી દેખાઈ છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં સાયબર સેલ યુનિટ અત્યારે કાર્યરત છે પરંતુ સરકારની મંજૂરી મળ્યા બાદ અલગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે અને ત્યાં ટેકનોલોજીના જાણકાર પોલીસ અધિકારીઆે અને કર્મચારીઆેની નિમણૂક કરવામાં આવશે. આ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના માધ્યમથી તમામ પોલીસ કર્મચારીઆેને પણ જરૂરી તાલીમ આપવામાં આવશે.

રાજકોટમાં કોસ્મોપોલિટન કલ્ચર વિકસી રહ્યું છે

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, કેટલાક સમય પૂર્વે એક ‘સુધરેલા ગામ’ તરીકે આેળખાતું રાજકોટ શહેર ઝડપભેર વિકસી રહ્યું છે અને તેમાં કોસ્મોપોલિટન કલ્ચર પણ આવી રહ્યું છે. રાજ્ય સરકાર પણ રાજકોટના વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નશીલ છે. રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યું છે. સાથોસાથ રેસકોર્સ-2ની ભેટ પણ મળી છે. આવી સ્થિતિમાં રાજકોટ શહેરનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યાે છે અને પોલીસતંત્ર માટેના પડકારો પણ વધી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL