પ્રધાનમંડળનું વિસ્તરણ: 2019ની તૈયારી

September 5, 2017 at 9:00 pm


પ્રધાનમંડળમાં નવા પ્રધાનોનો સમાવેશ અને બીજા ચારને કેબિનેટ સ્તર પર અપાયેલી બઢતી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન પદ્ધતિ પર ધ્યાન હોવાનું જણાવે છે, પણ ભાજપ્ની રાજકીય દૃષ્ટિ પણ છતી કરે છે.
પ્રધાનમંડળના વિસ્તરણમાં એક બાબત અત્યંત ધ્યાન ખેંચે તેવી છે, અને તે એટલે સંરક્ષણ પ્રધાન તરીકે એક મહિલા – નિર્મલા સીતારામનને શીરે પહેરાવાયેલો તાજ! આ સ્વતંત્રતા પછી પહેલી વખત નથી બન્યું, કારણ કે ઈંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે સંરક્ષણખાતાનો હવાલો પોતાની પાસે રાખ્યો હતો, પરંતુ આ વખતે એક મહિલાને દેશની સંરક્ષણ નીતિ અને રીતિ માટેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ પહેલાં તેઓ રાજ્યકક્ષાનાં પ્રધાન હતાં અને વાણિજય ખાતાનો હવાલો સંભાળતાં હતા, જે પીયૂષ ગોયલ કેબિનેટ પ્રધાન તરીકે સંભાળતા હતા. હવે ગોયલને સુરેશ પ્રભુની જગ્યાએ રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આવી ફેરબદલીની વાતો નહીં કરીએ પણ કાર્ય પાછળનાં કારણો જાણવા પર નજર નાખીએ.
પ્રધાનમંડળમાં ફેરફાર કરતી વખતે વડા પ્રધાને કેટલાક રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્ય બનાવી છે. 2019માં લોકસભાની ચૂંટણી થાય તે પહેલાં કણર્ટિક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને તેથી જ મધ્ય પ્રદેશમાંથી નવો દલિત ચહેરો એટલે કે વીરેન્દ્રસિંહનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો. એ જ રીતે રાજસ્થાનમાંથી ગજેન્દ્રસિંહ શેખાવત પર પસંદગી ઊતારી, કારણ કે રાજપૂત સમુદાયના શેખાવતના કારણે વિધાનસભાની ચૂંટણીનાં સમીકરણો બદલી શકાવાની શક્યતા છે. કણર્ટિકમાં પણ આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે તેથી ઉત્તર કણર્ટિકના બાહુબલી ગણાતા અનંતકુમાર હેગડેનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો છે.

એવું ગણિત ગણાઈ રહ્યું છે કે, જેઓ રાજ્યકક્ષાના પ્રધાન હતા તેમને કેબિનેટ પ્રધાન બનાવીને પક્ષના ચૂંટણી અંગેના કાર્યમાં જ તેમનો ઉપયોગ કરવામાં આવશે. તેમને પક્ષના સંગઠનમાં લાવ્યા વગર સંગઠનને વધુ મજબૂત કરવાનો હેતુ છે. જેમને બઢતી આપવામાં આવી છે, તે પ્રધાનો ઓડિશા રાજ્યમાં પગપેસારો કરવા માટે મહત્ત્વના છે.

વધુમાં વધુ 81નું પ્રધાનમંડળ રચી શકાય તેમ છે, પરંતુ સાથી પક્ષોમાંથી કોઈને પણ સામેલ ન કરીને પાંચ સ્થાન હજુ ખાલી રાખ્યાં છે – મહારાષ્ટ્રમાં શિવસેનાએ તો એવો બળાપો કાઢ્યો જ છે કે, ભાજપ્ને ગરજ હોય ત્યારે જ સાથી પક્ષોને મહત્ત્વ આપે છે. પ્રધાનમંડળમાં સમાવાયેલા નવા પ્રધાનો બધા જ ભાજપ્ના છે. એટલે સુધી કે લોકસભા કે રાજ્યસભાના સભ્ય ન હોવા છતાં પંજાબમાંથી હરદીપ પુરી અને કેરળના અલ્ફોન્સ કે. જે. ને પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. અલ્ફોન્સના ખભે 2019માં કેરળનું લક્ષ્ય સાધવા બંદૂક મુકાઈ છે. હવે એ બન્નેને રાજ્યસભાના સભ્ય બનાવાશે જે વૈંકેયા નાયડુ અને મનોહર પર્રિકરના જવાથી ખાલી છે.

આ વિસ્તરણમાં જનતા દળ યુનાઇટેડ કે શિવસેના જેવા સાક્ષી પક્ષોની અપમાનજનક રીતે અવગણના કરવામાં આવી છે. વડાપ્રધાને આ સાથી પક્ષોને પણ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે તેમને એનડીએમાં રહેવું હોય તો તેમની જ ગરજે રહી શકે છે બાકી ભાજપ્ને રાજકીય લડાઇમાં તેમના સાથની પણ કોઇ જરૂર નથી. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં સરકાર તથા સત્તા પક્ષ વધુને વધુ એક વ્યક્તિ કેન્દ્રીત થઇ રહ્યાં છે અને પ્રધાનોની આ ફેરબદલ પણ મોદીનાં કેન્દ્રીકરણનો પુરાવો છે.

print

Comments

comments

VOTING POLL